લંડનઃ બ્રિટને રાષ્ટ્રીય દેવાંમાં નવો વિક્રમ સર્જ્યો છે. બ્રિટનનું દેવું એક દાયકા અગાઉ ૨૦૦૬માં ૫૦૦ બિલિયન પાઉન્ડ હતું, જે વધીને વિક્રમી £૧,૬૪૦,૦૦૦,૦૦૦,૦૦૦ એટલે કે ૧૬૪૦ બિલિયન (૧.૬૪ ટ્રિલિયન) પાઉન્ડ થયું છે. આનો અર્થ એમ થાય કે દરેક બ્રિટનવાસીના માથે ૨૫,૦૦૦ પાઉન્ડનું દેવું છે.
જોકે, એક આશ્વાસન લઈ શકાય કે ૧૪ વર્ષમાં પહેલી વખત દેવાંની વૃદ્ધિ અર્થતંત્ર કરતા ધીમાં દરે થઈ છે. ઓક્ટોબર ૨૦૧૫થી ઓક્ટોબર ૨૦૧૬ના ગાળામાં જ દેવું ૫૦.૯ બિલિયન પાઉન્ડ વધી ગયું હતું. વેટ અને કોર્પોરેશન ટેક્સની આવકોમાં ઉછાળો આવ્યો હોવાં છતાં સરકારે ટેક્સની આવક કરતા વધુ ખર્ચ કર્યો હોવાથી ઓક્ટોબરમાં વધુ ૪.૮ બિલિયન પાઉન્ડ કરજ લેવાની ફરજ પડી હતી. જોકે, ૨૦૦૮ પછી પહેલી વખત આ ખાધ સૌથી ઓછી હતી અને ગત વર્ષના ઓક્ટોબરની સરખામણીએ ૨૫ ટકા ઓછી હતી.
બ્રેક્ઝિટ મતદાન પછી બ્રિટન વિશ્વમાં સૌથી સારી કામગીરી ધરાવતું મોટુ અર્થતંત્ર છે અને ૨૦૦૨ પછી પહેલી વખત રાષ્ટ્રીય આવકની ટકાવારી તરીકે કરજ ઘટ્યું છે. આનો અર્થ એ થાય કે ૧૪ વર્ષ પછી પહેલી વખત રાષ્ટ્રીય દેવાંની સરખામણીએ અર્થતંત્ર વધુ ઝડપે વિસ્તરી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઋણ રાષ્ટ્રીય આવકના ૮૪.૩ ટકા હતું, જે આ વર્ષે ઓક્ટોબરમાં ઘટીને ૮૩.૮ ટકા થયું હતું.