બ્રિટનના વિદેશ વિભાગમાં નાયબ વડા તરીકે દક્ષિણ ગુજરાતના શકીલ મિલાનની નિયુક્તિ

શકીલ મુલાન ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેંટ આફિસમાં નાયબ વડા તરીકે ફરજ બજાવશે

Tuesday 10th September 2024 11:27 EDT
 
 

અમદાવાદઃ બ્રિટનની સરકારે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વેપાર વધુ મજબૂત બનાવવા માટે બ્રિટનના વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે શકીલ મુલાનની નિયુક્તિ કરી છે. સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર  કોરોનાકાળ દરમિયાન બ્રિટિશ એશિયન સમુદાય તરફથી ભારત પાસેથી મદદ મેળવવામાં શકીલ મુલાને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

શકીલ મુલાનનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. જો કે, તેમનું પૈતૃક ઘર દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા નજીક ગણદેવી તાલુકાના અલીપોર ગામમાં છે. શકીલ મુલાનના માતા ચીખલી નજીકના અલીપોર ગામનાં મૂળવતની છે. તેમ જ શકીલ મૂલાનના પત્ની બિલીમોરાનાં વતની છે. પરદેશમાં ઉછેર થયો હોવા છતાં સ્વદેશની માટીથી દૂર નહીં રહી શકનારા શકીલ અવારનવાર ભારત આવે છે. વતનની મુલાકાત લેતા હોવાથી ભારતીય સંસ્કૃતિ સાથેના જોડાણને વધુ મજબૂત બનાવે છે. શકીલનો જન્મ યુકેમાં થયો છે. ઉછેર બ્રિટનમાં હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે જોડાયેલા રહ્યાં છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર પ્રશંસનીય પકડ ધરાવે છે.

શકીલ મૂલાન બ્રિટન ગર્વન્મેન્ટમાં વિતેલા 17 વર્ષથી સરકારી સેવામાં ફરજ બજાવે છે. વર્ષ 2016થી 2020 દરમિયાન તેમણે ભારતની બ્રિટન એમ્બેસીમાં વિઝા વિભાગના સિનિયર ઓફિસર તરીકે કામ કર્યું હતું. ભારત બાદ બેઇજિંગમાં અને ત્યારબાદ લંડનમાં ફોરેન મિનિસ્ટ્રીમાં એન્ટી કરપ્શન વિભાગમાં ફરજ બજાવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી જોઈ બ્રિટનની સરકારે તેમની ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેંટ આફિસમાં નાયબ વડા તરીકે નિમણૂક કરી છે. તેઓ માને છે કે, ભારત અને યુકે વચ્ચેનો સારો સંબંધ બંને દેશોને માટે જરૂરી છે. 

ઈમિગ્રેશન સેવાઓને પ્રોત્સાહન આપવા વિશેષ સન્માન

શકીલ મુલાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ઈમિગ્રેશન સેવાઓને પ્રોત્સાહન આપવા માટે 'Certificate of Excellence' એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારંભ બ્રિટિશ સંસદમાં યોજાયો હતો, જેમાં પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે બ્રિટિશ સાંસદ જોય મોરીસ, પાંચ વખત સાંસદ અને સિનિયર લેબર પાર્ટી લીડર વિરેન્દ્ર શર્મા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના પ્રમુખ સંતોષ શુક્લા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે 30 દેશોના 60 વ્યક્તિઓને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter