બ્રિટિશ એસ્ટાબ્લિસમેન્ટ જેવા ગોલિયાથ સામે કોર્ટમાં લડવા અને વિજય મેળવવા માટે હિંમત અને પોતાના વિચારોની દૃઢતા ધરાવતી ફાયરબ્રાન્ડ લીડર જિના મિલર આજે બ્રેક્ઝિટ કાનૂની યુદ્ધનો ચહેરો બની છે. જોકે, તેણે કિંમત પણ ચૂકવી છે. તેના અભિયાન સામે બેકલેશપણ અનુભવ્યો છે. તેને ધમકીઓ અપાઈ છે અને સોશિયલ મીડિયા પર તેના સામે અપશબ્દોનો મારો પણ ચાલે છે ત્યારે ‘ગ્રેટ બ્રિટન’નો વરવો ચહેરો પણ બહાર આવ્યો છે. આમ છતાં મહાન બ્રેક્ઝિટ કાનૂની વિજય પછી જિના મિલર ઘર ઘરનું નામ બની ગઈ છે. તેના કારણે વડાપ્રધાન નહીં પરંતુ પાર્લામેન્ટને આર્ટીકલ ૫૦ના આરંભ માટે આખરી અવાજ સાંપડ્યો છે.
પોતાના જીવનમાં તમામ કાર્યક્ષેત્રે પારદર્શિતા માટે લડતી જિના શબ્દોમાં કદી પાછીપાની કરતી નથી. માત્ર કેમ્પેનર તરીકે નહીં એક માતા તેમજ યુકેમાં પંજાબી મૂળની મહિલા તરીકે તેને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો છે. બ્રેક્ઝિટના ફિયાસ્કાથી બહુસાંસ્કૃતિક બ્રિટનની કાળી બાજુ પણ પ્રકાશમાં આવી છે અને જિના પણ કહે છે કે આપણે જે જોઈ રહ્યાં છે તે ખરેખર ખલેલજનક છે.
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વિશેષ મુલાકાતમાં જિનાએ કહ્યું હતું કે બ્રિટનમાં વંશીય પશ્ચાદ્ભૂ સાથેની મહિલા હોવું તે સૌથી મુશ્કેલ બાબત છે. તેઓ આજ બાબત પહેલાં જુએ છે. તેઓ અજાગ્રત પૂર્વગ્રહો ધરાવે છે. બ્રિટનને પ્રશંસાલાયક બનાવવા માટે આપણે ગત ૩૦ -૪૦ વર્ષમાં ઘણી લડત આપી છે પરંતુ ૮થી ૧૨ મહિનાના સમયમાં આપણે ભારે પીછેહઠ કરી છે. લોકો ખુલ્લામાં કોઈપણ જાતની દિલગીરી વિના ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે તે ચિંતાજનક છે. ‘વંશીય મૂળના હોવું તેને હજુ પણ સમાજના હિસ્સારૂપે સ્વીકારાતું નથી. ઇમિગ્રેશનનો અર્થ શ્વેત વિરુદ્ધ અશ્વેતનો ગણાય છે. આપણુ મૂલ્ય ઓછું અંકાય છે. એક વંશીય મહિલા તરીકે કે મારા નસીબમાં ચાર જ બાબત- પ્રોસ્ટીટ્યૂટ, ગુલામ, સફાઈ કામદારા, અથવા બાળકો પેદા કરવાનું જ કાર્ય હોવા જોઈએ તેમ મનાય છે.’
બ્રિટિશ ગુયાનામાં સાવિત્રી અને દૂદનાથસિંહના ઘેર જિના નાદિરાસિંહ તરીકે જન્મેલી. જિનાને ૧૦ વર્ષની વયે ઇંગ્લેન્ડ મોકલવામાં આવી હતી. પંજાબના મૂળિયા ધરાવતી જિનાની માતાના પિતા શીખ હતા. જિનાએ ૨૦ વર્ષની વયે પ્રથમ પતિ સાથે લગ્ન કર્યાં હતા અને તેમને એક પુત્રી પણ છે જેને ગંભીર લર્નિંગ ડિફીકલ્ટીસ છે. વર્તમાન પતિ એલન મિલર દ્વારા પણ બે સંતાન છે.
અનેક મૂળ ભારતીયોની માફક જિના કદી ભારત ગઈ નથી. જોકે કેરાળામાં હાલ કાર્યરત એક્શન બ્રેક સાયલન્સ નામની ચેરિટિ સહિત કેટલાક પ્રોજેક્ટ્સને તે સપોર્ટ કરે છે. આ ચેરિટિનો મુખ્ય હેતુ મહિલાઓ અને છોકરીઓનાં રક્ષણ અને સશક્તિકરણનો છે. મિલર ફિલાન્થ્રોપીના સ્થાપક અને ચેરમેન તરીકે જિનાએ એલન સાથે મળીને આ સંસ્થા સ્થાપી છે.
બ્રેક્ઝિટ, ટ્રમ્પ અને રાજકારણ
આર્ટિકલ ૫૦ના આરંભ પહેલા સરકાર પાર્લામેન્ટમાં ચર્ચાનો બંધારણીય માર્ગ અપનાવે તે માટે બ્રેક્ઝિટ લડત ચલાવનારી જિના માને છે કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આટલા વહેલાં યુકેની સત્તાવાર મુલાકાતે આમંત્રવા તે ગંભીર ભૂલ છે અને તેનાથી આપણા દેશ વિશે ખોટા સંકેતો જશે. કોર્ટમાં વિજય છતાં બ્રેક્ઝિટ ચર્ચાથી મિસ મીલર હતાશ છે કારણ કે સમગ્ર બાબતે ખોટો વળાંક લીધો છે. તેઓ કહે છે, ‘રાજકારણીઓએ બ્રેક્ઝિટ કેવું હોવું જોઈએ, તેના વિવિધ પરિદૃશ્યો કેવા હોય, સમાજના વિવિધ સ્તરે તેની શું અસર હોય તેની ચર્ચા કરવી જોઈએ. પરંતુ હું તેમના વિશે નિરાશ છુ. વિરોધપક્ષે પણ અનુભવ જોઈએ. અસરકારક વિરોધપક્ષ હોય ત્યારે જ લોકશાહી બરાબર કાર્ય કરે છે. લેબરપાર્ટી આ કાર્ય બરાબર કરતી નથી. બ્રિટિશરો રીમેઈન માટે જ મત આપશે અને આપણે વધુ સત્તા અને વધુ બેઠક મેળવી શકીશું તેવું વિચારી સરકારે બ્રેક્ઝિટ વોટ આપ્યો હતો. આ બ્રિટન માટે લાભની વાત ન હતી પરંતુ, તેમના કે પક્ષ માટે લાભની વાત હતી.’
રાજકારણમાં કદી જોડાશે?
ઈન્ટરવ્યૂના સમાપને તેઓ કદી રાજકારણમાં જોડાશે કે કેમ તે પ્રશ્નના ઉત્તરમાં જિનાએ સહાસ્ય કહ્યું હતું કે, ‘હું કદી રાજકારણમાં ટકી જ ન શકું. લોકો જેમાં માનતા હોય તે બોલે અને જેનું પ્રતિનિધિત્વ કરતાં હોય તેનું અવાજ બની રહે તેવું રાજકારણ ન હોય તો હું નથી માનતી કે રાજકારણ અથવા અન્ય કોઈ બાબત મને રાજકારણમાં જોડાવા પ્રેરી શકે. યુકેમાં મિડિયાનું વર્તન બદલાઈ રહ્યું છે. તેમણે સ્વતંત્ર રહેવું જોઈએ. તેઓ કોઈપણ રાજકીય પાર્ટીના દબાણ હેઠળ પ્રોપગન્ડાને ટેકો આપી શકે નહીં. મારા માટે તો આ તદ્દન ખોટું અને બેજવાબદાર છે અને મીડિયાએ ઘણા પ્રશ્નોનો ઉત્તર આપવાનો રહે છે.