બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 08th October 2024 11:15 EDT
 
 

ટ્રેઇની પોલીસ ઓફિસરની આત્મહત્યા માટે વિભાગની હેરાનગતિ અને રેસિઝમ જવાબદાર

લંડનઃ ટ્રેઇની પોલીસ ઓફિસર અનુગ્રહ અબ્રાહમના અપમૃત્યુ માટે તેમના પિતા અમર અબ્રાહમે પોલીસ વિભાગ દ્વારા થયેલી હેરાનગતિ અને રેસિઝમને જવબાદાર ઠેરવ્યાં છે. રોશડેલ કોરોનર કોર્ટમાં સુનાવણી દરમિયાન અમર અબ્રાહમે આરોપ મૂક્યો હતો કે મારો દીકરો નોકરી ગુમાવી દેવાનો ભય અને તેનો સ્ટેશન સાર્જન દ્વારા કરાતી હેરાનગતિથી પીડિત હતો. જોકે વેસ્ટયોર્કશાયર પોલીસે અમર અબ્રાહમના આરોપો નકારી કાઢ્યાં હતાં.

અમરે જણાવ્યું હતું કે, મારો દીકરો ટ્રેઇની પીસી તરીકેની નોકરીની સાથે અભ્યાસ કરી રહ્યો હતો. નોકરીમાં દબાણના કારણે તે સંઘર્ષ કરી રહ્યો હતો. પોલીસ વિભાગમાં તેની હેરાનગતિ કરાતી હતી અને તેની સાથે વંશીય ભેદભાવ રખાતો હતો. મારા દીકરાએ હેલિફેક્સ પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ થયા પછી ત્યાં હેરાનગતિ અને વંશીય ભેદભાવની ફરિયાદ મને કરી હતી. તે કહેતો કે હું સાચો હોય તો પણ સાર્જન્ટ દ્વારા મને પરેશાન કરાતો હતો. આત્મહત્યા પહેલાં પણ તેણે જણાવ્યું હતું કે, મારા પર પ્રચંડ દબાણ છે અને તે હું સહન કરી શક્તો નથી. મને કોઇ સહાય પણ કરી રહ્યું નથી.

પોતાને પાબ્લો એસ્કોબાર ગણાવતા ડ્રગ ડીલરને સાડા 9 વર્ષની કેદ

લંડનઃ પોતાની સરખામણી કોલમ્બિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર સાથે કરતા ડ્રગ ડીલરને સાડા 9 વર્ષ કેદ ફટકારવામાં આવી છે. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા 34 વર્ષીય શાહેન એહમદને ક્લાસ વન ડ્રગના કારોબાર માટે આ સજા અપાઇ હતી. જૂન 2022માં એહમદના ઠેકાણા પર પાડેલા દરોડામાં પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો અને 60,000 પાઉન્ડ રોકડા મળી આવ્યાં હતાં. કોલમ્બિયાનો ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર કોકેન કિંગ તરીકે કુખ્યાત હતો. 1993માં પોલીસ દ્વારા એસ્કોબારને ઠાર મરાયો ત્યારે તેની પાસે 30 બિલિયન ડોલરની સંપત્તિ હતી.

15 વર્ષની દીકરીને વેચી દેનાર માતા અને ખરીદનાર દોષી ઠર્યાં

લંડનઃ 15 વર્ષની દીકરીને શારીરિક શોષણનો ભોગ બનવા એક નરાધમને વેચી દેનારી માતા અને ખરીદનાર વ્યક્તિને દોષી ઠેરવવામાં આવ્યાં છે. સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં બે સપ્તાહની સુનાવણી દરમિયાન સગીરાને ખરીદનાર ફિરદૌસ એહમદ અને સગીરાની માતાને 16મી ડિસેમ્બરના રોજ અદાલત દ્વારા સજાની સુનાવણી કરાશે. ફિરદૌસ એહમદ સગીરા સાથે અશ્લીલ ભાષામાં વાત કરતો હોવાની માહિતી મળતાં પોલીસે તપાસમાં સગીરાનું શારીરિક શોષણ થઇ રહ્યું હોવાનું શોધી કાઢ્યું હતું. પોલીસે સગીરાની માતાને પણ શોધી કાઢી હતી.

ઇમિગ્રેશન કંપનીનો વકીલ પર ક્લાયન્ટ છિનવી લેવાનો આરોપ

લંડનઃ ક્લાયન્ટ છીનવી લેવાના આરોપસર ગ્લાસગો સ્થિત ઇમિગ્રિશેન નિષ્ણાતોની કંપની ફાઇવસ્ટાર ઇન્ટરનેશનલે શિરીન સફાતુલ્લા સામે દાવો માંડ્યો છે. કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા કમિશ્નરે શિરીન પાસેથી કંપનીના દસ્તાવેજ, ફોન અને કોમ્પ્યુટર જપ્ત કરી લીધાં છે. કંપની તેના અસીલો પાસેથી શિરીને વસૂલેલા હજારો પાઉન્ડ પરત મેળવવાનો પણ પ્રયાસ કરી રહી છે. 42 વર્ષીય શિરીન છેલ્લા 18 વર્ષથી વકીલાત કરે છે. તેમના પર પુરાવા સાથે ચેડાંનો પણ આરોપ મૂકાયો છે.

