લંડનઃ યુરોપિયન યુનિયન (ઈયુ)થી અલગ થવાના ૨૦૧૬ના રેફરન્ડમ પછી ડીલ અને નો-ડીલની ચાર વર્ષ લાંબી મથામણના અંતે યુકે અને ઈયુ વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને આખરી સ્વરુપ આપી દેવાયું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૨૪ ડિસેમ્બર, ગુરુવાર અને ક્રિસમસની પૂર્વસંધ્યાએ દેશને બ્રેક્ઝિટ ડીલની ભેટ આપી છે. પહેલી જાન્યુઆરીએ ટ્રાન્ઝિશન પિરિયડ પૂરો થઈ રહ્યો છે ત્યારે જ્હોન્સને બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આપણે આપણા કાયદાનો અને નિયતિ - ભવિષ્યનો કબજો પાછો મેળવી લીધો છે. તેમણે આગામી અરાજકતાપૂર્ણ વિભાજનને ટાળતા ‘જમ્બો કેનેડા સ્ટાઈલ’ના મુક્ત વ્યાપારના કરારની પ્રશંસા કરી હતી. બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લીયેને જણાવ્યું હતું કે કરારની શરતો સંતુલિત છે, વાજબી છે અને યોગ્ય છે. લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે પણ બ્રેક્ઝિટ ડીલને આવકાર્યું છે. આ ડીલમાં ઈયુ અને યુકે, બંનેએ પોતાના વિજયનો દાવો કર્યો છે. જોકે, ફિશિંગ રાઇટ પર છેલ્લી ઘડી સુધી ચાલેલી ખેંચતાણ પછી યુકે દ્વારા બાંધછોડ કરવામાં આવી છે. નવા વર્ષ ૨૦૨૧થી બ્રિટનમાં ઇયુના કોઈ કાયદા લાગુ થશે નહિ અને યુરોપનું બીજા ક્રમનું મોટું અર્થતંત્ર ઇયુના સિંગલ માર્કેટમાંથી નીકળી જશે.
આનંદની મહાભરતીઃ જ્હોન્સન
વડા પ્રધાન જ્હોન્સને દેશની જનતાને ક્રિસમસ વીડિયો મેસેજમાં બ્રિટનને ક્રિસમસ ગિફ્ટ સ્વરુપે ઈયુ અને યુકે વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે,‘આનંદની મહાભરતી છે કારણકે આ ડીલ છે. આ ડીલ પહેલી જાન્યુઆરીથી આપણા દેશના બિઝનેસીસ, પ્રવાસીઓ અને તમામ રોકાણકારોને નિશ્ચિંતતા આપશે. ઈયુમાં આપણા મિત્રો અને પાર્ટનર્સ સાથે આ ડીલ છે. તેમણે આ વેપાર સમજૂતી દ્વારા કોરોના વાઈરસ મહામારીની કટોકટીના કારણોસર ટ્રાન્ઝિશન પીરિયડ લંબાવવાની માગણી કરનારા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જન તેમજ અન્ય વિરોધીઓને જોરદાર ઉત્તર વાળ્યો છે.અગાઉ, છેલ્લી ઘડીની મંત્રણાઓ અગાઉ જ્હોન્સને દેશને નો-ડીલ માટે તૈયાર રહેવાની હાકલ કરવા સાથે છેલ્લી ઘડી સુધી વધુ મંત્રણાઓ ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું.
