લંડનઃ યુકેના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ‘ડુ ઓર ડાઈ’ બ્રેક્ઝિટનું વચન પૂર્ણ કરવાના શપથ સાથે તેમની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે. તેમણે ૨૦૧૬ના રેફરન્ડમને માથે ચડાવવા તેમજ નિરાશાવાદીઓને ખોટા પાડવાનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એક તરફ, વડા પ્રધાન જ્હોન્સને ૧૮ મિનિસ્ટરની હકાલપટ્ટી કરીને વિક્રમ સર્જ્યો છે તો બીજી તરફ, અત્યાર સુધીના સૌથી વૈવિધ્યપૂર્ણ, બહુવંશીય પ્રધાનમંડળની રચના સાથે ઇતિહાસ પણ રચ્યો છે. આમાં પણ ભારતીય સમુદાયનો દબદબો જોવા મળે છે.
બોરિસને આશા છે કે નવી કેબિનેટ બ્રેક્ઝિટની જટિલતાને ઓળંગીને દેશ અને પક્ષને એકજૂથ બનાવી શકશે. કેબિનેટમાં સ્વાભાવિકપણે જ બ્રેક્ઝિટતરફીઓનો સમાવેશ કરાયો છે. ભારતીય મૂળના ત્રણ મહત્ત્વના નેતાઓને પ્રધાનમંડળમાં સ્થાન આપીને બોરિસ જ્હોન્સને બધાને ચોંકાવી દીધા છે. પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી, આલોક શર્માને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તેમજ ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ રિશિ સુનાકને ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરીના હોદ્દા સુપરત કરાયા છે. જ્યારે પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદને ચાન્સેલર તરીકે સ્થાન અપાયું છે.
બ્રિટનના ભારતીય અને એશિયનોએ મહત્ત્વના કેબિનેટપદ પર ડાયસ્પોરાને અપાયેલા સ્થાનથી આનંદ વ્યક્ત કર્યો છે.
બોરિસ કેબિનેટમાં ડોમિનિક રાબને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની સાથોસાથ ફોરેન સેક્રેટરીનું સ્થાન અપાયું છે જ્યારે, માઈકલ ગોવને કેબિનેટ ઓફિસ મિનિસ્ટર, બેન વોલેસને ડિફેન્સ સેક્રેટરી, લિઝ ટ્રસને ટ્રેડ સેક્રેટરી, આન્દ્રેઆ લીડસોમને બિઝનેસ સેક્રેટરી, થેરેસા વિલિયર્સને એન્વિરોન્મેન્ટ સેક્રેટરી, ગેવિન વિલિયમસનને એજ્યુકેશન સેક્રેટરી, મેટ હેનકોકને હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી બનાવાયા છે. આ ઉપરાંત, બોરિસના ભાઈ જો જ્હોન્સનને યુનિવર્સિટી મિનિસ્ટર તેમજ મુખ્ય યુરોસ્કેપ્ટિક સમર્થક જેકોબ રીસ-મોગને હાઉસ ઓફ કોમન્સના નવા નેતા તરીકેનું સ્થાન અપાયું છે. જ્હોન્સને બ્રેક્ઝિટના આર્કિટેક્ટ ડોમિનિક કમિન્સને પોતાના ખાસ સલાહકાર બનાવ્યા હતા. વડા પ્રધાને રીમેઈન છાવણીને પણ મહત્ત્વ આપતા નિકી મોર્ગનને કલ્ચરલ સેક્રેટરી તરીકે અને પૂર્વ ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે સ્થાન આપ્યું હતું. ઓલિવર ડાઉડેનનો પેમાસ્ટર જનરલ તેમજ રોબર્ટ જેનરિકનો હાઉસિંગ સેક્રેટરી તરીકે સમાવેશ થયો છે. પખવાડિયા અગાઉ જ સેકન્ડ રેફરન્ડમની હિમાયત પાછી ખેંચી નો ડીલને સમર્થન જાહેર કરનારા એમ્બર રડને વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી તેમજ યુરોપિયન ચૂંટણીઓ અગાઉ મે મહિનામાં કોમન્સ હાઉસના નેતાપદેથી રાજીનામું આપનારા આન્દ્રેઆ લીડસોમને નવા બિઝનેસ સેક્રેટરી તરીકે રખાયાં છે. નવા રીજિયોનલ મિનિસ્ટર્સમાં નોર્ધર્ન આયર્લેન્ડ માટે જુલિયન સ્મિથ, સ્કોટલેન્ડ માટે એલિસ્ટર જેક અને વેલ્શ સેક્રેટરી તરીકે એલુન કેઈર્ન્સનો સમાવેશ થયો છે.
