વિઝા અપાવવાના બહાને ફ્રોડ કરતા સંજીવ કપુરને 2 વર્ષ અને 6 મહિનાની કેદ
લંડનઃ બ્રિટનના વિઝા અપાવવા માટે રોકડની વસૂલાત કરતા અને પોતાને હોમ ઓફિસનો અધિકારી ગણાવતા સંજીવ કપૂરને બે વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારાઇ છે. ત્યારબાદ તેણે હોમ ઓફિસમાં નોકરી પણ હાંસલ કરી હતી જેથી તે વિઝા મેળવવા ઇચ્છતા લોકોને ચૂનો લગાવી શકે. 2016થી 2019 વચ્ચે તેણે બે વ્યક્તિને પોતે સરકારના ઇમિગ્રેશન વિભાગમાં કામ કરતો હોવાનો ઝાંસો આપીને 30,000 પાઉન્ડ પડાવ્યા હતા.
સંજીવ કપુરે 2021થી હોમ ઓફિસમાં કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ તે વિઝા મેળવવા ઇચ્છતા લોકોને બનાવટી દસ્તાવેજો દ્વારા મૂર્ખ બનાવી નાણા પડાવતો હતો. માર્ચ 2022માં સુનિલ કુમાર પટેલ નામની વ્યક્તિએ દિલ્હીમાં હાઇ કમિશનનો સંપર્ક કરી પોતાનો પાસપોર્ટ પરત કરવા જણાવ્યું ત્યારે સંજીવ કપુરના કારનામા બહાર આવ્યા હતા.
મેટ પોલીસ વિમ્બલ્ડન સ્કૂલ ક્રેશની નવેસરથી તપાસ કરશે
લંડનઃ વિમ્બલ્ડનની સ્કૂલમાં થયેલા કાર અકસ્માતની મેટ્રોપોલિટન પોલીસ હવે નવેસરથી તપાસ કરશે. 2023ના ઉનાળામાં પ્રિસ્કૂલના મેદાનમાં લેન્ડ રોવર કાર સાથે ઘૂસી જતાં બે બાળકીનાં મોત થયાં હતાં અને અન્ય 12ને ઇજા પહોંચી હતી. મૃતકોમાં નૂરિયા સજ્જાદ અને સેલેના લાઉનો સમાવેશ થતો હતો. પહેલીવારની તપાસમાં કાર ચાલક ક્લેર ફ્રીમેન્ટલને કોઇપણ પગલાં વિના જવા દેવાની ભલામણ કરાઇ હતી જેનો નુરિયા અને સેલેનાના પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
પ્રથમ તપાસ બાદ પીડિત પરિવારોને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કાર ચાલક એપિલેપ્ટિક સીઝરથી પીડાતી હોવાના કારણે તેના પર કોઇ આરોપ મૂકાશે નહીં. ફ્રીમેન્ટલે જાહેરમાં દુઃખ વ્યક્ત કરીને માફી માગી હતી. પરંતુ પીડિત બાળકીઓના પરિવારોએ જણાવ્યું હતું કે, અમે આ તપાસને સ્વીકારી શક્તાં નથી. તેથી હવે મેટ અધિકારીઓએ નવેસરથી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે.
પોતાની જ દીકરીની હત્યા કરનાર જસકિરતને અનિશ્ચિત મુદતની હોસ્પિટલ ઓર્ડરની સજા
લંડનઃ પોતાની 10 વર્ષની દીકરીની હત્યાની કબૂલાત કરનાર 33 વર્ષીય જસકિરત કૌરને તેની માનસિક સ્થિતિના કારણે અનિશ્ચિત મુદત સુધી હોસ્પિટલમાં રાખવાની સજા કરાઇ છે. ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં રહેતી જસકિરત કૌર ઉર્ફે જાસ્મિન કાંગ પર તેની પુત્રી શેય કાંગની હત્યાનો આરોપ મૂકાયો હતો. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે, શેય કાંગ જખ્મી હાલતમાં મળી આવી હતી અને તેને સ્થળ પર જ મૃત જાહેર કરાઇ હતી. જસકિરતની માનસિક સ્થિતિ અંગેના રિપોર્ટ રજૂ કરાયા બાદ વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા તેને સુરક્ષિત સ્થળે અનિશ્ચિત મુદત માટે હોસ્પિટલ ઓર્ડરની સજા અપાઇ હતી.
