લંડનઃ બ્રિટનની સંસદીય ચૂંટણીમાં દસ ભારતવંશી ઉમેદવારો ચૂંટાયા છે. જેમાં કિથ વાઝ, પ્રીતિ પટેલ, શૈલેષ વારા જેવા નામો મુખ્ય છે. કોણ છે ભારતીયો અને કઇ બેઠકો પરથી તેઓ ચૂંટણી જીત્યા છે?
• કિથ વાઝઃ લેબર પાર્ટીના ઉમેદવાર કિથ વાઝ લેસ્ટર ઇસ્ટની બેઠક પરથી ચૂંટાયા છે. તેઓ વર્ષ ૧૯૮૭થી સાંસદ છે. ભારતીય સમુદાયનો આ જાણીતો ચહેરો બ્રિટનના રાજકારણમાં પણ વજનદાર સ્થાન ધરાવે છે.
• વિરેન્દ્ર શર્માઃ વિરેન્દ્ર શર્મા ઇલિંગ સાઉથોલ બેઠકનું સંસદમાં પ્રતિનિધિત્વ કરશે. લેબર પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલા વિરેન્દ્ર શર્મા ૨૦૦૭થી આ બેઠક પરથી જીતે છે.
• પ્રીતિ પટેલઃ શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રભાવશાળી નેતા અને મધ્ય ગુજરાતના ચરોતરના વતની પ્રીતિ પટેલે પોતાની વ્હીટહામ બેઠકને જાળવી છે. પ્રીતિબહેને ૨૭,૧૨૩ મત મેળવ્યા છે. તેઓ બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાયના સમર્થક તરીકે જાણીતા છે.
• ઋષિ સુનાવઃ ભારતની દિગ્ગજ સોફ્ટવેર કંપનીના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ ઋષિ સુનાવ કન્ઝર્વેટિવ પાર્ટીનો ગઢ ગણાતી રિચમંડ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને વિજય મેળવ્યો. પહેલી જ વખત સંસદીય ચૂંટણી લડનાર સુનાવે ચૂંટણીમાં યુકે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના મેથ્યુ કૂકને હરાવ્યા છે.
• આલોક શર્માઃ કન્ઝર્વેટિવ પાર્ટીના આલોક શર્મા રિડિંગ વેસ્ટ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે લેબર પાર્ટીનાં ઉમેદવાર વિક્ટોરિયા બોયલેફને હરાવ્યા છે.
• શૈલેષ વારાઃ કન્ઝર્વેટિવ પાર્ટીના શૈલેશ વારા કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ બેઠક પરથી જીત્યા છે. તેઓ આ બેઠક પરથી અગાઉ ૨૦૦૫ અને ૨૦૧૦માં પણ ચૂંટાયા હતા.
• સુએલા ફર્નાન્ડિઝઃ પહેલી જ વખત ચૂંટણી લડીને સંસદમાં પહોંચેલા સુએલા ફર્નાન્ડિઝ ફેરહામથી ચૂંટાયા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટાયેલા સુએલા વ્યવસાયે બેરિસ્ટર છે.
• લીસા નંદીઃ લેબર પાર્ટીનાં લીસા નંદીએ વિગન બેઠક પરથી ચૂંટણી જીતી છે. લીસાએ ૨૦૦૧માં ન્યૂ કેસલ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
• વેરેલી વાઝઃ લેબર પાર્ટી સાથે જોડાયેલાં વેલેરી વાઝ કિથ વાઝના બહેન છે. તેઓ વોલસોલ સાઉથ બેઠકને જાળવવામાં સફળ રહ્યા છે.
• સીમા મલ્હોત્રાઃ લેબર પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણીજંગમાં ઝૂકાવનાર સીમા મલ્હોત્રા સાઉથ વેસ્ટ લંડનની બેઠક પર પોતાનું વર્સચ જાળવવામાં વધુ એક વખત સફળ રહ્યા છે.