લંડનઃ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ટોરી લોર્ડ બેરોનેસ સઇદા વારસીએ પાર્ટીમાંથી રાજીનામ આપી દીધું છે. વારસીએ આરોપ મૂક્યો છે કે પાર્ટી જમણેરી કટ્ટરવાદની દિશામાં ઘણી આગળ વધી ચૂકી છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં વારસીએ જણાવ્યું હતું કે, હું ભારે હૃદય સાથે પાર્ટીમાંથી વિદાય લઇ રહી છું અને આ અંગે મેં કન્ઝર્વેટિવ વ્હિપને જાણ કરી દીધી છે. આ દિવસ મારા માટે અત્યંત દુઃખદાયક છે. હું કન્ઝર્વેટિવ છું અને અત્યાર સુધી પાર્ટીને વફાદાર રહી છું પરંતુ હું તેમાં સામેલ થઇ ત્યારની પાર્ટી અને આજની પાર્ટીમાં આભ અને જમીનનો તફાવત છે.
રાજીનામાનો મારો નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટી જમણેરી કટ્ટરવાદની દિશામાં કેટલી આગળ વધી ચૂકી છે તેનું પ્રતિબિંબ છે. પાર્ટીનો દંભ, વિવિધ સમુદાયો સાથેના વ્યવહારમાં બેવડું વલણ આ માટે જવાબદાર છે.
વારસીના રાજીનામા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું હતું કે, રિશી સુનાક અને સુએલા બ્રેવરમેનને નાળિયેર તરીકે દર્શાવતા પોસ્ટર પ્રદર્શિત કરનાર પ્રદર્શનકારીના કોર્ટ કેસ અંગે બેરોનેસ વારસીએ આપેલા નિવેદનોની પાર્ટી દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. મારિયાહ હુસૈન નામની આ વ્યક્તિને કોર્ટ દ્વારા નિર્દોષ છોડાયા બાદ વારસીએ તેને અભિનંદન પાઠવતી પોસ્ટ કરી હતી.