લંડનઃ દેશના અગ્રણી વિદેશી ઈન્વેસ્ટર બેસ્ટવે ગ્રૂપ દ્વારા પાકિસ્તાનના લોકો માટે 1.0 મિલિયન અમેરિકી ડોલરની નાણાકીય અને સામગ્રીની મદદની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, બેસ્ટવે ગ્રુપે યુપનાઈટેડ કિંગ્ડમમાં દેશના સૌથી મોટા સ્વતંત્ર હોલસેલ અને રિટેઈલ નેટવર્ક મારફત ફંડરેઈઝિંગ કેમ્પેઈન લોન્ચ કરી છે. લોર્ડ ચૌધરીએ જાહેર કર્યું છે કે બેસ્ટવે ગ્રૂપ 23 સપ્ટેમ્બર 2022ના દિવસે સેન્ટ્રલ લંડન ખાતે ફંડરેઈઝિંગ ડિનરનું આયોજન કરશે જેમાં 500થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેવાની ધારણા છે.
બેસ્ટવે ગ્રૂપના સીઈઓ લોર્ડ ઝમીર ચૌધરી CBE SI Pkએ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘અમારા સ્થાપક અને ચેરમેન સર અનવર પરવેઝ, OBE H Pk વતી હું પાકિસ્તાનના લોકોને ખાતરી આપું છું કે આ અભૂતપૂર્વ રાષ્ટ્રીય કરુણાંતિકાની વેળાએ બેસ્ટવે ગ્રૂપ તેમની સાથે ખડું છે. અમારી દ્વિપાંખી રણનીતિના ભાગરૂપે અમે સક્રિયપણે રાહત પૂરી પાડી રહ્યા છીએ તેમજ સ્થાનિક બિઝનેસીસ અને નાણાસંસ્થાઓ સાથે ભાગીદારી થકી લાંબા ગાળાના કાયમી પગલાં પણ લઈ રહ્યા છીએ જેનાથી આ રાષ્ટ્રીય આફતથી અસરગ્રસ્ત લોકોના પુનર્વસનની કામગીરી થઈ શકે.’
પાકિસ્તાનમાં બેસ્ટવે ગ્રૂપની સબસીડિયરીઝ, બેસ્ટવે સિમેન્ટ લિમિટેડ અને યુનાઈટેડ બેન્ક લિમિટેડ દ્વારા સમર્પિત મેડિકલ કેમ્પ્સ સ્થાપિત કરાયા છે તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ બેન્કિંગ સુવિધા પૂરી પાડવાની સાથોસાથ ફૂડ પાર્સલ, રાંધેલા મીલ્સના વિતરણ પણ હાથ ધરાયા છે. લોર્ડ ચૌધરીએ આ મુશ્કેલ સંજોગોમાં આ મહત્ત્વની સેવા પૂરી પાડવામાં ગ્રૂપના કર્મચારીઓના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે,‘આ પડકારરૂપ સંજોગોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા અને સ્થાનિક કોમ્યુનિટીઓને સુવિધા પૂરી પાડવા સતત કાર્યરત રહેલા અમારા કર્મચારીઓ વિના આ કશું શક્ય બન્યું ન હોત. અમારા કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષા માટે આવશ્યક સુવિધાઓ અને સપોર્ટ પૂરો પાડી રહ્યા છીએ. અમને તેમના માટે ગર્વ છે.’
પોતાની પ્રતિબદ્ધતાઓના હિસ્સારૂપે બેસ્ટવે ગ્રૂપે લોર્ડ ચૌધરીના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનના હેલ્થ અને એજ્યુકેશન સેક્ટર્સને અત્યાર સુધી 22 મિલિયન અમેરિકી ડોલર્સનું દાન કર્યું છે. તાજેતરની કોવિડ મહામારીના ગાળામાં પણ ગ્રૂપે રાહતકાર્યો માટે નોંધપાત્ર રકમ દાન કરી હતી. બેસ્ટવે ફાઉન્ડેશને ઓગસ્ટ 2022માં પાકિસ્તાની વિદ્યાર્થીઓને 2028 સુધી માર્ટર્સ સ્કોલરશિપ્સની સહાય તરીકે યુનિવર્સિટી ઓફ બ્રેડફર્ડને આશરે પાંચ લાખ પાઉન્ડની રકમની ભેટ આપી હતી. આ મહિનામાં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજને 1 મિલિયન પાઉન્ડની લોર્ડ ચૌધરી સ્કોલરશિપ્સની શરૂઆત કરાશે. લોર્ડ ચૌધરીએ બ્રેડફર્ડ, ઓક્સફર્ડ, કેન્ટ અને કેમ્બ્રિજની વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે સમર્પિત સ્કોલરશિપ્સની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ પાકિસ્તાનના ચેરમેન તરીકે લોર્ડ ચૌધરીએ જરૂરિયાતના સમયમાં પાકિસ્તાનના લોકોને યુકે સરકારના સપોર્ટને બિરદાવવા સાથે પાકિસ્તાનને બ્રિટિશ સરકારની નાણાકીય પ્રતિબદ્ધતાઓ વધારવાના પ્રયાસોમાં અગ્રેસર રહ્યા છે.