નવી દિલ્હી, લંડનઃ ૧૨ ઓગસ્ટે ભારતની મુલાકાતે આવેલાં બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિસિસ પ્રીતિ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણા પ્રધાન અરુણ જેટલી તથા નગરવિકાસ પ્રધાન વેંકૈયા નાયડુની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક નેતા તરીકે બ્રિટન લાંબા ગાળાની પ્રગતિ સાધવા ભારત સાથે તેની આર્થિક ભાગીદારી ગાઢ બનાવી રહ્યું છે. તેમણે શનિવાર ૧૩ ઓગસ્ટે સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન થેરેસા મેની નવી સરકારના કેબિનેટ મિનિસ્ટરની ભૂમિકામાં ભારત આવેલાં પ્રીતિ પટેલે નાણા પ્રધાન અરુણ જેટલી સાથે વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી અને સૌથી મોટી લોકશાહી વચ્ચે મજબૂત આર્થિક ભાગીદારી યુકે અને ભારતમાં વિકાસને ઉત્તેજન આપી શકે તે સંબંધિત ચર્ચા હાથ ધરી હતી. યુકે અને ભારતમાં મુખ્ય આર્થિક સંસ્થાઓ અને એક્સેલન્સ સેન્ટર્સ વચ્ચે સંપર્કો મજબૂત બનાવવાની તરફેણ કરતાં તેમણે જણાવ્યું હતું કે યુકે અને ભારત તેમના સંયુક્ત નિષ્ણાત જ્ઞાન અને સ્રોતોનો ઉપયોગ બન્ને દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે કરશે. યુકે સરકાર નાણાકીય સેવાઓ, સ્માર્ટ સિટીઝના નિર્માણ, કૌશલ્ય પ્રોત્સાહન, બિઝનેસ કરવામાં સરળતા, એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાઓ તેમજ લંડન સિટીના ફાઈનાન્સિંગ પાવરને કાર્યરત બનાવી ભારતના મહત્ત્વાકાંક્ષી આર્થિક એજન્ડાને મદદ કરવા માટે કામ કરી રહેલ છે.
પ્રીતિ પટેલે વેંકૈયા નાયડુ સાથે નવા સ્માર્ટ સિટીઝની ભારતની કલ્પનાને આગળ વધારવા તેમજ નવા બિઝનેસીસ માટે તકોને આગળ વધારવામાં યુકે તેના કૌશલ્ય અને નિષ્ણાત જ્ઞાનનો લાભ ભારતને આપી શકે તેના માર્ગો વિશે ચર્ચા કરી હતી.
કેબિનેટ મિનિસ્ટર અને એસેક્સના વિથામ સંસદીય ક્ષેત્રના કન્ઝર્વેટિવ સાંસદ પ્રીતિ પટેલે ભારતના ચિરયુવાન સૌંદર્ય, અસીમિત સંસ્કૃતિ અને સમયાતીત મૂલ્યોનો અનુભવ કરવા નવી દિલ્હીમાં BAPS સ્વામીનારાયણ સંસ્થાના અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. પરંપરાગત ભારતીય પુષ્પમાળા, ચાંદલો અને પવિત્ર દોરા સાથે તેમનું સ્વાગત કરાયું હતું. તેમણે શ્રી નીલકંઠની પ્રતિમા પર પવિત્ર જળાભિષેક કરી વિશ્વશાંતિ અને સુમેળ માટે પ્રાર્થના કરી હતી. તેમણે અતિ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતું પ્રદર્શન ‘સંસ્કૃતિ વિહાર’ પણ નિહાળ્યું હતું.