લંડનઃ બ્રેક્ઝિટના મુદ્દે પરાજ્ય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે ત્યારે ભાવિ વડા પ્રધાન કોણ હશે તે બાબતે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. બ્રેક્ઝિટના કર્ણધાર અને લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સન કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બની વડા પ્રધાન બને તેવી સંભાવના પ્રબળ જણાય છે. જોકે, તેમના માટે પણ માર્ગ સરળ નહિ હોય. હોમ સેક્રેટરી થેરેસા મે, નિકી મોર્ગન, પ્રીતિ પટેલ, માઈકલ ગોવ સહિતના નેતાઓ પણ ટોરી પાર્ટીના નેતા બનવાની હોડમાં છે. જોકે, માઈકલ ગોવે તેઓ આ સ્પર્ધામાં નહિ હોવાની સ્પષ્ટતા કરી હોવાં છતાં પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે.
બોરિસ જ્હોન્સન અને જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવે તેમના અભિયાનના વિજય પછી પણ અભિમાન દર્શાવ્યું નથી અને ડેવિડ કેમરનની નેતાગીરીની ભારે પ્રશંસા કરી હતી. બન્નેમાંથી કોઈએ ડેવિડ કેમરનનું સ્થાન સંભાળવાની ઈચ્છા પણ જાહેર કરી ન હતી. જોકે, પાર્ટીના નેતા બનવાની જ્હોન્સનની વર્ષો જૂની મહેચ્છા જાહેર છે. બ્રેક્ઝિટ અભિયાનની સફળતા પછી જ્હોન્સન, ગોવ અને ગિસેલા સ્ટુઅર્ટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જ્હોન્સને કેમરનના રાજીનામા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, UKIPના નેતા નાઈજેલ ફરાજે બ્રેક્જિટના વિજયમાં પોતાનો જ મોટો ફાળો હોય તેવી માનસિકતા દર્શાવી છે.
બોરિસ જ્હોન્સનઃ બુકીઓના મતે પૂર્વ મેયર અને લીવ છાવણીના કર્ણધાર જ્હોન્સન રેસમાં સૌથી આગળ છે. લીવ કેમ્પેઈન દરમિયાન તેમણે જે રીતે આગળ પડતો પ્રચાર કર્યો તેના પછી કાર્યકરો અને બ્રેક્ઝિટના તરફદાર ૧૩૦ ટોરી સાંસદોમાં તેમની લોકપ્રિયતા વધી છે. જ્હોન્સને વડા પ્રધાન બનવા અંગે અત્યાર સુધી પ્રશ્નો ટાળ્યા છે, પરંતુ હવે તેઓ રિંગમાં હેટ ફેંકે તે લગભગ ચોક્કસ છે.
થેરેસા મેઃ જ્હોન્સનને આગળ વધતા અટકાવવા રીમેઈન કેમ્પના સાંસદો માટે હોમ સેક્રેટરી થેરેસા મે પસંદગી બની શકે છે. બ્રિટિશ રાજકારણમાં અત્યંત શાંત વ્યક્તિત્વ ધરાવતાં થેરેસા મે વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાથી અળગાં નથી. જોકે, કેમરન અને ઓસ્બોર્નથી વિરુદ્ધ થેરેસા મેઈન પ્રચારમાં પૂરજોશથી સામેલ થયાં ન હતાં. જોકે, તેઓ પાર્ટીની યુરોપસંશયી અને સુધારાવાદી પાંખો વચ્ચે સેતુ તરીકે તરીકે પોતાને આગળ કરી શકે છે. તેઓ ટોરી પાર્ટીમાં રોજબરોજના ટંટાફિસાદથી પોતાને અળગાં રાખવામાં સફળ રહ્યાં છે. પ્રચાર દરમિયાન માનવ અધિકારોના મુદ્દે યુરોપિયન કન્વેન્શનમાંથી બહાર નીકળવાની તરફેણ કરી તેમણે યુરોપસંશયીઓની લાગણી પણ જીતી છે. જહોન્સનની રમૂજી ઈમેજથી વિરુદ્ધ થેરેસા ગંભીરતા અને કટોકટીમાં સ્થિરતાની છબી માટે જાણીતાં છે. સતત છ વર્ષ હોમ સેક્રેટરીની મહત્ત્વની કામગીરી બજાવી છે.
જ્યોર્જ ઓસ્બોર્નઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અત્યાર સુધી ટોરી પાર્ટીના નેતાપદ માટે મજબૂત ઉમેદવાર ગણાતા હતા. જોકે, ગાઢ મિત્ર કેમરનની સાથે રીમેઈન કેમ્પના પ્રચારમાં મજબૂતપણે સામેલ થઈ તેમણે આ તક રોળી નાખી હોવાનું કહેવાય છે. નવી કેબિનેટમાં જો સ્થાન મળે તો ભવિષ્યમાં દાવો કરવા તેમણે પોતાને પુનઃસ્થાપિત કરવા પડશે. બ્રેક્ઝિટનો નિર્ણય આવશે તો ભારે કરવેરા અને ખર્ચકાપ સાથેનું બજેટ આપવાની ઓસ્બોર્નની ચેતવણી ખુદ તેમને ભારે પડી છે. ટોરી પાર્ટીના જ ૬૫ જેટલા સાંસદોએ આવા બજેટનો વિરોધ કરવાની ચિમકી પણ આપી હતી. માર્ચ મહિનામાં ડિસેબિલિટી કાપના મુદ્દે પણ ઓસ્બોર્નનો ભારે વિરોધ થયો હતો.
માઈકલ ગોવઃ જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવ બ્રેક્ઝિટ છાવણીમાં અગ્રેસર રહ્યા છે અને પાયાના કાર્યકરોનો તેમને ભારે ટેકો છે. કન્ઝર્વેટિવ હોમ વેબસાઈટના પોલ મુજબ ૩૧ ટકા ટોરી સભ્યો કેમરનના અનુગામી તરીકે ગોવને પસંદ કરી રહ્યા છે. જોકે, ગોવે વારંવાર કહ્યું છે કે તેમને વડા પ્રધાન બનવામાં કોઈ રસ નથી અને રેફરન્ડમ પછી પણ તેમની કેમરન સાથેની મિત્રતા યથાવત રહેશે. ગોવને નાયબ વડા પ્રધાન તરીકે લેવાય તેવી પણ શક્યતા છે.