બ્રિટનની વિઝાનીતિની ભારતીયો પર નકારાત્મક અસરઃ મોદી

Wednesday 07th September 2016 06:25 EDT
 
 

લંડન, હાંગઝોઉઃ જી-૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે પ્રથમ વખત મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતમાં બ્રિટનની ભારતીયો માટેની વિઝાનીતિનો મામલો ઉઠાવ્યો હતો. મોદીએ મેને જણાવ્યું હતું કે, બ્રિટનની નવી વિઝા નીતિ બ્રિટનની ટૂંકાગાળાની બિઝનેસલક્ષી મુલાકાત લેવા ઇચ્છતા ભારતીય પ્રોફેશનલો પર નકારાત્મક અસર પાડી શકે છે.

યુરોપિયન યુનિયન છોડવાના બ્રિટનના નિર્ણયના પગલે ભારત સાથે દ્વિપક્ષી સંબંધો વધારવાના મુદ્દે પણ બન્ને નેતાઓ વચ્ચે વાચતીત થઈ હતી. વડાપ્રધાન મોદીએ બ્રિટિશ કંપનીઓને મેક ઇન ઇન્ડિયા ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

થેરેસા મે સાથેની મુલાકાતમાં મોદીએ આતંકવાદના પડકાર અંગે પણ સવિસ્તાર ચર્ચા કરી હતી. મોદીએ મેને જણાવ્યું હતું કે આતંકવાદ વિશ્વ સમક્ષનો સૌથી મોટો પડકાર છે અને તેને કોઈ સીમાડા નડતા નથી.

થેરેસા મેએ ૨૭ જુલાઈએ બ્રિટનના વડા પ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે વડા પ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ દ્વિપક્ષી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ટેલિફોનિક વાતચીતમાં થેરેસાએ મોદીનો આભાર માનતા ભારત સાથે સંબંધો વિકસાવવા અને સહકાર વધારવા સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter