બ્રિટનને ધમરોળતું વિનાશક વાવાઝોડું

Wednesday 23rd February 2022 05:57 EST
 
 

લંડનઃ યુકેમાં એક સપ્તાહથી ઓછાં સમયમાં સ્ટોર્મ યુનાઈસ પછી ફ્રેન્કલિન વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે. સ્ટોર્મ યુનાઈસે બ્રિટનમાં હાહાકાર મચાવ્યો હતો. દાયકાઓમાં સૌથી વિનાશક ગણાવાયેલા અને ૧૨૨ માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનો સાથે શુક્રવાર, ૧૮ ફેબ્રુઆરીએ ત્રાટકેલા વાવાઝોડાએ ૧૩ વ્યક્તિનો ભોગ લીધો છે. સમગ્ર દક્ષિણ બ્રિટનમાં ૭૦થી ૮૦ માઈલની ઝડપે પવનો ફૂંકાયા હતા. ચોતરફ વિનાશ અને અરાજકતાનું વાતાવરણ છવાઈ ગયું હતું અને યુકેની વસ્તીના ત્રીજા ભાગના એટલે કે આશરે ૨૦ મિલિયન લોકોએ ઝંઝાવાતી પવનોનો સામનો કરવો પડ્યો હતો.
કોર્નવોલના પશ્ચિમ છેડે સેનેન ખાતે લાઈફબોટ સ્ટેશનથી માંડી લંડનમાં મિલેનિયમ ડોમ સહિતના બિલ્ડિંગ્સને પારાવાર નુકસાન થયું હતું. સૂસવાટા મારતા પવનોના લીધે મિલેનિયમ ડોમની પેનલ્સ ઉખડી જવા પછી ૧,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બીજી તરફ, મેઈનલેન્ડ યુરોપમાં એક બ્રિટિશર સહિત પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતા. સોમવારે પ્રતિ કલાક ૧૪૦ કિલોમીટર (૮૭ માઈલ)ની ઝડપે ફૂંકાતા પવનો સાથેના ફ્રેન્કલિન વાવાઝોડાના લીધે ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણીઓ અપાઈ હતી.