16 મહિનાથી ફ્લેટનું ભાડુ ન ચૂકવનાર બની બેઠેલા બિઝનેસમેનને 9 વર્ષની કેદ

લંડનઃ અમીર બિઝનેસમેન હોવાનો ડોળ કરીને એસ્કોટમાં 16 મહિના સુધી ભાડુ ચૂકવ્યા વિના આલિશાન ફ્લેટમાં રહેનાર 58 વર્ષીય પરમજિત સાગુને 9 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જ્યારે ફ્લેટની માલિકણે તેને ફ્લેટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે તેના પર હેરાનગતિ માટે 50,000 પાઉન્ડનો દાવો ઠોકી દીધો હતો. ભાડું ન મળવાના કારણે ફ્લેટની માલિકણ ભારે દેવામાં સપડાઇ હતી અને તેની જિંદગી નર્ક બની ગઇ હતી. સાગુ એવો દાવો કરતો હતો કે તે વર્ષે 1,70,000 પાઉન્ડ કરતાં વધુની આવક ધરાવે છે પરંતુ કોર્ટમાં પૂરવાર કરી શક્યો નહોતો.

ખોટી ઇમિગ્રેશન સલાહ અને ફ્રોડ માટે 16 મહિનાની કેદ

લંડનઃ સરેના કેમ્બરલીના રહેવાસી 33 વર્ષીય સુખવિન્દરસિંહ કાંગને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા ફ્રોડ અને અનિયંત્રિત ઇમિગ્રેશન સલાહ અને સેવાઓ આપવા માટે 16 મહિનાની કેદની સસ્પેન્ડેડ સજા આપવામાં આવી છે. તેણે 150 કલાક વિના વેતને કોમ્યુનિટી સેવા અને 20 દિવસ રિહેબિલિટેશન પ્રવૃત્તિ પણ કરવી પડશે. તેના પર 8832 પાઉન્ડની પેનલ્ટી પણ લાદવામાં આવી છે.

ગેરકાયદેસર વેપ્સના વેચાણ માટે બ્રિસ્ટોલના વેપારીને 16000 પાઉન્ડનો દંડ

લંડનઃ ગેરકાયદેસર અને ઓવરસાઇઝ વેપ્સના વેચાણ માટે બ્રિસ્ટોલના બિશપવર્થના વેપારી અનવર સાદિકને 16000 પાઉન્ડનો દંડ ફટકારાયો છે. તેણે બ્રિસ્ટોલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. સાદિક દ્વારા તેના સેટ શોપિંગ સેન્ટર ખાતેના સ્ટોરમાં ડિસ્પોઝેબલ ઇ-સિગારેટનું વેચાણ કરાતું હતું જેમાં કાયદાની મર્યાદા કરતાં વધુ નિકોટીન સામેલ હતું. સાદિક વર્ધી માર્કેટ બ્રિસ્ટોલ લિમિટેડનો એકમાત્ર ડિરેક્ટર છે. સાઉથ ગ્લુસેસ્ટરશાયર કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ સર્વિસ દ્વારા ફરિયાદ કરાયા બાદ સાદિક વિરુદ્ધ આરોપ ઘડાયાં હતાં.

પોલીસે 35 વર્ષ પહેલાં સોનાના વેપારીની હત્યાનો કેસ ફરી ખોલ્યો

લંડનઃ સોનાના વેપારીની 35 વર્ષ પહેલા થયેલી હત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસે ફરી એકવાર તપાસ શરૂ કરી છે. ડિટેક્ટિવોએ જાહેરાત કરી હતી કે અમે 1989માં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરાયેલા રિચાર્ડ રિકી હેવૂડના કેસને ફરી શરૂ કરી રહ્યાં છીએ. 36 વર્ષના રિચાર્ડની હત્યાના કેસમાં કોઇની સામે ખટલો ચલાવાયો નથી. તે સમયે પોલીસે 11,000 લોકોની તપાસ કરી હતી. હેવૂડ ક્રિમિનલ અંડરવર્લ્ડ સાથે સંપર્કો ધરાવતો હતો અને પ્રોફેશનલ હત્યારા દ્વારા તેની હત્યા કરાઇ હોવાનું માનવામાં આવે છે. રિચાર્ડે તેની હત્યાના થોડા સપ્તાહ પહેલાં જ 1 મિલિયન પાઉન્ડની જીવન વીમા પોલિસી લીધી હતી. તેની પ્રાઇવેટ સિક્યુરિટી પણ ઘણી મજબૂત હતી પરંતુ તેની હત્યાની રાત્રે સિક્યુરિટી કેમેરા બંધ હાલતમાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter