લંડનઃ બ્રિટનના ભવિષ્ય માટે આજે સૌથી મહત્ત્વનો દિવસ છે. બ્રિટને ૨૮ દેશોના સમૂહ યુરોપિયન યુનિયન સાથે જોડાયેલા રહેવું જોઇએ કે નહીં તે મુદ્દે આજે દેશભરમાં જનમત લેવાઇ રહ્યો છે. ઇલેક્ટરોલ કમિશનના આંકડા અનુસાર દેશમાં કુલ ૪,૬૪,૯૯,૫૩૭ મતદાર નોંધાયેલા છે, જેમાંથી ૮૮ ટકા લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. સવારના ૭ વાગ્યાથી શરૂ થયેલું મતદાન રાતના ૧૦ વાગ્યા સુધી ચાલશે. સમગ્ર બ્રિટન ઇયુ સાથે જોડાણના મુદ્દે બે ભાગમાં વહેંચાઇ ગયો છે. જેમાંથી એક જૂથ રિમેઇન (ઇયુમાં રહેવાનું) સમર્થક છે તો બીજું જૂથ લીવ (ઇયુને છોડી દેવાનું) સમર્થક છે. યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડી નાખવાનું સમર્થન કરતા જૂથની દલીલ છે કે બ્રિટનની આગવી ઓળખ, આઝાદી અને સંસ્કૃતિના જતન માટે આમ કરવું આવશ્યક છે. આ વર્ગ બ્રિટનમાં મોટી સંખ્યામાં આવી રહેલા ઇમિગ્રન્ટ્સનો મુદ્દો પણ ઉઠાવી રહ્યું છે. તેમની એક દલીલ એવી પણ છે કે ઇયુ બ્રિટિશ કરદાતાઓના અબજો પાઉન્ડ હજમ કરી જાય છે અને બ્રિટન પર બિનલોકતાંત્રિક કાયદાકાનૂન પણ થોપી રહ્યું છે. જ્યારે રિમેઇન સમર્થકોનું માનવું છે કે બ્રિટનની અર્થવ્યવસ્થા માટે ઇયુ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. દેશના આર્થિક વિકાસની સરખામણીએ ઇમિગ્રન્ટ્સનો મુદ્દો તો બહુ મામૂલી છે. ઇયુ છોડવાથી દેશના વેપાર-ઉદ્યોગથી માંડીને આયાત-નિકાસ, રોજગારી સહિતના અનેક ક્ષેત્ર પર વિપરિત અસર થવાનું જોખમ છે. આ જ કારણસર અર્થશાસ્ત્રીઓનો બહોળો વર્ગ રિમેઇનના સમર્થનમાં છે. વડા પ્રધાન ડેવિડ કેમરનનું પણ માનવું છે કે યુરોપીયન યુનિયનમાં આર્થિક રીતે સુરક્ષિત છીએ, તેમાંથી બહાર કૂદી પડતાં અંધકાર છે.
બોરિસ જ્હોન્સનની માગઃ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને માફી આપો
લીવ કેમ્પેઈનના અગ્રનેતા અને પૂર્વ મેયર બોરિસ જ્હોન્સને Ukipના નેતા નાઈજેલ ફરાજના વિવાદાસ્પદ પોસ્ટરથી સર્જાયેલા ઈમિગ્રન્ટ વિવાદને શાંત પાડવા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને સર્વસાધારણ માફી (એમ્નેસ્ટી) જાહેર કરવાની માગણી કરી છે. આ સાથે તેમણે ઓસ્ટ્રેલિયન સ્ટાઈલમાં પોઈન્ટ આધારિત સિસ્ટમ દાખલ કરવાની પણ તરફેણ કરી હતી. તેમણે રવિવારે લંડનની રેલીમાં ૧૨ વર્ષ કરતા વધુ સમય અગાઉ યુકેમાં આવેલા માઈગ્રન્ટ્સને માફી આપવાની હિમાયત કરી હતી.
રેફરન્ડમ કેમ્પેઈનમાં ભારે ગરમી આવી ત્યારે ઈમિગ્રેશન મુદ્દે ચર્ચા ઝેરીલી બનાવી દેવાના આક્ષેપો બ્રેક્ઝિટની છાવણી સામે કરાયા હતા. આની સામે લીવ છાવણીએ નાઈજેલ ફરાજથી અંતર રાખવા સાથે રીમેઈન છાવણીની વિવાદાસ્પદ ઈમિગ્રેશનવિરોધી ટીપ્પણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બ્રેક્ઝિટ માટે ઈમિગ્રેશન મુદ્દો ઘણો મજબૂત રહ્યો હોવાથી તેને નવી દિશા આપવા બોરિસ જ્હોન્સને પ્રયાસ કર્યો છે.
ઈમિગ્રેશન વિશે જ્હોન્સનના શબ્દો સામે ભીડના લોકોએ વિરોધ અને ‘ના’ના બૂમબરાડા પાડ્યા હતા. જોકે પૂર્વ મેયરે કહ્યું હતું કે જે લોકો ફસાઈ ગયેલા છે અને આપણા અર્થતંત્રમાં ફાળો આપી શકતા નથી, ટેક્સ ચૂકવી શકતા નથી કે સમાજમાં યોગ્ય ભાગ લઈ શકતા નથી તેવાને એમ્નેસ્ટી મદદ કરશે. આવી યોજના વ્યાપક ઈમિગ્રેશન નીતિનો હિસ્સો બની શકે અને આ મુદ્દા આધારિત ઉગ્રવાદને રોકવામાં પણ મદદ કરી શકશે.
તેમણે કહ્યું હતું કે, માનવીય અને આર્થિક દૃષ્ટિએ પણ આ યોગ્ય છે તેમજ અંકુશ બહાર ગયેલી સિસ્ટમ પર તેનાથી નિયંત્રણ આવી શકશે. તેમણે ઓસ્ટ્રેલિયન સ્ટાઈલમાં પોઈન્ટ આધારિત સિસ્ટમ દાખલ કરવાની પણ તરફેણ કરી હતી, જેનાથી વિશ્વના દરેક વિસ્તારો સાથે વાજબી વ્યવહાર ઉભો થશે. આપણા દેશ અને યુરોપમાં ઈમિગ્રેશન મુદ્દે રાજકારણ ખેલતા અને ઈમિગ્રેશનનો વિરોધ કરનારાઓને પણ આપણે પ્રભાવહીન બનાવી શકીશું.
ચેમ્બરલેઈન સાથે સરખાવાતા કેમરન અકળાયા
સ્પેશિયલ બીબીસી ‘ક્વેશ્ચન ટાઈમ’ શોમાં પોતાની સરખામણી નાઝી સમર્થક મનાતા પૂર્વ બ્રિટિશ ટોરી વડા પ્રધાન નેવિલ ચેમ્બરલેઈન સાથે કરાતા ડેવિડ કેમરન અકળાઈ ગયા હતા. કેમરને કહ્યું હતું કે બ્રિટન જૂઠાણાંથી પ્રેરાઈને ઈયુ છોડશે તો તે ટ્રેજેડી હશે. આ કાર્યક્રમમાં તેમની સામે ઈમિગ્રેશન મુદ્દે અનેક સવાલો કરાયા હતા. તેમણે કહ્યું હતું કે આપણે સાર્વભૌમ દેશ છીએ. આપણે નાટો, ઈયુમાં જોડાવાની પસંદગી કરી શકીએ છીએ, આપણે ઈચ્છીએ તો બહાર પણ નીકળી શકીએ છીએ. પરંતુ આપણે મેદાન છોડી જનારી પ્રજા નથી.
ઓડિયન્સના એક સભ્યે ઈયુ રિફોર્મ ડીલ અંગે પ્રહાર કરતા કેમરનને પૂછ્યું હતું કે ‘તમે ખરેખર ૨૧મી સદીના નેવિલ ચેમ્બરલેઈન છો? આ ડીલનું ફરફરિયુ લોકો સામે ફરકાવી કહો છો કે મારી પાસે આ વચનો છે, જ્યારે બ્રસેલ્સની સરમુખત્યારશાહી તેને ફગાવી શકે છે?’ આ સામે વડા પ્રધાને કહ્યું હતું કે યુરોપમાંથી બહાર નીકળવું એ મેદાન છોડવા બરાબર છે બ્રિટને ઈયુમાં રહીને જ યુરોપના ભાવિ માટે લડવું જોઈએ. તેમણે હિટલર સામે યુદ્ધનો નિર્ણય લેનારા ચર્ચિલને યાદ કરી કહ્યું હતું કે તેમણે મેદાન છોડ્યું ન હતું. જો તમે મેદાન પર નહિ રહો તો ફૂટબોલની મેચ જીતી શકો નહિ.
પૂર્વ ટોરી નેતા નેવિલ ચેમ્બરલેઈન મે ૧૯૩૭થી મે ૧૯૪૦ સુધી યુકેના વડા પ્રધાન હતા. તુષ્ટિકરણ વિદેશનીતિ માટે જાણીતા ચેમ્બરલેઈને ૧૯૩૮માં ચેકોસ્લોવેકિયાનો જર્મનભાષી પ્રાંત જર્મનીને સોંપવાની મ્યુનિખ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. કેમરને સ્વીકાર્યું હતું કે ઈયુના મુક્ત હેરફેરના નિયમોમાં ફેરફાર થાય તેમ તેઓ પણ ઈચ્છે છે, પરંતુ આ માટે બ્રિટન ટેબલ પર બેઠેલું હોય તે જરૂરી છે.
નાઈજેલ ફરાજ વિવાદાસ્પદ પોસ્ટરના મુદ્દે ફસાયા
Ukipના નેતા નાઈજેલ ફરાજ લીવ કેમ્પેઈનના વિવાદાસ્પદ પોસ્ટરના મુદ્દે બરાબર ફસાયા હતા. ટુડે પ્રોગ્રામમાં તેમણે કહ્યું હતું કે આ સમય ખોટો હતો અને પોસ્ટર પાછું ખેંચી લેવાયું છે. રેફરન્ડમમાં લીવ અને રીમેઈન છાવણીઓ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી હોવાનું પોલ્સમાં બહાર આવ્યા પછી ફરાજને પોસ્ટર પાછું ખેંચવાની ફરજ પડી હતી. બ્રેક્ઝિટના અગ્રણી અને જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે પણ આ પોસ્ટરની ભારે ટીકા કરી છે. જોકે, ફરાજે બચાવમાં કહ્યું હતું કે તેઓ ખુદ તિરસ્કારનો શિકાર બનેલા છે. લેબર સાંસદ જો કોક્સનું મૃત્યુ થયું ન હોત તો આ બાબતે આટલો વિવાદ થયો ન હોત.
બોરિસે વડા પ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષા નકારી
ઐતિહાસિક ઈયુ રેફરેન્ડમ અગાઉ એક પોલમાં બ્રેક્ઝિટને છ પોઈન્ટની સરસાઈ દર્શાવાઈ ત્યારે લંડનના પૂર્વ મેયર લીવ કેમ્પેઈનના અગ્રનેતા બોરિસ જ્હોન્સને તેઓ વડા પ્રધાન બનવા મરણિયા બન્યા હોવાનો ઈનકાર કર્યો હતો. મોટા ભાગના પોલ્સમાં લીવ કેમ્પેઈન સરસાઈ ધરાવતું હોવાનું જણાવાયું હતું. રીમેઈન છાવણી તેના ટેકામાં પડતીને અટકાવવા તમામ પ્રયાસો કરી રહેલ છે. પરંતુ ઈપ્સોસ-મોરીના અભિપ્રાય મતદાનમાં બ્રેક્ઝિટની તરફેણમાં સમર્થન ગતિ પકડી રહ્યું હોવાનું જણાવાયું હતું.
સઈદા વારસીએ લીવ કેમ્પેઈનનો સાથ છોડ્યો
કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ચેરમેન સઈદા વારસીએ ‘તિરસ્કારપૂર્ણ, અજ્ઞાતના ભય’ તેમજ વિભાજનની નીતિના કારણે રેફરન્ડ્મના થોડા દિલસ અગાઉ જ લીવ કેમ્પેઈનનો સાથ છોડવાની જાહેરાત કરી હતી. વારસીના નિર્ણયમાં નાઈજેલ ફરાજના વિવાદાસ્પદ પોસ્ટરે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. વારસીએ જણાવ્યું હતું કે ઈયુ છોડવાના વિધેયાત્મક કેસને સત્તાવાર કેમ્પેઈનમાં નજરઅંદાજ કરવામાં આવ્યો છે. જોકે બ્રેક્ઝિટના અગ્રણીઓએ કહ્યું હતું કે વારસી કદી કેમ્પેઈનમાં સક્રિય ભાગીદાર રહ્યાં ન હતા.
વારસીએ ઈયુ સાથે તુર્કીના જોડાણ અંગે માઈકલ ગોવની વારંવારની ટીપ્પણીઓ તેમજ સ્લોવેનિયાની સરહદે માઈગ્રન્ટ્સ અને નિર્વાસિતોએ લગાવેલી કતાર સાથે ‘બ્રેકિંગ પોઈન્ટ’ લખેલા પોસ્ટરને લીવ કેમ્પેઈન સાથે છેડો ફાડવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. આ લોકો યુકે આવી રહ્યાં હોવાનું જૂઠાણું ચલાવાયું છે. આપણને રોજ સાંભળવા મળે છે કે રેફ્યુજીઓ આવી રહ્યા છે, બળાત્કારીઓ આવી રહ્યા છે, તુર્કો આવી રહ્યા છે. ટુંકા ગાળામાં આવી ઉશ્કેરાટભરી પ્રયુક્તિઓ લાભ આપે પરંતુ લાંબા ગાળે તે કોમ્યુનિટીઝને નુકસાન કરે છે.