માન્ચેસ્ટરની કાર ચોર ગેંગ જેલ હવાલે
લંડનઃ પોલીસે એક ઇન્ટરનેશનલ વાહન ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દ્વારા 3 મિલિયન પાઉન્ડની લક્ઝુરિયસ કારોની ચોરી કરાઇ હોવાનું માનવામાં આવે છે. આ ગેંગ રેન્જ રોવર, મર્સિડિઝ, પોર્શ, બીએમડબલ્યુ જેવી કાર ચોરી મિડલ ઇસ્ટના દેશોમાં વેચી દેતા હતી અથવા તો કારના પૂર્જા અલગ કરીને વેચી દેતી હતી. ગ્રેટ માન્ચેસ્ટરના ઓલ્ડહામથી ઝડપાયેલી આ ગેંગ દ્વારા 100 જેટલી લક્ઝુરિયસ કાર કરાઇ હતી. તેઓ ડ્રાઇવ વે અથવા તો શોપિંગ સેન્ટરો ખાતેથી કાર ચોરી કરતા હતા. આ માટે તેમણે કોરોનાના સમયગાળામાં સરકાર દ્વારા અપાતી લોન લઇને એક વર્કશોપ પણ બનાવ્યું હતું જ્યાં ચોરેલી કારનો નિકાલ કરાતો હતો. કોર્ટ દ્વારા આ ગેંગના 7 સભ્યોને જેલની સજા કરાઇ હતી જેમાં આસિફ માતાદારને સાડા 3 વર્ષ, શેહવાઝ રહેમાનને 4 વર્ષ 9 મહિના, ઇમરાન તાજને 4 વર્ષ, ઝિશાન અલીને 3 વર્ષ 9 મહિના અને આદમ એલવૂડને 6 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
ભારતથી ગેરકાયદેસર દવા આયાત કરનાર અન્સારી દંપતિ સહિત 3ને કેદ
લંડનઃ ભારતથી યુકેમાં ગેરકાયદેસર રીતે 1 મિલિયન કરતાં વધુ દવાની ટીકડીઓ આયાત કરવા માટે વેમ્બ્લીના 3 ડ્રગ મેમ્બરને જેલ ભેગા કરી દેવાયા છે. સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા સલમાન અન્સારી, તેની પત્ની જૂહી અન્સારી અને વકાસ સલીમને કેદ ફટકારવામાં આવી છે. આ ગેંગ દ્વારા ભારતથી ઓપિયોડ્સ, બેન્ઝોડાયાઝેપાઇન્સની 730 કિલો દવા આયાત કરાઇ હતી. કોર્ટ દ્વારા સલામન અન્સારીને 6 વર્ષ.,વકાસ સલીમને અઢી વર્ષ અને જૂહી અન્સારીને સસ્પેન્ડેડ સજા કરાઇ હતી.
ઇસ્ટ લંડનમાં છૂરાબાજી, ભારતીય મૂળના કુલવિન્દરની ધરપકડ
લંડનઃ ગયા સપ્તાહમાં ઇસ્ટ લંડનના ડેગનહામમાં એક મહિલા અને બે બાળકો પર ચાકુ વડે હુમલો કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય કુલવિન્દર રામ પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકાયો છે. કુલવિન્દરને સોમવારે બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીડિતોને જીવલેણ ઇજા થઇ નહોતી. કુલવિન્દરને પીડિતો સાથે કોઇ નજીકનો સંબંધ હોવા અંગે હજુ સ્પષ્ટતા કરાઇ નથી. પોલીસે ફક્ત એટલું જણાવ્યું હતું કે, કુલવિન્દર અને પીડિતો એકબીજાને ઓળખતાં હતાં.
કોર્ટની અવમાનના માટે ફાર રાઇટ નેતા ટોમી રોબિનસનને 18 મહિનાની કેદ
લંડનઃ ફાર રાઇટ એક્ટિવિસ્ટ ટોમી રોબિનસનને સીરિયન રેફ્યુજી વિરુદ્ધ ખોટા દાવાના મામલામાં અદાલતની અવમાનના કરવા માટે 18 મહિનાની જેલની સજા અપાઇ છે. તેણે 2021ના હાઇકોર્ટના આદેશ પર 10 ઉલ્લંઘન કર્યાની કબૂલાત કર્યા બાદ વૂલવિચ ક્રાઉન કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ત પહેલાં ફાર રાઇટ લીડર ટોમી રોબિનસન પર આતંકવાદની ધારા અંતર્ગત કેસ નોંધી ધરપકડ કરાઇ હતી. લંડનમાં પોતાના સમર્થકો સાથે રેલી યોજવાના તેમના પ્રયાસને અટકાવવા આ પગલું ભરાયું હતું.