નવી દિલ્હી, લંડનઃ બ્રિટનના નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના તાજને શોભાવતો કોહિનૂર હીરો ભારતનો છે અને તે સ્વદેશ પરત લાવવો જોઇએ તેવી દાયકાઓ જૂની માગણીથી વિપરિત ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે ભારત કોહિનૂર પર પોતાનો દાવો કરી શકે નહીં. આ સુપ્રસિદ્ધ કોહિનૂર હીરાને કોઇએ (બ્રિટિશ સલ્તનતે) ચોર્યો નથી કે બળજબરીથી આંચકી પણ લીધો નથી, પરંતુ પંજાબના મહારાજા દ્વારા ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ તરીકે આપવામાં આવ્યો છે.
બીજી તરફ, બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે શક્ય છે કે કોહિનૂર હીરા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન ડેવિડ કેમરન વચ્ચે ડીલ થયું હોય. ઇંગ્લેન્ડની રાણીના ૯૦મા જન્મદિને ભારત તરફથી આ બ્રિટનને નવી ભેટ છે. ઉલ્લેખનીય છે કે સાંસદ કિથ વાઝ છેલ્લા ઘણાં વર્ષોથી કોહિનૂર હીરો ભારતને પરત કરવાની માગ કરી રહ્યા છે.
ભારત સરકાર વતી રજૂઆત કરતા સોલિસીટર જનરલ રણજીત કુમારે સોમવારે ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરની બેન્ચને જણાવ્યું હતું કે ‘કોહિનૂર હિરાની ચોરી થઇ નહોતી કે બળજબરીથી તેને કોઇ લણ ગયા નથી. બલ્કે શીખ યુદ્ધોમાં મદદ કરવા બદલ ૧૮૪૯માં મહારાજ રણજિત સિંહના વારસદાર દુલીપ સિંહે ૧૦૫ કેરેટનો આ મૂલ્યવાન હીરો ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ તરીકે આપ્યો હતો.’
સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે વિશ્વમાં સૌથી મૂલ્યવાન ગણાતા આ હીરાને પરત મેળવવા સરકાર દાવો કરવા વિચારે છે કે કેમ. જવાબમાં સોલિસીટર જનરલે કહ્યું હતું કે આ હીરાને પરત લાવવા માટે સંસદમાં અનેક વખત માગણી કરવામાં આવી છે. જો આપણે કોહિનૂર જેવા ખજાનાને અન્ય દેશો પાસેથી પરત માંગીશું તો પછી કેટલાક દેશો આપણી પાસેથી તેમની વસ્તુઓ પાછી માગશે. આ પછી તો આપણા મ્યુઝિયમમાં કંઇ બચશે જ નહીં.
સુપ્રીમ કોર્ટની ચેતવણી
સોલિસીટર જનરલની આ રજૂઆતના પ્રતિભાવમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બ્રિટન પાસેથી કોહિનૂર હીરો પરત મેળવવા ભારત સરકાર પગલાં લે તેવી માગણી સાથે થયેલી જાહેર હિતની અરજી જો ફગાવી દેવામાં આવશે તો તે ૨૦ કરોડ ડોલરની કિંમતના મૂલ્યવાન હીરા પરના ભારતના કાયદેસરના અધિકારને નકાર્યા બરાબર રહેશે. સુપ્રીમ કોર્ટે આ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે જાહેર હિતની અરજી ફગાવી દેવાશે તો સરકારને તે પરવડશે નહીં.
સાંસ્કૃતિક મંત્રાલયે કોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે કોહિનૂર હીરો બળજબરીપૂર્વક કે ચોરી કરીને નહોતો લઈ જવાયો, પરંતુ પંજાબના શાસકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યો હતો. આ પછી કોર્ટે આ મુદ્દે ભારત સરકાર વિસ્તૃત સોગંદનામું રજૂ કરે તેમ જણાવતાં આ ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વિદેશ મંત્રાલયે હજી કોર્ટ સમક્ષ તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
કોર્ટે પૂછ્યું હતું કે સરકાર સાંસ્કૃતિક મંત્રાલયે રજૂ કરેલાં વલણ મુજબ જ દાવો કરવા માગે છે? કોર્ટે ચેતવણી આપી હતી કે તે અરજી ફગાવી દેવા માગતી નથી. કોર્ટ જો આ અરજી ફગાવી દેશે તો તમારી કોર્ટે જ દાવાને ફગાવી દીધો છે અને તે રાહે સરકારના કાયદેસરના અધિકારને નકાર્યો ગણાશે. અરજી ફગાવી દેવામાં આવશે તો તે સરકારને પરવડશે નહીં કારણ કે તેના પરિણામે કોહિનૂર પરના દાવામાં કાનૂની અવરોધ સર્જાશે.
ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર અને જસ્ટિસ યુ. યુ. લલિતની બનેલી બેન્ચે સરકારને છ સપ્તાહમાં પોતાનો પ્રતિભાવ રજૂ કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં ટીપુ સુલતાનની વીંટી સહિત બદાદુર શાહ ઝફર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નવાબ મીર અહમદ બાંદા અને અન્ય ભારતીય શાસકોનો ખજાનો બ્રિટનથી પરત લાવવાની અપીલ કરાઈ છે.
કોહિનૂર બ્રિટન કઇ રીતે પહોંચ્યો?
એમ માનવામાં આવે છે કે ૧૮૪૮ના અંગ્રેજો અને શીખો વચ્ચેનાં યુદ્ધ સમયે હીરો બ્રિટનના હાથમાં ચાલ્યો ગયો હતો. તત્કાલીન સગીર શીખ મહારાજા દુલીપ સિંહે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હીરો સોંપી દીધો હતો. બ્રિટિશરોનો દાવો છે કે, શાંતિકરાર અંતર્ગત મહારાજા રણજિત સિંહે અંગ્રેજોને હીરો ભેટમાં આપ્યો હતો.
પાકિસ્તાન પણ દાવો કરી રહ્યું છે
થોડા દિવસો અગાઉ લાહોરની કોર્ટમાં બ્રિટન પાસેથી કોહિનૂર પરત લાવવાની માગ કરતી જાહેર હિતની અરજી થઇ છે. અરજીકર્તા જાવેદ જાફરીએ જણાવ્યું છે કે બ્રિટને દુલીપ સિંહ પાસેથી હીરો છીનવી લેવામાં આવ્યો હતો. દુલીપ સિંહ પદભ્રષ્ટ કરાયા ત્યારે તેઓ હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના મહારાજા હતા.
કોહિનૂર ક્યાંથી આવ્યો તે અંગે રહસ્ય
• થિયરી ૧ઃ બાબરનામા અનુસાર દક્ષિણ ભારતના રાજા પાસેથી કોહિનૂર અલાઉદ્દીન ખિલજીએ લૂંટી લીધો હતો. ખિલજી વંશના શાસક તેને માળવામાં લાવ્યા હતા. માળવાના રાજા હોશંગશાહ ખિલજીએ ગ્વાલિયર પર આક્રમણ કર્યું, પરંતુ તોમર રાજા ડોંગરેન્દ્ર સિંહે ખિલજીને હરાવતા તેણે કોહિનૂર સોંપી દેવો પડયો હતો. ૧૪૬૦થી ૧૫૨૬ સુધી કોહિનૂર તોમર વંશના ખજાનામાં હતો. પાછળથી રાજા વિક્રમાદિત્યની વિધવા મહારાણીએ મોગલ બાદશાહ હુમાયુને કોહિનૂર ભેટમાં આપ્યો હતો.
• થિયરી ૨ઃ અફઘાનશાસકો પાસે કોહિનૂર હીરો હતો, તે પહેલાં હીરો પર્શિયન રાજાઓના ખજાનાની શાન હતો. અફઘાન રાજાએ ભારતમાં રાજ્યાશ્રય લેવા માટે મહારાજા રણજિત સિંહને કોહિનૂર ભેટમાં આપ્યો હતો. શીખ યુદ્ધમાં પરાજય બાદ આ હીરો અંગ્રેજોએ દુલીપ સિંહ પાસેથી છીનવી લીધો હતો.