‘ડુ ઓર ડાઈ’ બ્રેક્ઝિટનું વચન પૂર્ણ કરવાના શપથ
વડા પ્રધાન તરીકે વરણી નિશ્ચિત થયા પછી બોર્સ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી ‘ડુ ઓર ડાઈ’ બ્રેક્ઝિટનું વચન પૂર્ણ કરવાના શપથ લીધા હતા. નવા વડા પ્રધાને કહ્યું હતું કે થેરેસા મે પાસેથી સત્તાના સૂત્રો ગ્રહણ કરવા તેમની પસંદગી કરાઈ તે બદલ તેઓ આનંદ અનુભવે છે. જહોન્સને કહ્યું હતું કે તેઓ ૨૦૧૬ના રેફરન્ડમના આદેશને માથે ચડાવશે અને નિરાશાવાદીઓને ખોટા સાબિત કરશે. તેમણે કહ્યું હતું કે,‘બ્રિટિશ પ્રજાએ ઘણી રાહ જોઈ છે. હવે કામ કરવાનો સમય આવ્યો છે. બેકસ્ટોપની ચિંતા કરશો નહિ, બધુ હવે અહીં જ અટકશે.’ તેમણે કહ્યું હતું કે તેઓ ઈયુ સાથે શક્ય એટલા ઉષ્માપૂર્ણ સંબંધો રાખવા ઈચ્છે છે પરંતુ, જો સંગઠન સ્વીકાર્ય સમજૂતીનો પ્રસ્તાવ મૂકવાનું નકારશે તો કોઈ પણ શક્યતા માટે તૈયારી પણ કરશે. વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે તેમની યોજનાઓ બ્રેક્ઝિટથી પણ આગળ વધવાની છે. તેઓ પોલીસની સંખ્યામાં ૨૦,૦૦૦નો વધારો કરશે અને નવી સામાજિક સંભાળ સિસ્ટમને લાવવા સાથે શિક્ષણને પણ ઉત્તેજન આપશે.
તેમણે અગાઉ, ટોરી સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે ૨૦૧૬ના રેફરન્ડમ પછી સંઘર્ષમાં જડકડાયેલા પક્ષને એકજૂટ કરવાના પ્રયાસરુપે તેઓ પોતાના ટીકાકારોને ‘લવ બોમ્બ’થી પહોંચી વળશે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે ફરીથી પોતાની જાતમાં વિશ્વાસ કરતા અને આપણે શું હાંસલ કરી શકીએ તેમાં માનવા લાગીશું. નિદ્રામાં પડેલા એક મહાકાયની માફક જ આપણે ફરીથી જાગીશું અને નકારાત્મકતા અને ખુદમાં શંકાના દોરડાંને ફગાવી દઈશું. આપણે ફરીથી આ મહાન દેશને એકસંપ કરીશું અને પ્રગતિના માર્ગે આગળ લઈ જઈશું.’
