લંડનઃ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે ઈમર્જન્સી ચુકાદો આપ્યો છે કે ઈયુ દેશોની મંજૂરી વિના પણ બ્રિટન બ્રેક્ઝિટ પ્રોસેસ અટકાવી શકે છે. અત્યાર સુધી આર્ટિકલ ૫૦ પ્રક્રિયા અટકાવવા વિશે ઈયુ સંધિઓમાં કશું જણાવાયું નથી. એક વર્ષ અગાઉ, ગુડ લો પ્રોજેક્ટ મૂવલમેન્ટ સાથે સંકળાયેલા રીમેઈનતરફી સ્કોટિશ સાંસદો અને યુરોપીય સંસદના પ્રતિનિધિઓના જૂથ દ્વારા આ પ્રક્રિયાને પડકાર અપાયો હતો. જોકે, બ્રિટિશ સરકારના જ પર્યાવરણ સેક્રેટરી માઈકલ ગોવે સ્પષ્ટ કર્યું હતું કે આ ચુકાદાથી યુકેને કોઈ ફરક પડશે નહિ કારણકે યુકે તો કોઈ પણ રીતે ઈયુમાંથી બહાર નીકળવા મક્કમ છે.
આ ચુકાદાથી નવેસરથી રેફરન્ડમની માગણીને પ્રોત્સાહન મળશે. થેરેસા મેની સમજૂતી પર કોમન્સમાં મતદાન થાય તેના એક દિવસ અગાઉ જ આ ચુકાદો આવ્યો છે. આ ચુકાદાની સ્કોટલેન્ડના એડિનબરાની સિવિલ કોર્ટમાં તત્કાળ સમીક્ષા હાથ ધરાશે. આ કાનૂની યુદ્ધનો અંત બ્રિટિશ સુપ્રીમ કોર્ટના દ્વારે જ આવશે.
યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ન્યાયાધીશોએ ઈયુમાંથી સભ્ય દેશને બહાર નીકળવાની પ્રક્રિયા સંબંધિત બે વર્ષ લાંબી આર્ટિકલ ૫૦ના આરંભને એકપક્ષી રીતે રદ કરી શકાય નહિ તેવી યુકે સરકાર અને યુરોપિયન કમિશનની દલીલોને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ પ્રોસેસ પડતી મૂકવાના યુકેના નિર્ણયને અટકાવવાનો અધિકાર યુરોપિયન કમિશન પાસે નથી કારણકે તે સભ્ય દેશને તેની ઈચ્છા વિરુદ્ધ ઈયુમાંથી બહાર નીકળવાની ફરજ પાડવા જેવું ગણાશે. ઈયુની દલીલ હતી કે યુરોપીય કાઉન્સિલના સર્વસંમત નિર્ણયના આધારે જ સભ્ય દેશના ટ્રેડ બ્લોક છોડવાની વ્યવસ્થાને ઉલટાવી શકાય છે. કોર્ટની પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય બંધારણીય જરુરિયાતોને સુસંગત લોકશાહી પ્રક્રિયાને અનુસરીને લઈ શકાય.