બ્રિટન ક્રાઇમ ડાયરી

Tuesday 15th October 2024 10:42 EDT
 
 

સારા શરિફના પિતાએ પાકિસ્તાનથી કોલ કરી હત્યાની કબૂલાત કરી

લંડનઃ સરે ખાતે હત્યા કરાયેલી સારા શરિફના પિતા ઉરફાન શરિફે પાકિસ્તાનથી કોલ કરીને અદાલત સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે તેની દીકરી સારાની હત્યા કરી હતી. ઉરફાન, સારાની સાવકી માતા બૈનાશ બતૂલ અને કાકા ફૈસલ મલિક સારાની હત્યા બાદ પાકિસ્તાન નાસી ગયાં હતાં. ઓલ્ડ બેઇલી ખાતે પ્રોસિક્યુટરે કોર્ટને જણાવ્યું હતું કે, સારા પર સપ્તાહોથી શારીરિક અત્યાચાર ગુજારાતો હતો. 8 મિનિટ અને 34 સેકન્ડના કોલમાં ઉરફાને જણાવ્યું હતું કે, સારા ખૂબ તોફાની હતી કેથી મેં તેને માર માર્યો હતો. હું તેની હત્યા કરવા માગતો નહોતો પરંતુ મેં તેને ઢોર માર માર્યો હતો.

સગીર પર ચાકૂ વડે હુમલો કરનારા બેને 30 કરતાં વધુ વર્ષની સજા

લંડનઃ ફોલેસહિલમાં 15 વર્ષીય કિશોર પર ચાકૂ વડે હુમલો કરનારા ઇસ્માઇલ હુસેન અ આદમ મેહમૂદને 30 કરતાં વધુ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ઇસ્માઇલ હુસેન, આદમ મેહમૂદ અને એક સગીરે પીડિતને 3 ફેબ્રુઆરી 2024ના રોજ પાર્કમાં મળવા બોલાવ્યો હતો અને તેના પર તૂટી પડ્યાં હતાં. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કિશોરનો સારવાર બાદ બાદ બચાવ થયો હતો. વોરવિક ક્રાઉન કોર્ટ દ્વારા ઇસ્માઇલ હુસેનને 19 વર્ષ, આદમ મેહમૂદને 15 વર્ષ અને સગીરને બે વર્ષની કસ્ટડી ટ્રેનિંગની સજા આપવામાં આવી છે.

16 વર્ષીય રહાન એહમદ અમીનના સગીર હત્યારાને આજીવન કેદ

લંડનઃ 9 જુલાઇ 2023ના રોજ વેસ્ટ હેમ પાર્કમાં 16 વર્ષીય રહાન એહમદ અમીનની હત્યા કરનાર 17 વર્ષીય સગીરને આજીવન કેદ ફટકારવામાં આવી છે. સગીરે રહાનની છાતીમાં ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કાયદાકીય પ્રતિબંધના કારણે સગીરની ઓળખ જાહેર કરાઇ નથી. સગીરના હુમલાના કારણે ઘાયલ થયેલા રહાનનું બીજા દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સગીરને ઓછામાં ઓછા 15 વર્ષની કેદ ભોગવવી પડશે. 

બર્કશાયરના વેપારીને બનાવટી બ્રાન્ડેડ કપડાં વેચવા માટે 14 મહિનાની કેદ અને 2,60,000 પાઉન્ડનો દંડ

લંડનઃ બર્કશાયરના જથ્થાબંધ વેપારીને બનાવટી ડિઝાઇનર કપડાં વેચવા માટે 2,60,000 પાઉન્ડનો દંડ કરાયો છે. પબ્લિક પ્રોટેક્શન પાર્ટનરશિપ દ્વારા કરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, આરએલિટ રેઇનમેન્ટ્સ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર રાજકુમાર કરુપ્પિયાહ રાજન ટોમી હિલફિગર, રાલ્ફ લૌરેન અને લેવી જેવી ટ્રેડમાર્ક બ્રાન્ડના બનાવટી કપડાંનો વેપાર કરતાં હતાં. આરએલિટ કંપનીને અલગથી 28,000 પાઉન્ડનો દંડ કરાયો છે અને કંપની અને ડિરેક્ટરને પ્રોસિક્યુશન પેટે 28,000 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ અપાયો છે. રાજનને 14 મહિનાની 18 મહિના માટેની સસ્પેન્ડેડ કેદની સજા પણ કરાઇ છે. તેણે 150 કલાક વેતન વિનાનું કામ અને 40 દિવસ રિહેબિલિટેશન એક્ટિવિટી પણ કરવાની રહેશે.

બ્રિટનમાં ગેરકાયદેસર કામ કરતા 17 ડ્રાઇવરની ધરપકડ

લંડનઃ કેરાવાન પાર્કમાં પડાયેલા એક દરોડા દરમિયાન બ્રિટનમાં ગેરકાયદેસર કામ કરતા હોવાની શંકાના આધારે 17 ડ્રાઇવરની ધરપકડ કરાઇ હતી. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા 13 ડ્રાઇવરની યુકેમાં વસવાટની પરમિટ પૂરી થઇ ગઇહતી જ્યારે બે ડ્રાઇવર પર વિઝા શરતોના ઉલ્લંઘન અને અન્ય બે પર ઇમિગ્રેશન જામીનની શરતોના ઉલ્લંઘનના આરોપ મૂકાયાં છે.

આ પ્રકારના ડિલિવરી ડ્રાઇવરને નામના ધરાવતી કંપનીઓ દ્વારા રોજગાર અપાતો હોય છે અને ટ્રીપના આધારે નાણા ચૂકવાતા હોય છે. તેમને સીધા નોકરી પર રખાતાં નથી તેનો અર્થ એ થાય કે તેઓ ઘણા લાંબા કલાકો સુધી કામ કરે છે પરંતુ લઘુત્તમ વેતન કરતાં પણ ઓછી આવક મેળવે છે.

અસાયલમ મિનિસ્ટર એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, અમે ગેરકાયદેસર કામ અને ગેરકાયદેસર કામદારોનું શોષણ અટકાવવા પ્રતિબદ્ધ છીએ. યોગ્ય ઇમિગ્રેશન સ્ટેટસ વિના કામ કરતા લોકો અસુરક્ષિત હોય છે અને તેમનું વ્યાપક શોષણ થાય છે.

6.5 મિલિયન પાઉન્ડના કોકેઇન કેસમાં સ્લાઉના બેને 13-13 વર્ષની કેદ

લંડનઃ 6.5 મિલિયન પાઉન્ડની કોકેઇન ડીલિંગ રીંગમાં સંડોવાયેલા સ્લાઉના બે વ્યક્તિને જેલભેગા કરી દેવાયાં છે. બંને તેમના ડ્રગના કારોબારને છૂપાવવા માટે કોરોના મહામારી દરમિયાન મહત્વના કર્મચારી તરીકે કામ કરતા હતા. વિનવેલના ફર્રાખ મિંયા અને સોલ્ટ હીલ વેના યુસુફ ખાનને 13 વર્ષ અને 4 મહિના કેદની સજા ફટકારવામાં આવી છે. આજ કેસમાં એચએમપી પાર્કના જેક ડીયરને 8 વર્ષ અને 8 મહિનાની કેદની સજા અપાઇ છે. ત્રણે અપરાધીએ કોકેઇન સપ્લાય કરવાના અપરાધની કબૂલાત કરી હતી. મે 2020માં હાઇવે મેન્ટેનન્સ કર્મચારીના સ્વાંગમાં મિંયા અને ડીયર જઇ રહ્યાં હતાં ત્યારે અધિકારીઓએ તપાસ માટે અટકાવતાં તેમની વાનમાંથી 30 કિલો કોકેઇન મળી આવ્યું હતું.