બોરિસે કત્લેઆમ ચલાવી
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નવી કેબિનેટની રચનામાં કત્લેઆમ જ ચલાવી છે. તેમણે ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ, ડિફેન્સ સેક્રેટરી પેની મોરડાઉન્ટ, લિયામ ફોક્સ, ગ્રેગ ક્લાર્ક, ડેમિયન હિન્ડ્સ, જેમ્સ બ્રોકેનશાયર, જેરેમી રાઈટ, ડેવિડ મુન્ડેલ અને કારેન બ્રેડલી, મેલ સ્ટ્રાઈડ અને કેરોલિન નોક્સની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરી હતી.
નેતાગીરીની સ્પર્ધામાં પરાજિત પૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટે જણાવ્યું હતું કે ‘મને મારું કાર્ય ચાલુ રાખવું ગમ્યું હોત પરંતુ, વિજેતાને પોતાની ટીમ બનાવવાની હોય તે સમજાય છે.’ તેમણે કહ્યું હતું કે જ્હોન્સન દ્વારા તેમને કેબિનેટમાં ભૂમિકા ઓફર કરાઈ હતી પરંતુ, તેમણે ડિમોશન નકારી કાઢ્યું હતું. કહેવાય છે કે પાર્ટી નેતાગીરીના મુખ્ય સ્પર્ધક જેરેમી હન્ટે ડેપ્યુટી વડા પ્રધાનનો હોદ્દો માગ્યો હતો, જે માગણી સ્વીકારાઈ ન હતી. પેની મોરડાઉન્ટે ડિફેન્સ સેક્રેટરી તરીકે માત્ર ૮૫ દિવસ કામ કર્યું હતું. જ્હોન્સનની નો ડીલ બ્રેક્ઝિટ નીતિ સાથે અસંમત ચાન્સેલર ફિલિપ હેમન્ડ, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે, લિયામ ફોક્સ, ક્લેર પેરી અને રોરી સ્ટુઅર્ટે હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. બીજી તરફ, ક્રિસ ગ્રેલિંગ અને ડેવિડ લિડિંગ્ટને નિવૃત્તિ જાહેર કરી હતી.
બોરિસ જ્હોન્સનની નવી કેબિનેટ
સાજિદ જાવિદ ઃ ચાન્સેલર ઓફ એક્સચેકર
પ્રીતિ પટેલ : હોમ સેક્રેટરી
ડોમિનિક રાબ : ફોરેન સેક્રેટરી/ફર્સ્ટ સેક્રેટરી
સ્ટીફન બાર્કલે : બ્રેક્ઝિટ સેક્રેટરી
માઈકલ ગોવ : કેબિનેટ ઓફિસ મિનિસ્ટર
બેન વોલેસ : ડિફેન્સ સેક્રેટરી
રોબર્ટ બકલેન્ડ : જસ્ટિસ સેક્રેટરી
લિઝ ટ્રસ : ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી
મેટ હેનકોક : હેલ્થ સેક્રેટરી
થેરેસા વિલિયર્સ : એન્વિરોન્મેન્ટ સેક્રેટરી
ગેવિન વિલિયમસ : એજ્યુકેશન સેક્રેટરી
આન્દ્રેઆ લીડસોમ : બિઝનેસ સેક્રેટરી
નિકી મોર્ગન : કલ્ચરલ સેક્રેટરી
રોબર્ટ જેનરિક : હાઉસિંગ સેક્રેટરી
એમ્બર રડ : વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી
આલોક શર્મા : ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી
ગ્રાન્સ શાપ્સ : ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
જુલિયન સ્મિથ : નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી
એલિસ્ટર જેક : સ્કોટિશ સેક્રેટરી
એલુન કેઈર્ન્સ : વેલ્શ સેક્રેટરી
જેમ્સ ક્લેવર્લી : ચેરમેન ઓફ કન્ઝર્વેટિવ પાર્ટી
જેકોબ રીસ-મોગ : લીડર ઓફ ધ હાઉસ ઓફ કોમન્સ
બેરોનેસ ઈવાન્સ : લીડર ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ્સ
રિશિ સુનાક : ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી