લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સામે સાઉથ અમેરિકન દેશ વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કે કાનૂની કાર્યવાહી આરંભી છે. બેન્કો સેન્ટ્રલ દ વેનેઝુએલા (BCV)એ આક્ષેપ લગાવ્યો છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ ૧ બિલિયન પાઉન્ડના મૂલ્યનું સોનું પરત કરી રહી નથી. કોરોના મહામારી સામે લડવા તેને સોનાની જરુર હોવાનું BCVએ જણાવ્યું છે. આ સોનું વેચી વેનેઝુએલા તેની આવક યુનાઈટેડ નેશન્સને વાઈરસ રીલિફમાં આપવા માગે છે પરંતુ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ જવાબ આપતી ન હોવાથી વેનેઝુએલાની બેન્કે ૧ બિલિયન પાઉન્ડના દાવાની ધમકી આપી છે.
કોરોના વાઈરસે વેનેઝુએલાના અર્થતંત્રની હાલત બગાડી છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માડુરોની કટ્ટર ડાબેરી સરકારને યુએસ અને યુકે સહિત અગ્રણી દેશોની માન્યતા મળી નથી. આ દેશ સામે યુએસ અને યુરોપિયન યુનિયને પ્રતિબંધો પણ લગાવ્યા છે. વેનેઝુએલાની માગણી છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સોનાના વેચાણની આવક યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફત તેને આપે જેથી, તે દવાઓ અને ખોરાક ખરીદી શકે. સમાજવાદી નીતિઓ અને ઓઈલ સંપત્તિની ખાયકી અને ઘટેલી કિંમતોના કારણે વેનેઝુએલાની આર્થિક હાલત કંગાલ છે અને માડુરો રોકડ રકમ મેળવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી લંડનની ફર્મ ઝાઈવાલા એન્ડ કંપની હસ્તક છે. કંપનીના સીનિયર પાર્ટનર સરોશ ઝાઈવાલાએ જણાવ્યું હતું કે ‘બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પારોઠના પગલાં કોવિડ-૧૯ના સામના માટે વેનેઝુએલા અને યુએનની કામગીરીને ગંભીર અસર કરી રહ્યાં છે. ઓઈલની પ્રાઈસ ઘટી જવાથી અને યુએસના આર્થિક પ્રતિબંધોથી વેનેઝુએલાના લોકો કોરોના મહામારીના ગંભીર જોખમ સામે ઝઝૂમી રહ્યા છે. વેનેઝુએલાની સોના અનામત પરત નહિ કરીને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ હજારો લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે.’
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વોલ્ટ્સમાં અંદાજે ૨૦૦ બિલિયન પાઉન્ડની કિંમતની સોનાની પાટો અને ઈંટો છે. વિદેશની મધ્યસ્થ બેન્કો માટે તે સલામત કસ્ટોડિયન ગણાય છે. દાવા અનુસાર વેનેઝુએલાની BCVએ ૨૦૦૮માં તેના સોનાનો સંગ્રહ કરવા એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેણે બેન્ક વિરુદ્ધ આક્ષેપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય અને વૈશ્વિક કટોકટીના સમયે વેનેઝુએલાને તેની સુવર્મ અનામત પરત ન કરવી તે અયોગ્ય વર્તન છે. ગવર્નર એન્ડ્રયુ બેઈલીના વડપણ હેઠળની બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આ કેસમાં કોઈ ટીપ્પણી કરવાનું નકાર્યું છે.