લંડનઃ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે 13 જૂન ગુરુવારના રોજ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. ઢંઢેરામાં લેબર પાર્ટીએ પ્રાઇવેટ શાળાઓ, વિદેશોમાં પ્રોપર્ટીમાં મૂડીરોકાણ કરનારા અને નોન-ડોમિસાઇલ્સ પર કરવેરા સહિતના કરવેરામાં વધારો કરી 7.35 બિલિયન ઊભા કરવાની યોજના રજૂ કરી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે, ઇન્કમ ટેક્સ, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટમાં કોઇપણ પ્રકારનો વધારો નહીં કરાય. પાર્ટીએ જણાવ્યું હતું કે, આ નાણાનો ઉપયોગ એનએચએસમાં એપોઇન્ટમેન્ટ વધારવા અને શાળાઓમાં વધુ શિક્ષકોની નિયુક્તિ જેવા કામોમાં કરાશે.
કેર સ્ટાર્મરે પાર્ટીના ઢંઢેરાને સંપત્તિ સર્જન અને બ્રિટનના બદલાવનો ઢંઢેરો ગણાવતા જણાવ્યું હતું કે, લેબર પાર્ટી બ્રિટનનું પુનઃનિર્માણ શરૂ કરશે. અમે જનતાની સેવા કરીએ છીએ. બ્રિટનમાં ઘણી ક્ષમતા છે પરંતુ સમગ્ર દેશમાં એકસમાન તકો ઉપલબ્ધ થઇ રહી નથી. અમે સંપુર્ણપણે દિશા બદલી નાખવાની ઓફર મતદારોને આપી રહ્યાં છીએ. જોકે સમસ્યાઓના ઉકેલ માટે અમારી પાસે કોઇ જાદુઇ છડી નથી. અમે બદલાવ માટે લાંબા ગાળાની યોજના રજૂ કરી રહ્યાં છીએ.
બદલાવ માટે લેબર પાર્ટી દ્વારા પ્રસ્તાવિત પગલાં
- આર્થિક સ્થિરતાઃ ખર્ચ માટેના આકરા નિયમો લાગુ કરાશે જેથી અર્થતંત્ર વૃદ્ધિ પામે અને ટેક્સ, ફુગાવાનો દર અને મોર્ગેજ શક્ય એટલા ઓછા રહે
- એનએચએસમાં વેઇટિંગ લિસ્ટઃ દરસપ્તાહે સાંજે અને સપ્તાહાંતમાં પણ વધારાની 40,000 એપોઇન્ટમેન્ટ સુનિશ્ચિત કરાશે, કરચોરી અને નોન ડોમમાં રહેલા છીંડા દૂર કરીને ભંડોળ ઊભું કરાશે
- નવું બોર્ડર સિક્યુરિટી કમાન્ડઃગેરકાયદેસર માઇગ્રન્ટ્સને લઇને આવતી બોટની સંચાલક અપરાધી ગેંગો નાબૂદ કરવા નવા સેંકડો સ્પેશિયાલિસ્ટ અધિકારીઓ નિયુક્ત કરાશે અને તેમની સામે આતંકવાદના કાયદાનો ઉપયોગ કરાશે
- ગ્રેટ બ્રિટિશ એનર્જીની સ્થાપનાઃ એનર્જી બિલ ઘટાડવા અને એનર્જીસિક્યુરિટી વધારવા નવી સરકારી માલિકીની ક્લીન પાવર કંપની સ્થપાશે, આ માટેનું ભંડોળ વિન્ડફોલ ટેક્સ દ્વારા ઊભું કરાશે
- અસામાજિક અને અપરાધિક તત્વો સામે કાર્યવાહીઃ વધુ પોલીસ કર્મચારીઓની નિયુક્ત કરાશે, આ ખર્ચ ઉઠાવવા નકામા કોન્ટ્રાક્ટ રદ કરાશે, અપરાધીઓ માટે નવા આકરા દંડની જોગવાઇ કરાશે, યૂથ હબનું નવું નેટવર્ક શરૂ કરાશે
- નવા શિક્ષકોની નિયુક્તિઃ બાળકોને જીવન, કારકિર્દી અને ભવિષ્ય માટે તૈયાર કરવા મહત્વના વિષયો માટે 6500 નવા શિક્ષકોની ભરતી કરાશે, તેના ખર્ચને પહોંચી વળવા પ્રાઇવેટ સ્કૂલોને અપાતા ટેક્સ બ્રેકનો અંત આવશે
નેટ માઇગ્રેશન ઘટાડશે પરંતુ કેવી રીતે તેની સ્પષ્ટતા નહીં
લેબર પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં નેટ માઇગ્રેશન ઘટાડવાની જાહેરાત તો કરી છે પરંતુ કેવી રીતે ઘટાડશે તે અંગે ચોક્કસ કોઇ સ્પષ્ટતા કરી નથી. પાર્ટી દ્વારા તે માટે કોઇ લક્ષ્યાંક પણ જાહેર કરાયો નથી. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આપણે ઇમિગ્રેશન ઘટાડવાની જરૂર છે. ટોરી પાર્ટી દેશની સરહદો પરનું નિયંત્રણ ગુમાવી બેઠી છે.
7.3 બિલિયન પાઉન્ડના નેશનલ વેલ્થ ફંડની રચના કરાશે
- બંદરોના અપગ્રેડેશન અને સપ્લાય ચેઇનના નિર્માણ માટે 1.8 બિલિયન પાઉન્ડ
- નવી ગિગા ફેક્ટરીઓની સ્થાપના માટે 1.5 બિલિયન પાઉન્ડ
- સ્ટીલ ઇન્ટસ્ટ્રીના પુનઃનિર્માણ માટે 2.5 બિલિયન પાઉન્ડ
- કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે 1 બિલિયન પાઉન્ડ
- ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે 500 મિલિયન પાઉન્ડ
કરવેરાની માયાજાળ ધરાવતો ચૂંટણી ઢંઢેરોઃ જેરેમી હન્ટ
સુનાક સરકારના ચાન્સેલર જેરેમી હન્ટે કેર સ્ટાર્મર દ્વારા રજૂ કરાયેલા લેબર પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને કરવેરાની માયાજાળ ધરાવતો ઢંઢેરો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ લેબર પાર્ટીની કરવેરાની જાળ છે જેમાં કરવેરામાં રાહત આપવાની કોઇ વાત જ નથી. લેબર પાર્ટીની યોજના પ્રમાણે તો દેશમાં કરવેરાનું સ્તર ઐતિહાસિક સ્તર પર પહોંચી જશે.