લંડનઃ બ્રિટનમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની માગ વધતા ભારતમાં પ્રેક્ટિસ કરતા સેંકડો ડોક્ટરોને બોલાવવા હેલ્થ વિભાગે ભારતની વિશાળ ચેઇન ધરાવતી એપોલો હોસ્પિટલ સાથે કરાર કર્યો છે. આ સાથે જ બ્રિટનની સરકારે ૨૦૨૦ સુધી વધુ ૫,૦૦૦ ડોક્ટરોને તેની સાથે જોડવાની યોજના બનાવી છે. પ્રાઇમરી કેર પલ્સ મેગેઝિને જણાવ્યું હતું કે, ભારતની એપોલો હોસ્પિટલ ચેઇનમાંથી ૪૦૦ જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને બોલાવવામાં આવશે જે અંગે હજુ પ્રાથમિક તબક્કાની વાત ચાલુ છે.
ચેન્નાઇ ખાતેની એપોલો હોસ્પિટલ ચેઇન પાસે અત્યારે ૪૦,૦૦૦થી વધારે લોકો જોડાયેલા છે અને તેનું ટર્નઓવર ૫૦૦ મિલિયન પાઉન્ડ કરતા પણ વધુ છે. અહીં મેડીકલમાં ડીપ્લોમા કરતા પ્રેક્ટિશનરોને બ્રિટનમાં બોલાવવામાં આવશે.
આ દરમિયાન એપોલો હોસ્પિટલ્સે જણાવ્યું છે કે, અમે એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે અને બંને દેશો વચ્ચે ટેકનિક સાથે મેડીકલ ક્ષેત્રમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકાય તે અંગે પણ ભાર મૂકાશે. આ ઉપરાંત, હેલ્થ કેર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને કેવી રીતે શ્રેષ્ઠ શિક્ષણ તથા તાલીમ મળી રહે તે અંગે પણ ભાર મુકવામાં આવશે.