પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ વચ્ચેના અબોલા યથાવત...
લંડનઃ લેડી ડાયનાના બહેનના પતિ લોર્ડ રોબર્ટ ફેલોસની અંતિમ ક્રિયામાં હાજર રહીને પ્રિન્સ હેરીએ સૌ કોઇને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં. પરંતુ આ અંતિમ ક્રિયામાં પણ પ્રિન્સ હેરી અને પ્રિન્સ વિલિયમ વચ્ચે કોઇ પ્રકારનો સંવાદ જોવા મળ્યો નહોતો. બંને ભાઇઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અબોલા ચાલી રહ્યાં છે અને રાજવી પરિવારના ચાહકોની ઇચ્છા છે કે બંને ભાઇઓ વચ્ચે સમાધાન સધાય..
10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લેરીના આધિપત્યને જોજોનો પડકાર
લંડનઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બિલાડા લેરીનું આધિપત્ય સમાપ્ત થવા આરે છે. નવા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરનું નવું પારિવારિક પેટ એવું સાઇબિરિયન બિલાડીનું બચ્ચું જોજો હવે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવા આવી ગયું છે. હવે લેરી જોજોનું કેવું સ્વાગત કરે છે અને બંને વચ્ચે કેવા સંબંધ જળવાય છે તેના પર સૌની નજર છે...
વિચલિત કરતું હોવાથી સ્ટાર્મરે માર્ગારેટ થેચરનું તૈલચિત્ર હટાવડાવ્યું
લંડનઃ વડાપ્રધાન કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરનું 1,00,000 પાઉન્ડ મૂલ્યનું તૈલચિત્ર હટાવતા મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. 2009માં તત્કાલિન વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને માર્ગારેટ થેચરને શ્રદ્ધાંજલિ આપવા માટે આ તૈલચિત્ર મૂકાવ્યું હતું. સ્ટાર્મરને આ તૈલચિત્ર વિચલિત કરનારું લાગતું હતું તેથી તેને થેચર રૂમમાંથી હટાવી લેવાનો આદેશ આપ્યો હતો. સ્ટાર્મરના આ નિર્ણયથી માર્ગારેટ થેચરના ઘણા સમર્થકો નારાજ થયાં છે.
અભ્યાસના 60 વર્ષ બાદ 90 અને 95 વર્ષની બે બહેનોને ઓનરરી ડિગ્રી
લંડનઃ અભ્યાસ પૂરો કર્યાના 60 વર્ષ બાદ બે બહેનોને ઓનરરી ડિગ્રી એનાયત કરાશે. અત્યારે તેમની ઉંમર 90 અને 95 વર્ષ છે. એઇલીન મેકલિઓડ અને મૌરીન બેડફોર્ડે 1940 અને 1950ના દાયકામાં બેડફોર્ડ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે તાલીમ લીધી હતી પરંતુ વિધિવત ડિગ્રી પ્રાપ્ત કરી નહોતી. હવે આ બંને બહેનને પીઇ ટીચર્સ તરીકે તાલીમ માટે ઓનરરી ડિગ્રી અપાશે. એસેક્સમાં રહેતી મૌરીને જણાવ્યું હતું કે, હું ડન્ડીમાં રહેતી મારી બહેન એઇલીન સાથે ગ્રેજ્યુએશન સેરેમનીમાં હિસ્સો લેવા રોમાંચિત છું.
અલકા યાજ્ઞિકની નાદુરસ્ત તબિયતના કારણે રિવાઇન્ડ કોન્સર્ટ રદ
લંડનઃ લંડન અને બર્મિંગહામમાં સપ્ટેમ્બર માસમાં યોજાનારી રિવાઇન્ડ ક્વીન્સ કોન્સર્ટ રદ કરી દેવાઇ છે. આ કોન્સર્ટમાં અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુરાધા પૌડવાલ અને એલિશા ચિનોય જેવી મહાન ગાયિકા ભાગ લેવાની હતી. આયોજકોએ જણાવ્યું છે કે અલકા યાજ્ઞિકની નાદુરસ્ત તબિયતના કારણે આ કોન્સર્ટ હાલ મોકુફ રખાઇ છે. હવે તેનું આયોજન જાન્યુઆરી 2025માં થશે. અમારા માટે અલકા યાજ્ઞિકની તુંદરસ્તી ટોચની પ્રાથમિકતા છે.
પૌત્રને ટ્રેક્ટરમાં સાથે બેસાડી હંકારનાર ખેડૂતને 3500 પાઉન્ડનો દંડ
લંડનઃ પૌત્રને ટ્રેક્ટરમાં પોતાની સાથે હંકારવાની પરવાનગી આપનાર એક ખેડૂતને 3500 પાઉન્ડનો દંડ કરાયો છે. એક પાડોશીએ આ અંગે હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવને ફરિયાદ કરતાં 78 વર્ષીય વિલિયમ વોલ્ટર્સને અગાઉ આ માટે ચેતવણી અપાઇ હતી. હેલ્થ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત 13 વર્ષથી નાના બાળકને ટ્રેક્ટર પર સાથે રાખીને હંકારવાની પરવાનગી નથી.