બેન્કોની વધુ ૪૦૦ શાખા બંધ થશે

Monday 11th April 2016 05:17 EDT
 
 

લંડનઃ બ્રિટનની મોટી હાઈ સ્ટ્રીટ બેન્ક્સમાંની ત્રણ બેન્ક દ્વારા આ વર્ષે ૪૦૦ બ્રાન્ચ બંધ કરવામાં આવનાર છે. HSBC તેના બાકી રહેલા નેટવર્કના પાંચમા ભાગ એટલે કે ૨૦૦ સ્થળોએ શાખા બંધ કરશે, જ્યારે બાર્કલેઝની ૧૦૦ અને નેટવેસ્ટની માલિક રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)ની પણ ૧૦૦ જેટલી શાખા બંધ કરાય તેવી ધારણા છે. શાખાઓ બંધ કરવાના બેન્કોના પગલાંથી વૃદ્ધ ગ્રાહકો અને નાના બિઝનેસીસને ભારે મુશ્કેલી પડશે તેમ કેમ્પેઈનર્સ કહે છે.

ઈન્ટરનેટ બેન્કિંગમાં વધારો થતો જવાથી હાઈ સ્ટ્રીટ બ્રાન્ચ નેટવર્કમાં પડતી આવી છે. ઓનલાઈન સર્વિસીસ ઓફર કરવાથી લેન્ડર્સને ખર્ચાળ બિલ્ડિંગ અને સ્ટાફના કોસ્ટિંગમાં બચત થાય છે. RBSના જણાવ્યા મુજબ ૨૦૧૦થી બ્રાન્ચના વ્યવહારોમાં ૪૩ ટકાનો ઘટાડો થયો છે, જેની સામે ડિડિટલ ટ્રાન્ઝેક્શન્સ ૪૦૦ ટકા વધ્યાં છે. ‘મૂવ યોર મની’ ખાતે કેમ્પેઈનર્સના સંશોધન અનુસાર છેલ્લાં બે વર્ષમાં જ આશરે ૧,૧૫૦ બ્રાન્ચ બંધ કરવામાં આવી છે. બેન્કોએ જો કોઈ ટાઉનમાં છેલ્લી શાખા રહી હશે તો તેને બંધ નહિ કરવાની ખાતરી આપી હતી, પરંતુ તેમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

સિટીગ્રૂપના સંશોધન મુજબ ૨૦૧૪ના અંતે પ્રતિ ૧૦૦,૦૦૦ પુખ્ત વ્યક્તિદીઠ ૨૫ બેન્કશાખા હતી. હાલમાં ખુલ્લી રહેલી બ્રાન્ચીસમાંથી અડધી આગામી પાંચ વર્ષમાં અદૃશ્ય થઈ જશે તેવી આગાહી ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપની UBS દ્વારા કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter