લંડનઃ બ્રિટનના સૌથી મોટા બેન્કરપ્ટ ટાયકૂન 68 વર્ષીય પ્રમોદ મિત્તલ પર પોતાના બિઝનેસ દેવા ચૂકવવાને બદલે ગુપ્ત રીતે 63 મિલિયન પાઉન્ડ પત્ની અને બાળકોના નામે ટ્રાન્સફર કરી દેવાનો આરોપ મૂકાયો છે. પ્રમોદ મિત્તલ પરિવારમાં શાહી લગ્નોનું આયોજન કરવા માટે જાણીતા હતા અને તેમણે દીકરી સૃષ્ટિના બાર્સેલોના ખાતે યોજેલા લગ્નમાં 50 મિલિયન પાઉન્ડનો ધુમાડો કરી નાખ્યો હતો. 2023માં તેમના પુત્ર દિવ્યેશના લગ્નને સૌથી ખર્ચાળ ભારતીય લગ્ન ગણાવવામાં આવ્યાં હતાં.
પ્રમોદ મિત્તલ પર 2.7 બિલિયન પાઉન્ડનું કુલ દેવુ હોવાનું મનાય છે. હવે પ્રમોદ, તેમના પત્ની અને બાળકોને હાઇકોર્ટમાં ઘસડી જવાયાં છે. તેમની પૂર્વ કંપનીઓનો આરોપ છે કે સ્ટીલ ટાયકૂન પાસે કંપનીને 216 મિલિયન અમેરિકન ડોલર લેવાના નીકળે છે. ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સને મિત્તલને દિવાની દાવામાં સામેલ કરવાની પરવાનગી અદાલતે આપી દીધી છે. ગ્લોબલ સ્ટીલનો આરોપ છે કે મિત્તલ અને તેમના પરિવારજનોએ કંપનીને મળવા પાત્ર 180 મિલિયન ડોલર ટ્રાન્સફર કરી લીધા હતા. 81 મિલિયન ડોલર મિત્તલની પત્ની સંગીતા અને 3 સંતાનોને ટ્રાન્સફર કરાયાં હતાં.