પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉન ચાન્સેલર હતા ત્યારે તેમના નિકટના સાથી તરીકે કામગીરી બજાવનારા બાવન વર્ષીય બેરોનેસ વડેરાએ ૨૦૦૮ની નાણાકીય કટોકટી દરમિયાન હાઈ સ્ટ્રીટ બેન્કોમાં અબજો પાઉન્ડ ઈન્જેક્ટ કરવા નાણા મંત્રાલય અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે મળીને યોજના ઘડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમને પાછળથી ઉમરાવપદ સાથે કેબિનેટ ઓફિસ અને બિઝનેસ ડિપાર્ટમેન્ટ સાથે જોઈન્ટ મિનિસ્ટર પદ અપાયું હતું. તેમણે નવા રચાયેલા G20 બ્લોકમાં પણ સલાહકાર તરીકે સેવા આપી હતી.
૧૯૭૦ના દાયકામાં યુગાન્ડાથી યુકે આવેલા ગુજરાતી પરિવારમાં જન્મેલાં બેરોનેસ વડેરાનો ઉછેર ભારત અને યુકેમાં થયો છે. તેમણે ઓક્સફર્ડમાં પીપીઈનો અભ્યાસ કર્યા પછી લંડનની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક યુબીએસ વોરબર્ગમાં ૧૪ વર્ષ ગાળ્યાં હતાં. તાજેતરમાં તેમણે ૨૦૧૧માં લોર્ડસમાંથી રજા મેળવી ડીલ એડવાઈઝર અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સફળ કારકિર્દી ઉભી કરી હતી. તેમણે સ્પેન અને આઈરીશ સરકારો તથા ગલ્ફ ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપ દુબઈ વર્લ્ડને નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં સલાહ આપી હતી. તેઓ માઈનિંગ ગ્રૂપ બીએચપી બિલિટોન અને ડ્રગ્સ ઉત્પાદક એસ્ટ્રાઝેનેકામાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.