લંડનઃ બ્રિટનની ટોચની જાસૂસી સંસ્થા ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન્સ હેડક્વાર્ટર્સ (GCHQ) એ પોતાની સાઈબર સુરક્ષા માટે પૂણેની સ્ફેરિકલ ડિફેન્સ નામની સાઈબર સિક્યોરિટી કંપનીનો સ્ટાર્ટ અપ દ્વારા સંપર્ક સાધ્યો છે. GCHQ એજન્સીએ જ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીનો એનિગ્મા કોડ ક્રેશ કર્યો હતો.
સ્ફેરિકલ ડિફેન્સના સંસ્થાપકો દિશાંત શાહ અને જૈફ હોપકિન્સ છે. બન્નેની ઉંમર માત્ર ૨૩ વર્ષ છે. તેમનું સ્ટાર્ટઅપ કોમ્યુનિકેશન પેટર્ન તૈયાર કરવા માટે ‘ડીપ લર્નિંગ’નો ઉપયોગ કરે છે. તેના સહસંસ્થાપક દિશાંત શાહે જણાવ્યું હતું કે બ્રિટનની ટોચની જાસૂસી સંસ્થા સાથે કામ કરવાની ઓફર મળ્યા બાદ અમારી કંપનીને વૈશ્વિક ઓળખ મળી છે. તેને લીધે નવા કોર્પોરેટ પાર્ટનર અને ગ્રાહક મેળવવાની અમારી ક્ષમતામાં પણ વધારો થયો છે. આ સ્ટાર્ટઅપ દ્વારા એક બેંકિંગ ઈન્ટ્રયુઝન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જે ગ્રાહકોને સાઈબર સુરક્ષા પૂરી પાડે છે. તેના ક્લાયન્ટ્સમાં ઓયો રૂમ્સ, પેટીએમ,આઈસીઆઈસીઆઈ બેંક જેવી મોટી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
બ્રિટનની જાસૂસી સંસ્થાની ઓફર મળ્યા બાદ શાહ અને હોપકિન્સે તેમની મુખ્ય ઓફિસ બ્રિટનના ચેલ્ટનહેમ ખાતે શીફ્ટ કરી છે. શાહે જણાવ્યું હતું કે GCHQ સાથે જોડાયા બાદ અમારા માટે બેંકોનો સંપર્ક કરવાનું અને તેમની સમક્ષ અમારા આઈડિયા રજૂ કરવાનું ખૂબ સહેલું બની ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે જાસૂસી એજન્સી સાથે કામ કરવું એ અમારા માટે પણ ખૂબ રસપ્રદ અનુભવ રહેશે.