લંડનઃ પૂર્વ ટોરી વડા પ્રધાન ડેવિડ કેમરને કૌભાંડોથી ઘેરાયેલા બેન્કર લેક્સ ગ્રીનસિલને ૧૧ સરકારી વિભાગો સાથે સંપર્કની વિશેષ સુવિધા આપી હોવાનું સન્ડે ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે. કેમરને ગ્રીનસિલને સિક્યુરિટી પાસ આપ્યો હતો જેનાથી તે વ્હાઈટહોલમાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટને વિકસાવી શકતો હતો.
લીક થયેલા દસ્તાવેજો અનુસાર કેમરને ૨૦૧૨માં NHS સાથે સંકળાયેલી ફાર્મસીઓ માટે મલ્ટિ બિલિયન પાઉન્ડની લોન સ્કીમ મંજૂર કરી હતી. આ વિચારને ફગાવતા રિપોર્ટમાંથી ટીકાઓ દૂર કરાયા પછી આ મંજૂરી અપાઈ હોવાનું સન્ડે ટાઈમ્સે જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ગ્રીનસિલ M62, M4 અને M5 સહિતના મોટરવેઝ અપગ્રેડ કરવાની યોજના ઠસાવી શક્યો હતો. તેણે ટાયફૂન ફાઈટર જેટ્સ માટે ભંડોળ પુરું પાડવા ડિફેન્સ સત્તાવાળાઓ સાથે બેઠકો પણ યોજી હતી.
કેમરન ૨૦૧૬માં વડા પ્રધાન પદ છોડ્યા પછી ગ્રીનસિલના કર્મચારી બન્યા હતા. એક સમયે પાચ બિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતી કંપની માર્ચ મહિનામાં લિક્વિડેશનમાં ગઈ હતી. સરકારે જણાવ્યું હતું કે,‘લેક્સ ગ્રીનસિલે સપ્લાય ચેઈન ફાઈનાન્સ એડવાઈઝર અને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ તરીકે કામગીરી બજાવી હતી.’
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર પૂર્વ વડા પ્રધાન કેમરને ફાઈનાન્સ ફર્મ ગ્રીનસિલ માટે નાણાભંડોળ મેળવવા ૨૦૨૦ની શરુઆતમાં સાઉદી અરેબિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે ૩ બિલિયન પાઉન્ડથી વધુ અંગત અને ૧.૫ ટ્રિલિયન પાઉન્ડની પારિવારિક સંપત્તિ ધરાવતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાસેથી ભંડોળ હાંસલ કરવા રણપ્રદેશમાં બેન્કર લેક્સ ગ્રીનસિલ સાથે તંબુબેઠકમાં પણ હાજરી આપી હતી.