૨,૦૦૦ પાનાના કરારમાં વેપાર, સિક્યુરિટી
અને ફીશિંગની ભાવિ વ્યવસ્થાઓ
આ વેપાર સમજૂતી ૩૧ જાન્યુઆરીનો ટ્રાન્ઝીશન પીરિયડ સમાપ્ત થાય તેના માત્ર ૭ દિવસ પહેલા અને યુરોપિયન રેફરન્ડમના ૨૪ જૂન, ૨૦૧૬ના પરિણામના સાડા ચાર વર્ષ પછી આવી છે. આ કરાર લગભગ ૨,૦૦૦ પાનાનો છે જેમાં, વેપાર, સિક્યુરિટી અને ફીશિંગની ભાવિ વ્યવસ્થાઓને આવતી લેતા સેંકડો એનેક્સ્ચર્સ (પરિશિષ્ટો) તેમજ ભાવિ વૈજ્ઞાનિક સહકાર અને રેગ્યુલેટરીનો સમાવેશ થાય છે. બ્રિટિશ ફર્મ્સને હવે વર્ષના અંત પછી પણ યુરોપિયન માર્કેટ્સમાં ટેરિફ અને ક્વોટામુક્ત પહોંચ-સુવિધા મળવાનું ચાલુ રહેશે. જોકે, કોવિડ-૧૯ મહામારી અને નવી કસ્ટમ વ્યવસ્થાના કારણે ક્રોસ-ચેનલ પોર્ટ્સ પર વધારાના વિલંબની ચેતવણીઓ અપાઈ જ છે. ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું હતું કે આ સમજૂતી સાથે યુકેને આપણા નાણા, સરહદો, કાયદા, વેપાર અને ફિશિંગ વોટર્સ પરનો અંકુશ પાછો મળશે.
ફિશિંગ ઈન્ડસ્ટ્રીએ નારાજગી દર્શાવી
મોટા ભાગના બિઝનેસ જૂથોએ ટ્રેડ ડીલને આવકાર આપ્યો છે પરંતુ, ફિશિંગ ઈન્ડસ્ટ્રીએ ઈયુની માગણીઓ સામે તેમનું બલિદાન આપી દેવાયાનો જ્હોન્સન પર આક્ષેપ લગાવ્યો છે. એવી ચિંતા થઈ રહી છે કે ઈયુ પોતાને વધુ તરફેણદાયક શરતો મેળવવા ચાર વર્ષના ‘બ્રેક ક્લોઝ’નો ઉપયોગ કરશે. ફિશિંગ રાઈટ્સ પરની છૂટછાટોનો બચાવ કરતા જ્હોન્સને જણાવ્યું હતું કે દેશને હવે વિપૂલ પ્રમાણમાં વધારાની માછલીઓ મળશે. તેમણે માછીમારી વધારવા ઈન્ડસ્ટ્રી માટે સબસિડીના સંકેત પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે હવે તેમની સરકાર કોવિડના સામનાની પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
ઈયુથી અલગ છતાં, જોડાયેલાઃ બોરિસ
વડા પ્રધાન જ્હોન્સને પ્રેસ કોન્ફરન્સમાં ઈયુ દેશોને સીધું સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું હતું કે યુકે ‘તમારું મિત્ર. તમારું સાથી, તમારું સમર્થક અને તમારું એક નંબરનું માર્કેટ’ બની રહેશે. આ ડીલનો અર્થ કેટલાક સમયના ઘર્ષણયુક્ત અને મુશ્કેલ સંબંધોમાં નવી સ્થિરતા અને નવી નિશ્ચિંતતાનો છે. અમે ઈયુથી અલગ થયા હોવાં છતાં, આ દેશ સાંસ્કૃતિક, ભાવનાત્મક, ઐતિહાસિક, વ્યૂહાત્મક, ભૌગોલિક રીતે પણ યુરોપ સાથે જોડાયેલો રહેશે. ગત ચાર વર્ષ દરમિયાન ચાર મિલિયન ઈયુ નાગરિકોએ યુકેમાં વસવાટની વિનંતી કરેલી છે જેઓ અમારા દેશ અને અમારા જીવનમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે.’ ઈયુ સાથે સલામતી વ્યવસ્થાઓ અને સહકારને આગળ વધારવાના મુદ્દે જ્હોન્સને જણાવ્યું હતું કે મને ખાતરી છે કે આ સમજૂતી આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ તેમ આપણા પોલીસ સહકારની રક્ષા કરશે, અપરાધીઓને પકડવાની ક્ષમતાનું રક્ષણ કરશે અને સમગ્ર યુરોપ ખંડમાં ઈન્ટેલિજન્સની ભાગીદારી કરશે.’