લંડનઃ બીબીસી વર્લ્ડ સર્વિસના ડિરેક્ટર લિલિયન લેન્ડોરે સંભવિત કાપના ભયના પગલે રાજીનામુ આપી દીધું છે. તેઓ 3 વર્ષ પહેલાં ચેનલ ફોર છોડીને બીબીસી સાથે જોડાયાં હતાં. સ્ટાફને લખેલી નોંધમાં તેમણે જણાવ્યું હતું કે, જો ખર્ચમાં વધુ કાપ મૂકવામાં આવશે તો મને બીબીસી વર્લ્ડ સર્વિસના ભાવિ અંગે ચિંતા છે. હાલ બીબીસી વર્લ્ડની સેવાઓ 318 મિલિયન લોકો સુધી પહોંચે છે.
લેન્ડોરે જણાવ્યું હતું કે જો ખર્ચમાં વધારાના કાપ મૂકવામાં આવશે તો બીબીસી વર્લ્ડ સર્વિસની ઓપરેશનલ ક્ષમતાઓ પર અસર પડશે અને તે વધુ નબળી બનશે. 43 ભાષામાં કામ કરતી બીબીસી વર્લ્ડ સર્વિસ વિશ્વસનીય સમાચારની જરૂરીયાતવાળા વિશ્વના હિસ્સા અને લોકો સુધી પહોંચતી આંતરરાષ્ટ્રીય સેવા છે. અત્યારે મીડિયાની સ્વતંત્રતા પર ધમકીઓ તોળાઇ રહી છે ત્યારે વર્લ્ડ સર્વિસ સારું પરિબળ છે અને બીબીસીએ તેની કાળજી લેવી જોઇએ.