લંડનઃ બ્રિટન સૌથી ખરાબ શિયાળાનો સામનો કરવા કમર કસી રહ્યું છે ત્યારે બીમાર અને વયોવૃદ્ધ લોકોને ખોરાક અને દવાઓનો સ્ટોક એકઠો કરી રાખવા સલાહ અપાઈ છે. બ્રિટન આકરા અને લાંબા શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે નાજૂક લોકો પર જોખમ હોવાની ચેતવણી આરોગ્ય નિષ્ણાતો દ્વારા અપાઈ છે. A&Eવિભાગ માગનો સામનો કરવાનો સંઘર્ષ કરી રહ્યો છે, જેમાં આકરો શિયાળો વધુ તકલીફ લાવ. ૪૦ ટકાથી વધુ હોસ્પિટલોએ તાકીદના પગલાં લેવાની ફરજ પડી છે. આ શિયાળામાં અત્યાર સુધી ફ્લુના કારણે ૩૨ મોત થયાં છે અને ગત વર્ષની સરખામણીએ નોરોવાઈરસ કેસીસ ૭૭ ટકા વધુ છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના પોલ કોસ્ફર્ડે જણાવ્યું છે કે હવામાન વિભાગ દ્વારા બરફ પડવા સહિત અતિ ઠંડી આબોહવાની આગાહી કરવામાં આવી છે. ખરાબ હવામાન સંદર્ભે ૬૫થી વધુ વયના લોકો અને નાના બાળકો માટે તમારે આવશ્યક દવાઓ અને ખોરાકનો સંગ્રહ કરી લેવો જોઈએ. આ શિયાળામાં ૨,૮૯૯ નોરોવાઈરસ રિપોર્ટ્સ આવવાથી૧૯૫ વોર્ડ્સ બંધ કરવા પડ્યા છે. શિયાળામાં ઉલ્ટીના જીવાણુઓ પ્રસરી રહ્યા હોવાથી લોકોને હાથ બરાબર ધોવાની પણ સલાહ અપાઈ છે.
ગત સપ્તાહે ૩૭૬,૦૦૦ લોકોએ A&Eવિભાગની મુલાકાત લીધી હતી, જે તેની અગાઉના સપ્તાહ કરતા ૪,૦૦૦ વધુ છે. હોસ્પિટલોમાં સરેરાશ ૯૫ ટકા પથારીઓ ભરાયેલી છે. ત્રણ હોસ્પિટલોમાં તો ૧૦૦ ટકા પથારી ભરેલી છે. ઈંગ્લેન્ડના ૧૫૨ હોસ્પિટલ ટ્રસ્ટ્સમાંથી ૫૯ ટ્રસ્ટ્સ દ્વારા લેવલ-થ્રી ઓપરેશનલ પ્રેશર એલર્ટ જારી કરવામાં આવ્યા છે.