લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ગુરુવારે મુખ્ય વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરાયો હતો. જેના પગલે વ્યાજ દર 4.75 ટકાથી ઘટીને 4.5 ટકા થયો છે. છેલ્લા 6 મહિનામાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ત્રીજીવાર ઘટાડો કરાયો છે અને જૂન 2023 પછીની સૌથી નીચી સપાટી પર પહોંચ્યો છે.
વ્યાજદરમાં ઘટાડાનો અર્થ એ થાય છે કે મોર્ગેજ ટ્રેકર ડીલ ધરાવતા 6,29,000 મકાન માલિકોના માસિક રિપેમેન્ટમાં 29 પાઉન્ડનો ઘટાડો થઇ શકે છે. જ્યારે સ્ટાન્ડર્ડ વેરાયેબલ રેટ મોર્ગેજ ધરાવતા 7 લાખ મોર્ગેજધારકોને તેમના લેન્ડર દ્વારા અપાતા પ્રતિભાવ પર આધાર રાખવો પડશે. ફિકસ્ડ મોર્ગેજ ડીલ ધરાવતા ગ્રાહકો માટે તાત્કાલિક કોઇ બદલાવ થશે નહીં પરંતુ નવા અને મોર્ગેજ રિન્યૂ કરાવનારા ગ્રાહકોને લેન્ડર્સ દ્વારા સસ્તી ડીલ મળી શકે છે.
વ્યાજદરમાં ઘટાડો થાય તો મોર્ગેજ અને અન્ય પ્રકારની લોનના ઇએમઆઇમાં ઘટાડો થતો હોવાની સામાન્ય માન્યતા છે પરંતુ પહેલીવાત તો એ કે ઇએમઆઇ પરના વ્યાજમાં જ ઘટાડો થઇ શકે છે. બીજી મહત્વની વાત એ કે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા નક્કી કરાતો બેઝ રેટ અને મોર્ગેજ માટે બેન્ક અથવા લેન્ડર દ્વારા વસૂલાતા વ્યાજનો દર અલગ હોય છે. જોકે ફિક્સ્ડ ટર્મ ડીલ ધરાવતા ગ્રાહકો માટે કોઇ ફેર પડતો નથી. તેમને વ્યાજદર માટે તેમની ડીલ સમાપ્ત થયે તેમના લેન્ડર સાથે ભાવતાલ કરવા પડે છે. ફિક્સ્ડ ટર્મ મોર્ગેજધારકોના ઇએમઆઇમાં કોઇ બદલાવ થશે નહીં.
બીજીતરફ સેવિંગ્સ એકાઉન્ટમાં થતી વ્યાજની આવકમાં ઘટાડો થશે. જ્યારે ક્રેડિટ કાર્ડ રિપેમેન્ટ અને બેન્ક અથવા કાર લોનના ઇએમઆઇ પર વ્યાજદરોની અસર થઇ શકે છે. જોકે લેન્ડર્સ દ્વારા તાત્કાલિક વ્યાજદરોમાં ઘટાડો કરાય તેવી કોઇ સંભાવના હાલ તો દેખાતી નથી.