લંડનઃ બ્રિટનમાં કેદીઓથી ઉભરાઇ રહેલી જેલોની કટોકટી નિવારવા માટે સરકાર હવે કેદીઓને ઇસ્ટોનિયાની જેલોમાં મોકલી આપવાની યોજના પર વિચારણા કરી રહી છે. ઇસ્ટોનિયાએ તેની ખાલી પડેલી જેલો અન્ય દેશોને ભાડે આપવાની ઓફર આપી છે. જસ્ટિસ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે અમે તમામ વિકલ્પો ચકાસી રહ્યાં છીએ.
સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે જેલોની ગંભીર બની રહેલી સમસ્યાના આ વિવાદાસ્પદ ઉકેલ પર વિચારણા ચાલી રહી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પુરુષો માટેની જેલોમાં હવે ફક્ત 83 સેલ ખાલી છે. બીજીતરફ ઇસ્ટોનિયામાં અપરાધના ઓછા દરના કારણે તેની અડધોઅડધ જેલો ખાલી રહે છે. જો બ્રિટિશ કેદીઓને ઇસ્ટોનિયાની જેલોમાં મોકલી આપવામાં આવે તો ઇસ્ટોનિયાની સરકારને 25 મિલિયન પાઉન્ડની આવક થઇ શકે છે.
જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદ ઇસ્ટોનિયાના તેમના સમકક્ષ લિસા પાકોસ્તા સાથે જેલો ભાડે લેવા અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. પાકોસ્તાએ જણાવ્યું હતું કે, યુકે અને ઇસ્ટોનિયા આંતરરાષ્ટ્રીય સહકારનો સફળ ઇતિહાસ ધરાવે છે. આ પ્રકારની ભાગીદારીથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બની શકે છે.