બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં ગુજરાતી ગર્ભવતી મહિલા પર હુમલો
લંડનઃ બ્રિટિશ એરવેઝમાં પ્રવાસ કરી રહેલી ગુજરાતી બ્રિટિશ ગર્ભવતી મહિલા પર સાથી પ્રવાસી દ્વારા હુમલો કરાયો હતો. 35 વર્ષીય પારૂલ પટેલ એમ્સ્ટર્ડડેમથી લંડન પરત આવી રહ્યાં હતાં ત્યારે પ્લેનમાંથી ઉતરતી વેળાએ સાથી પ્રવાસીને એમ લાગ્યું કે પારૂલે તેને ધક્કો માર્યો છે તેથી તેણે પારૂલને લાત મારી દીધી હતી. તેણે પારૂલને ધમકી આપી હતી કે એમ ન વિચારીશ કે હું તારા ચહેરા પર પંચ નહીં મારુ. પારૂલે ક્રુ સ્ટાફને ફરિયાદ કરી હતી પરંતુ તેમણે માફી માગીને પારૂલને શેમ્પેનની એક બોટલ આપી હતી.
સગીરાઓ સાથે ઓનલાઇન સેક્સ પ્રવૃત્તિઓ કરનાર જીપીના દીકરાને સાડા 6 વર્ષની કેદ
લંડનઃ ફિલિપાઇન્સમાં રહેતી મહિલાઓના બાળકો સાથે ઓનલાઇન સેક્સ પ્રવૃત્તિઓ કરી શકે તે માટે લાઇવ ઓનલાઇન લિન્ક તૈયાર કરનારા એક જીપીના દીકરાને સાડા છ વર્ષ કેદની સજા કરાઇ છે. 38 વર્ષીય જોનાથાન કુમારે પેડોફાઇલ વેબસાઇટો સાથે લોગ ઇન કરેલું હતું જેથી તે 6600 માઇલ દૂર ફિલિપાઇન્સમાં રહેતી મહિલાઓ સાથે વાત અને મહિલાઓ તથા તેમની દીકરીઓ સાથે સેક્સ પ્રવૃત્તિઓ કરી શકે. ગ્રેટ માન્ટેસ્ટરના બોલ્ટનમાં રહેતો જોનાથાન કુમાર સગીરાઓ સાથે વેબકેમ પર સેક્સ્યુઅલ પ્રવૃત્તિઓ કરતો હતો. ઓગસ્ટ 2023માં તેની ધરપકડ કરાઇ હતી.
30 વર્ષથી ન્યાય ઝંખતો ઇસ્ટ હામનો પરિવાર
લંડનઃ આજથી 30 વર્ષ પહેલાં ઇસ્ટ હામમાં એક પિતાની હત્યા કરાઇ અને તેમણે દીકરીના ખોળામાં જીવ મૂકી દીધો હતો. 30 વર્ષ પછી પણ આ પરિવારને ન્યાયની ઝંખના છે અને તે જનતાને હત્યારાની ઓળખ માટે મદદ કરવા અપીલ કરી રહ્યો છે. બર્નેલ્સ એવન્યૂ ખાતેના નિવાસસ્થાનની બહાર જ હુસૈનની હત્યા કરાઇ ત્યારે તેમની દીકરી યાસ્મિન ફક્ત 10 વર્ષની હતી. 18 સપ્ટેમ્બર 1994ના પરોઢિયે પોણા 3 કલાકે હુસૈન ક્રોયડોન ખાતેના તેમના રેસ્ટોરન્ટ ખાતેથી ઘેર પરત ફર્યા હતા. ત્યારે ઘરની બહાર જ બે વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેઓ મદદ માટે બૂમો પાડતાં રહ્યાં પરંતુ મદદ મળી નહોતી. યાસ્મિન કહે છે કે મારા પિતાએ મારા ખોળામાં જ જીવ છોડ્યો. મેં તેમને પૂછ્યુ હતું કે કોણે હુમલો કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે બે એશિયન હતા.
ગેરકાયદેસર કર્મચારી માટે ભારતીય રેસ્ટોરન્ટના મેનેજર પર પાંચ વર્ષનો પ્રતિબંધ
લંડનઃ હીયરફોર્ડશાયરમાં આવેલા ભારતીય રેસ્ટોરન્ટના મેનેજર પર બે ગેરકાયદેસર કર્મચારીને નોકરી આપવા માટે કંપનીના ડિરેક્ટરપદ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાયાં છે. 35 વર્ષીય માસૂમ ખાને ઇટનામ સ્ટ્રીટ ખાતે આવેલી જલાલાબાદ અકબરી ક્યુઝિન ખાતે ગેરકાયદેસર કર્મચારીઓને નોકરી પર રાખ્યાં હતાં. આ બંનેને યુકેમાં કામ કરવાનો અધિકાર નહોતો. માસૂમ ખાન જલાલાબાદ લિઓમિન્સ્ટર લિમિટેડ અંતર્ગત કામ કરતી આ રેસ્ટોરન્ટના એકમાત્ર ડિરેક્ટર હતા. જૂન 2021માં આ રેસ્ટોરન્ટ પર ઇમિગ્રેશન વિભાગ દ્વારા દરોડા પડાયા હતા.