લંડન: ગોલ્ડફિશને સામાન્ય રીતે નાની માછલી માનવામાં આવે છે. મોટા ભાગે તો લોકો તેને ઘરના એક્વેરિયમમાં કે ફિશ બાઉલમાં રાખતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય 30 કિલો વજનની વિશાળકાય ગોલ્ડફિશ જોઈ છે? એક બ્રિટિશ માછીમારે ફ્રાન્સમાં આવી જ એક વિશાળકાય ગોલ્ડફિશ પકડી છે.
બ્રિટિશ ફિશરમેન એન્ડી હેકેટ ફ્રાન્સમાં શેમ્પેનના બ્લૂવોટર લેકમાં માછલી પકડી રહ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં 30 કિલોગ્રામની ગોલ્ડફિશ આવી હતી. તેમણે આ વિશાળ ગોલ્ડફિશનુ નામ ‘ધ કેરેટ’ રાખ્યું છે. આ માછલી ઓરેન્જ કલરની છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અત્યાર સુધીમાં પકડાયેલી સૌથી મોટી ગોલ્ડફિશ છે.
આ પહેલા વર્ષ 2019માં અમેરિકામાં એક માછીમારે લગભગ 17 કિલોની ગોલ્ડફિશ પકડી હતી. બ્રિટિશ માછીમારે જણાવ્યું કે મને હંમેશા ખબર હતી કે આ લેકમાં વિશાળ ગોલ્ડફિશ હોય છે પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહતું કે તેને હું પકડી શકીશ. આ માછલી પકડવાનો અનુભવ શાનદાર રહ્યો. મને લાગે છે કે મારું નસીબ સારું હતું.