બ્લેકબર્નમાં ડ્રગ્સનો વેપાર કરનાર 4ને 13 વર્ષની કેદ

લંડનઃ બ્લેકબર્નમાં માદકદ્રવ્યોનો વેપાર કરી રહેલા 4 અપરાધીને 13 કરતાં વધુ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. પ્રેસ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા રિયાઝ યુસુફ, મુરાદ ખાન, બિલાલ શાહ અને શૈફ શકિલને 11 ઓક્ટોબરે સજાની સુનાવણી કરાઇ હતી. મુરાદની માતા જિન લીથર્ડ તેના ટેક્સી ડ્રાઇવર તરીકે આ ધંધામાં સાથ આપતી હતી. પોલીસે અપરાધીઓ પાસેથી 11,500 પાઉન્ડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું

વેમ્બલીમાં ક્ષમતા કરતાં વધુ ભાડૂઆત રાખનાર મકાન માલિકને 50,000નો દંડ

લંડનઃ વેમ્બલીમાં પાંચ વ્યક્તિની ક્ષમતા ધરાવતા મકાનમાં 8 વ્યક્તિને ભાડે રાખનાર મકાનમાલિક સંજય પટેલને અંદાજિત 50,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાંચ વ્યક્તિ માટે ડિઝાઇન કરાયેલા મકાનમાં ઉંદરોનો ત્રાસ, પાણીના લીકેજ અને તૂટેલા ટોઇલેટની પણ સમસ્યા હતી. મકાનમાં બે બાળક સહિત 8 ભાડૂઆત રખાયાં હતાં અને તેઓ ભાડા પેટે 3500 પાઉન્ડ ચૂકવતા હતા. વિલ્સડેન મેજિસ્ટ્રેટ કોર્ટે સંજય પટેલને હાઉસિંગ એક્ટના ઉલ્લંઘન માટે 49,495 પાઉન્ડ ચૂકવવા આદેશ આપ્યો હતો. મકાનમાં રહેલી સમસ્યાઓ અંગે ભાડૂઆતે ફરિયાદ કર્યા બાદ બ્રેન્ટના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

પ્રોપર્ટીના ગેરકાયદેસર વિસ્તરણ માટે 4 લાખ પાઉન્ડ પરત ચૂકવવા માલિકને આદેશ

લંડનઃ લંડનના ભારે માગ ધરાવતા પરામાં પ્રોપર્ટીને ગેરકાયદેસર રીતે સાત નાના ફ્લેટમાં તબદિલ કરી નાખનાર મકાન માલિકને 4,00,000 કરતાં વધુ પાઉન્ડ પરત ચૂકવવા આદેશ અપાયો છે. શેખ બેહાદ્દિન આદિલ અને તેમની કંપની એચએએબી ડેવલપમેન્ટ લિમિટેડે એક દાયકા પહેલાં હેરો રોડ પર આવેલી પ્રોપર્ટીનું ગેરકાયદેસર વિસ્તરણ કર્યું હોવાનો આરોપ વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલ દ્વારા મૂકાયો હતો. આ પ્રોપર્ટી ક્વીન્સ પાર્ક એસ્ટેટ કન્ઝર્વેશન એરિયામાં આવેલી છે. સંખ્યાબંધ ઐતિહાસિક અને આર્કિટેક્ચરલ ઇમારતોના કારણે આ વિસ્તારને 1978થી સંરક્ષિત જાહેર કરાયો છે.

પતિની મારઝૂડ છતાં પત્નીએ જેલની સજાનો વિરોધ કર્યો

લંડનઃ પતિ ગમે તેવી મારઝૂડ કરે પરંતુ ભારતીય પત્ની હંમેશા પતિનું ભલુ જ ઇચ્છતી હોય છે. 17 ફેબ્રુઆરી 2024ના રોજ આમરાન ખાને તેની પત્ની રાજકિરણ ધિલ્લોન પર હુમલો કરી ગળુ દવાબી દીધું હતું. જોકે કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજકિરણે જજ સમક્ષ રજૂઆત કરી હતી કે તે તેના પતિને જેલની સજા ઇચ્છતી નથી. જોકે કોર્ટે રાજકિરણની અપીલ ફગાવી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter