‘ખલનાયક’ની ભૂમિકા ભજવીને હિન્દ ફિલ્મના ચાહકોમાં ભરપૂર પ્રશંસા મેળવનાર સંજય દત્ત માટે આ વખતે બ્રિટન સરકાર ‘ખલનાયક’ના રોલમાં છે. જૂના ક્રાઇમ રેકર્ડને આધારે બ્રિટિશ વિઝાઅરજી રદ થવાના મુદ્દે આખરે સંજય દત્તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. થોડા દિવસ પહેલાં કહેવાયું હતું કે સંજય દત્તની વિઝા અરજી નકારી દેવાતા તે શૂટિંગ માટે સ્કોટલેન્ડનો પ્રવાસ કરી શકે તેમ નથી. આ સંજોગોમાં ફિલ્મ ‘સન ઓફ સરદાર-ટુ’માં તેના સ્થાને અભિનેતા અને રાજનેતા રવિ કિશને રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે હવે સંજય દત્તે મૌન તોડ્યું છે. તેણે બ્રિટિશ સરકાર સારું કામ ન કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા છે.
એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, ‘હું એટલું જાણું છું કે યુકે સરકારે આ યોગ્ય નથી કર્યું. તેમણે મને શરૂઆતમાં વિઝા આપ્યા. બ્રિટનમાં બધા પેમેન્ટ પણ થઈ ગયા. બધી જ તૈયારી હતી. તેના મહિના પછી મારા વિઝા રદ કરી દેવામાં આવ્યા. મેં યુકે સરકારને જરૂરી તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા. તો મને વિઝા શા માટે ના આપ્યા? તમારા પોતાના કાયદા સમજવામાં તમને એક મહિનો કેમ લાગ્યો?’સંજય દત્તે કહ્યું કે પોતે તમામ દેશના કાયદાનું સન્માન કરે છે. બ્રિટિશ સરકારે કાનૂનમાં સુધારા કરવાની જરૂર છે. સંજય દત્તે કહ્યું કે, ‘આમેય યુકે કોણ જાય છે? ત્યાં ખૂબ રમખાણો થઈ રહ્યા છે. ભારત સરકારે પણ બ્રિટન ના જવા નિવેદન આપેલું છે. તેથી બ્રિટનમાં ના જઈને હું કાંઈ મીસ નથી કરી રહ્યો. પરંતુ તેમણે જે કર્યું છે એ તો ખોટું જ છે. તેમણે સિસ્ટમમાં સુધારા કરવાની જરૂર છે.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 1993માં મુંબઈ બોમ્બ વિસ્ફોટ પછી સંજય દત્ત આર્મ્સ એકટના ઉલ્લંઘન બદલ દોષિત ઠર્યા હતા. તે કેસમાં પાંચ વર્ષની સજા થઇ હતી, જે તેમણે વર્ષ 2016માં પૂરી કરી હતી. આ કેસમાં ધરપકડ થઈ ત્યારથી આજ સુધી સંજય દત્ત બ્રિટન નથી જઈ શક્યા. વિઝા માટે અનેક વાર અરજી કરી ચૂક્યા છે, પરંતુ કદી મંજૂરી નથી મળી.