લંડનઃ બ્રિટનના સૌથી જૂના ભારતીય રેસ્ટોરન્ટ પર બંધ થઇ જવાનું જોખમ તોળાઇ રહ્યું છે. રેસ્ટોરન્ટના માલિક તેના માટે કિંગની પ્રોપર્ટી કંપની સાથે ચાલી રહેલા વિવાદને જવાબદાર ગણાવી રહ્યા છે. પિકાડિલી સર્કલ પાસેના વિક્ટરી હાઉસમાં આવેલ વીરાસ્વામી રેસ્ટોરન્ટનો પ્રારંભ 1926માં થયો હતો અને પ્રિન્સેસ એન, લોર્ડ કેમેરોન ઓફ ચિપિંગ નોર્ટન અને જોર્ડનના કિંગ અબ્દુલ્લા સહિતના મહાનુભાવો આ રેસ્ટોરન્ટની અવારનવાર મુલાકાત લેતાં રહ્યાં છે.
આ ઇમારતની માલિકી ક્રાઉન એસ્ટેટની છે અને વીરાસ્વામીની લીઝ જૂન મહિનામાં પૂરી થઇ રહી છે. વીરાસ્વામીની માલિકી ધરાવતી કંપની એમડબલ્યૂ ઇટને ક્રાઉન એસ્ટેટે જણાવ્યું છે કે તે હવે લીઝ રીન્યૂ નહીં કરે. આ રેસ્ટોરન્ટના સ્થાપક જનરલ વિલિયમ પાલ્મર અને મુઘલ પ્રિન્સેસ ફૈસાન નિસા બેગમના પ્રપૌત્ર એડવર્ડ પાલ્મર હતા. તેમણે પોતાની પરદાદીની સલાહ પ્રમાણે આ રેસ્ટોરન્ટનું મેનૂ તૈયાર કર્યું હતું.
ક્રાઉન એસ્ટેટે માલિકોને ગયા વર્ષે બિલ્ડિંગમાં વધુ જગ્યા લેવાની ઓફર આપી હતી પરંતુ માલિકોએ તેનો અસ્વીકાર કર્યો હતો. હવે ક્રાઉન એસ્ટેટ કહે છે કે તે રેસ્ટોરન્ટની જગ્યા પરત લેવા માગે છે કારણ કે તે ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસો તૈયાર કરવા માગે છે. ક્રાઉન એસ્ટેટે અન્ય વિકલ્પ ન મળે ત્યાં સુધી રેસ્ટોરન્ટને પરવાનગીનો પણ ઇનકાર કરી દીધો છે.