બીમારીના બહાને નોકરી નહીં કરનારાના બેનિફિટ્સ છીનવાશે

સરકારી લાભો ખાટતા લોકો સામે આકરું વલણ અપનાવવાની વડાપ્રધાન સુનાકની સંખ્યાબંધ પગલાંની જાહેરાત, ચૂંટણી બાદ અમલ કરાશે

Tuesday 23rd April 2024 10:36 EDT
 
 

લંડનઃ સુનાક સરકારે બીમારીના બહાને કામ ધંધો કરવાથી દૂર રહીને સરકારી લાભો ખાટતા લોકો સામે આકરું વલણ અપનાવવાની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, વેલ્ફેર સિસ્ટમમાં મોટા બદલાવ આવશ્યક છે. વેલ્ફેર સિસ્ટમના લાભો અંગે મોટી જાહેરાત કરતાં વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, તંદુરસ્ત હોવા છતાં નોકરીની ઓફર નહીં સ્વીકારતા લોકોના બેનિફિટ્સ 12 મહિના બાદ સ્થગિત કરી દેવાશે.

જો કન્ઝર્વેટિવ પાર્ટી આગામી સંસદની ચૂંટણીમાં વિજેતા બનશે તો વેલ્ફેર સિસ્ટમમાં ધરમૂળથી થનારા બદલાવની યોજના જાહેર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, બેરોજગારીના લાભો સુરક્ષા માટે હોવા જોઇએ નહીં કે પસંદગી માટે. આકરો પરિશ્રમ કરનારાને વધુ લાભ અપાશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર લોકોને કામ ધંધા પર પાછા લાવવામાં મદદ કરવા માટે ઘણી મહત્વાકાંક્ષી છે. સરકાર નવી સંસદમાં સંખ્યાબંધ પગલાં દ્વારા જીવનની ચિંતાઓ અને રોજિંદા પડકારોના જોખમો ઘટાડવા માટે પ્રમાણિક છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16થી 64 વર્ષની વયજૂથના 9.4 મિલિયન બ્રિટિશરો પૈકીના 22 ટકા કોઇ કામકાજ કરતાં નથી. તેમાંથી 2.8 મિલિયન લોકો લાંબા ગાળાથી બીમાર છે.

કામ કરી શકે તેવા બ્રિટિશરોની સંખ્યા 2015 પછી સૌથી નીચી સપાટી પર

લાંબાગાળાની બીમારી અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને કારણે અન્ય મોટા અને ધનિક દેશોની સરખામણીમાં નોકરી-ધંધો કરી શકે તેવા બ્રિટિશરોની સંખ્યા વર્ષ 2015 પછી સૌથી નીચી સપાટી પર આવી ગઇ છે. અન્ય વિકસિત દેશોમાં કામ કરતા લોકોની સંખ્યામાં 2020 પછી વધારો જોવા મળ્યો છે.

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, માનસિક બીમારીઓના કારણે કામ છોડી રહેલા લોકોની વધતી સંખ્યા મોટી ચિંતાનો વિષય છે. આપણે લોકોને કામ પર પાછા લાવવા વધુ મહેનત કરવાની જરૂર છે.

જીપીનો સિક નોટ આપવાનો અધિકાર છીનવાય તેવી સંભાવના

વડાપ્રધાન સુનાક બ્રિટનમાંથી સિક નોટ કલ્ચરનો અંત લાવવા માગે છે. તેમણે જણાવ્યું હતું કે, જીપીને અપાયેલા સિક નોટ આપવાના અધિકાર નાબૂદ કરવામાં આવી શકે છે કારણ કે ડોક્ટરો બહુ ઝડપથી કોઇ વ્યક્તિ કામ કરવા માટે લાયક નથી તેવી નોંધ લખી આપે છે.

વડાપ્રધાન દ્વારા સૂચિત પગલાં

-          કામ કરી શકે તેમ હોય તેમ છતાં વર્ક કોચ દ્વારા અપાયેલી જોબ ઓફર નહીં સ્વીકારનારના બેનિફિટ્સ 12 મહિના પછી સ્થગિત કરી દેવાશે

-          કામ કરવાની ક્ષમતાની સમીક્ષાના નિયમો આકરાં બનાવાશે, ઓછી ગંભીર બીમારી ધરાવનારે નોકરી કરવી પડશે

-          જીપી દ્વારા અપાતી સિક નોટની પ્રણાલિ બંધ કરી દેવાશે તેના સ્થાને સ્વતંત્ર સમીક્ષકો દ્વારા સિક નોટ જારી કરવામાં આવશે

-          સપ્તાહના સંપુર્ણ કલાકો કરતાં અડધો સમય કામ કરનારા માટે નિયમોમાં બદલાવ કરાશે અને તેમને વધુ કામ કરવાની ફરજ પડાશે

-          યોગ્યતામાં બદલાવ અને ટાર્ગેટેડ સપોર્ટની સમીક્ષા માટે પીઆઇપીમાં બદલાવ કરાશે, કેશ પેમેન્ટનું સ્થાન ટોકિંગ થેરાપી લેશે

-          બેનિફિટ મેળવવામાં ફ્રોડ કરનારા સામે ટેક્સ ફ્રોડની જેમ પગલાં લેવા નવું ફ્રોડ બિલ સંસદમાં લવાશે, જેમાં સંપત્તિની જપ્તીથી માંડીને ધરપકડના અધિકાર અપાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter