લંડનઃ સામાન્ય રીતે બેન્કોમાં મૂકેલી આપણી બચત સુરક્ષિત હોવાનું આપણે માનીએ છીએ પરંતુ પહેલી જાન્યુઆરીથી અમલી નિયમો અનુસાર લાખો બચતકારોએ કેટલીક સુરક્ષા ગુમાવી છે. એટલે કે ૧૦,૦૦૦ પાઉન્ડની સુરક્ષાનો ઘટાડો થયો છે. આનુ કારણ બાકીના યુરોપ સાથે સુસંગત મર્યાદા રાખવાનો છે.
અત્યાર સુધી જો બેન્ક અથવા નાણાકીય સંસ્થા દેવાળુ કાઢે તો ૮૫,૦૦૦ પાઉન્ડ સુધીનું વળતર મળવાપાત્ર હતું, જે મર્યાદા હવે ઘટીને ૭૫,૦૦૦ પાઉન્ડની થઈ છે. સમગ્ર યુરોપ માટે ૧૦૦,૦૦૦ યુરોની મર્યાદા છે અને યુરો સામે પાઉન્ડની કિંમત વધવાથી બ્રિટિશરો માટે બચતની સુરક્ષા ઘટી છે.
ધ ફાઈનાન્સિયલ સર્વિસીસ કોમ્પેનસેશન સ્કીમ (FSCS) ૨૦૦૧માં ઘડાયાં પછી ૪.૫ મિલિયન લોકોને વળતર તરીકે ૨૬ બિલિયન પાઉન્ડથી વધુ રકમ વળતર તરીકે મળી છે. આ યોજના સંપૂર્ણ ન હોવાં છતાં યુકેમાં રજિસ્ટર્ડ બેન્કમાં પ્રથમ ૮૫,૦૦૦ પાઉન્ડ સુધીનું વળતર મળી શકતું હતું, જેમાં હવે ૧૦,૦૦૦ પાઉન્ડનો ઘટાડો થયો છે. આ મર્યાદાની સમીક્ષા દર પાંચ વર્ષે થતી હોવાથી ૨૦૨૦ સુધી તો તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. ૨૦૧૦માં યુરો સામે પાઉન્ડ નબળો હતો તે સમયે વળતરની આ મર્યાદા ૫૦,૦૦૦ પાઉન્ડથી વધારી ૮૫,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી હતી.
તમારા નાણાને સુરક્ષિત રાખવાનો સહેલો માર્ગ તેને મલ્ટિપલ બેન્કખાતામાં રાખવાનો છે, જેનાથી તમને દરેક ખાતામાં બચત સામે સુરક્ષા મળી શકે. તમારે એટલી જ ચોકસાઈ રાખવી પડે કે આ બેન્કો પ્રુડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટીમાં રજિસ્ટર્ડ થયેલી હોય અને એકબીજાની સબસિડિયરી ન હોય. જોકે, ઘર ખરીદવાની અથવા વારસાની પ્રક્રિયા સહિત ટુંકી મુદત માટે નાણા ટ્રાન્સફર કરાતા હોય તો ડિપોઝીટર્સને FSCS હેઠળ એક મિલિયન પાઉન્ડ સુધી હંગામી સુરક્ષા મળી શકે છે. નાણા આવ્યા પછીના છ મહિના સુધી આવી સુરક્ષા મળતી હોય છે.