કિગાલી, લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની સૌથી નિર્બળ પરિવારોને આશ્રય આપવાની માઈગ્રન્ટ નીતિ હેઠળ બ્રિટન ઈસ્ટ આફ્રિકન દેશ રવાન્ડાથી શરણાર્થીઓને સ્વીકારશે. બ્રિટન અને રવાન્ડા વચ્ચે ગુરુવાર 14 એપ્રિલે થયેલા કરાર મુજબ જેઓ યુદ્ધ અથવા અત્યાચારોથી નાસી છૂટ્યા હોય અને રવાન્ડાએ એસાઈલમ સ્ટેટસ આપ્યું હોય તેવા લોકો બ્રિટન આવી શકશે. હોમ ઓફિસના સૂત્રોએ જણાવ્યું છે કે રવાન્ડામાં રેફ્યુજી સ્ટેટસ આપી દેવાયેલા સેંકડો લોકોને નહિ પરંતુ, ઓછી સંખ્યાના લોકોને જ આ લાગુ પડશે. જોકે, કરારમાં સંખ્યાની કોઈ મર્યાદા જણાવાઈ નથી. જે લોકોને શારીરિક અથવા માનસિક આરોગ્યની જટિલ સમસ્યા હોય તે સહિતના લોકોને જ આ કરાર હેઠળ બ્રિટનમાં આશ્રય આપાશે. હજારો એસાઈલમ સીકર્સને ત્રીજા દેશમાં મોકલવાની યોજના અંગેના કરાર પર યુકેના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને રવાના ફોરેન મિનિસ્ટર વિન્સેન્ટ બિરુટાએ હસ્તાક્ષર કર્યા હતા. માઈગ્રન્ટ્સને સ્વીકારવા બદલ રવાન્ડાને 120 મિલિયન પાઉન્ડ ચૂકવવા સંમતિ સધાઈ છે. આ સિવાય પણ અન્ય ખર્ચા થઈ શકે છે.
યુકે અને રવાન્ડા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગમાં જણાવાયેલી વિગતો અનુસાર આધુનિક ગુલામી અને માનવ તસ્કરી કે હેરાફેરીનો શિકાર બનેલી વ્યક્તિઓને આ યોજના હેઠળ રવાન્ડા મોકલી અપાશે. માઈગ્રન્ટ બ્રિટનમાં આવ્યા પછી તેને રવાન્ડા ટ્રાન્સફર કરવા પસંદ કરાશે ત્યારે તેમની પાસે પાસપોર્ટ નહિ હોય તો હોમ ઓફિસ તેમને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ પૂરાં પાડશે.
સરકારી પ્રવક્તાએ જણાવ્યું છે કે રવાન્ડા યુએન કમિશનર ફોર રેફ્યુજીસને સપોર્ટ કરવામાં અગ્રેસર રહ્યું છે અને તેના પાર્ટનર તરીકે યુકે હાલ રવાન્ડામાં સૌથી નિર્બળ શરણાર્થીઓને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસમાં મદદ કરશે. ગુરુવાર 14 એપ્રિલે થયેલા કરાર હેઠળ નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ પાર કરવા સહિત ગેરકાયદે માર્ગોએ બ્રિટનમાં આવેલા એસાઈલમ સીકર્સને હોમ ઓફિસની ફ્લાઈટ્સ મારફત રવાન્ડા મોકલી અપાશે. 1 જાન્યુઆરી પછી આવેલા તમામ ગેરકાયદે માઈગ્રન્ટ્સને આ યોજના લાગુ કરાશે અને સૌપ્રથમ રીમુવલ ફ્લાઈટ આગામી મહિનાની આખર સુધીમાં શરૂ કરાશે તેવી આશા ડાઉનિંગ સ્ટ્રીટે વ્યક્ત કરી છે.
રવાન્ડા પ્લાનથી લાંબા ગાળે બચતનો દાવો
યુકેના કેન્ટ કિનારાએ આવનારા મોટા ભાગના એસાઈલમ સીકર્સને 4,000 માઈલથી પણ દૂર રવાન્ડા મોકલી આપવાથી બ્રિટનને લાંબા ગાળે નાણાની બચત થવાનો દાવો કરાયો છે. હોમ ઓફિસ મિનિસ્ટર ટોમ પર્સગ્લોવે દાવો કર્યો છે કે આ વ્યવસ્થાથી લોકોની હેરફેર કરનારાનો બિઝનેસ પડી ભાંગશે. પર્સગ્લોવે કહ્યું હતું કે આ સ્કીમના પ્રાથમિક ખર્ચા તરીકે 120 મિલિયન પાઉન્ડ ફાળવાયા છે. હોમ ઓફિસ મિનિસ્ટરે કહ્યું હતું કે રવાન્ડા જનારા લોકો ત્યાં સંપૂર્ણ સમૃદ્ધ જીવન જીવી શકશે અને ટુંકા ગાળા માટે જે ખર્ચો ચૂકવાશે તે હાલ એસાઈલમ સીકર્સને યુકેમાં રાખવા માટે ચૂકવાતી રકમની સમકક્ષ જ છે. જોકે, ટોરી સાંસદ એન્ડ્રયુ મિચેલે દાવો કર્યો છે કે બ્રિટન આવનારાને એક વર્ષ સુધી રિટ્ઝ હોટેલમાં રાખવાનું સસ્તું પડશે. રવાન્ડા પ્લાન હેઠળ વ્યક્તિદીઠ 30,000 પાઉન્ડ સુધીનો ખર્ચ આંખમાંથી પાણી લાવે તેવો છે. આ યોજના બ્રિટિશ કરદાતાઓ માટે ભારે ખર્ચાળ નીવડશે.
લોર્ડ્સમાં રવાન્ડા પ્લાન સામે વિરોધ
એસાઈલમ સીકર્સને પ્રોસેસિંગ માટે રવાન્ડા મોકલવાની યોજનાને હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારે પડકાર મળશે. લેબર ઉમરાવ અને પૂર્વ બાળ શરણાર્થી લોર્ડ આલ્ફ ડબ્સે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આશ્રય ઈચ્છનારાઓને મદદ કરવાના આંતરરાષ્ટ્રીય કરારોની ઉપેક્ષા કરી રહી છે. એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવા તે દેખીતી રીતે જ રાજ્યપ્રાયોજિત ટ્રાફિકિંગ છે. આલ્ફ ડબ્સને 1939માં એક કિન્ડરટ્રાન્સપોર્ટ ટ્રેઈનમાં ઝેકોસ્લોવેકિયાથી બ્રિટન લવાયા હતા. લોર્ડ ડબ્સે કહ્યું હતું કે આ યોજના સરકાર ઈચ્છતી ન હોય તેવા લોકોને દૂરના આફ્રિકન દેશમાં ખડકી દેવાની છે જ્યાંથી તેઓને બહાર નીકળવાની કોઈ તક મળે નહિ.