૪૫૦થી વધુ ફ્લડ એલર્ટ્સ જારી કરાયા હતા. ૫૬,૦૦૦થી વધુ મકાનોમાં અંધારપટ છવાયો હતો. ઘણા સ્થળે જમીનો ધસી પડવાથી તેમજ વૃક્ષો પડવાથી ટ્રેનસેવા સહિત વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. મિડલેન્ડ્સ અને ઉત્તર ઈંગ્લેન્ડના ડર્બીશાયર, યોર્કશાયર અને વર્સેસ્ટરશાયરમાં ભારે પવન અને ભારે વરસાદથી પૂર આવ્યા હતા. રિવર સેવર્નમાં પૂરના પાણી વધવાથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
૩૨ વર્ષમાં સૌથી ખરાબ સ્ટોર્મ
છેલ્લા ૩૨ વર્ષમાં સૌથી ખરાબ ગણાયેલા સ્ટોર્મ યુનાઈસે બ્રિટનમાં હાહાકાર ફેલાવી દેતા સાઉથ વેસ્ટ અને લંડનમાં ૧૨૨ માઈલ પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાયો હતો. શુક્રવારના વાવાઝોડાં અગાઉ ૩૨ વર્ષ પહેલા ફૂંકાયેલા બર્ન્સ ડે વાવાઝોડામાં પવનોની ગતિ ૧૧૮ માઈલ પ્રતિ કલાકની રહી હતી અને ૪૭ માણસના મોત થયા હતા. યુનાઈસ બ્રિટનમાં આ સિઝનનું પાંચમું તોફાન છે. ગયા વર્ષે નવેમ્બરમાં અરેવન તોફાનથી આ સિઝન શરૂ થઈ હતી. પશ્ચિમ યુરોપમાં બ્રિટન, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને પોલેન્ડમાં વાવાઝોડાને કારણે તીવ્ર પવન ફુંકાયો હતો. બ્રિટનમાં શુક્રવારે વાવાઝોડું ત્રાટક્યા પછી શનિવારે ૮ ઈંચ જેટલો બરફ ખાબકતાં ઈંગ્લેન્ડની સ્થિતિ પડયા પર પાટું જેવી થઈ હતી. લંડનમાં શુક્રવાર, ૧૮ ફેબ્રુઆરીએ રેડ એલર્ટ જારી કરાતા ગભરાટ છવાઈ ગયો હતો. કોર્નવોલમાં ૧૪,૦૦૦ મકાનો વીજવિહોણા રહ્યા હતા તેમજ દેશમાં સેંકડો ફ્લાઈટ્સ અને ટ્રેઈન્સ રદ કરાઈ હતી. સધર્ન, થેમ્સલિંક અને ગ્રેટ નોર્ધર્ન નેટવર્ક સહિતના રેલવે નેટવર્ક પર અનેક ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. શનિવારે પણ વાવાઝોડાના કારણે ૧૦,૦૦૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી. મેટ ઓફિસે જોરદાર વાવાઝોડાના કારણે ઉડતા કાટમાળ, વૃક્ષો અને વીજથાંભલા પડી જવાથી જાનના જોખમની ચેતવણી આપી હતી. સેંકડો શાળાઓ બંધ કરી દેવાઈ હતી. વેલ્સમાં તમામ ટ્રેઈન રદ કરાઈ હતી અને ઈંગ્લેન્ડમાં રેલપ્રવાસ નહિ કરવા અને ઘરમાં જ રહેવા ચેતવણી અપાઈ હતી. વિન્ડસર કેસલ, લંડન ઝૂ, ચેસિંગ્ટન વર્લ્ડ ઓફ એડવેન્ચર્સ, લંડન આઈ, ક્યૂ ગાર્ડન્સ અને લેગોલેન્ડ સહિત મુખ્ય આકર્ષણો બંધ કરી દેવાયા સાથે આર્મીને મદદ માટે તૈયાર રખાયું હતું.
જનજીવન ખોરવાયું
બ્રિટિશ એરવેઝ દ્વારા લંડન હીથ્રો અને સિટી એરપોર્ટ્સની ૮૦થી વધુ અને કુલ ૪૩૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. લાખો લોકોને ઘરમાં જ રહેવા ખાસ સૂચના અપાઈ હતી. હવામાન વિભાગે યોર્ક શાયર અને લેન્કેશાયરમાં ભારે હિમવર્ષાની યલો ચેતવણી આપી હતી. નેશનલ વેધર એજન્સીએ ઉમેર્યું હતું કે, વાવાઝોડા અને હિમવર્ષાના કારણે અનેક રોડ અને રેલવે વ્યવહાર ખોરવાયો હતો. ઈંગ્લેન્ડ અને સાઉથ વેલ્સના દક્ષિણ દરિયા કાંઠે યલો વોર્નિંગ ઈશ્યુ કરાઈ હતી.
૧.૧ મિલિયન પ્રોપર્ટીઝમાં અંધારપટ
ધ એનર્જી નેટવર્ક એસોસિયેશને જણાવ્યું હતું કે ૧.૧ મિલિયન પ્રોપર્ટીઝમાં અંધકાર છવાયો હતો પરંતુ, નેટવર્ક કંપનીઓએ ૭૧૧,૦૦૦થી વધુ ગ્રાહકોને વીજપુરવઠો પુનઃ ચાલુ કરી દીધો છે. જોકે, ૪૩૫,૦૦૦ ગ્રાહકો માટે વીજળી મોડે સુધી વેરણ બની રહી હતી. વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન અનુસાર વહેલી સવારથી ડેવોન અને કોર્નવોલમાં ૧૨૦૦થી વધુ મકાનોમાં વીજળી વેરણ બની હતી. આયર્લેન્ડમાં ૫૫,૦૦૦થી વધુ ઘર, ફાર્મ્સ અને બિઝનેસીસના વીજપુરવઠા બંધ થઈ ગયા હતા.
એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે પ્રોપર્ટીના થયેલા નુકસાન બાબતે અસંખ્ય લોકોની પૂછપરછ ચાલુ થઈ છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, તેમને ૪.૩૫ લાખ મિલકતોને નુકસાન થયું હોવાના ફોન કોલ આવ્યા હતા. નુકસાનની સાચી કોસ્ટ અત્યારથી જણાવવા મુશ્કેલ ગણાય પરંતુ, ૫૦૦ મિલિયનથી વધુ નુકસાનનો અંદાજ મૂકાઈ રહ્યો છે. ગત ફેબ્રુઆરી ૨૦૨૦ના સિઆરા અને ડેનિસ વાવાઝોડાં સમયે વીમા કંપનીઓએ ૩૬૦ મિલિયન પાઉન્ડથી વધુ ચૂકવણી કરવી પડી હતી.

ઉડતી નજરે...

• યુકેમાં ૧૩ના મોત • પવનની ૧૨૨ માઇલની વિક્રમી ગતિ • ૧.૧ મિલિયન પ્રોપર્ટીમાં વીજળી ગુલ • ૪૩૫,૦૦૦ પ્રોપર્ટીઝમાં શુક્રવારે રાત્રે પણ અંધકાર • ૨૦ મિલિયન લોકોને ઘરમાં જ રહેવા સૂચના • ભારે પૂરની ૧૦ ચેતવણીઓ • ૧૦,૦૦૦ રેલવે સેવા રદ કરાઈ • O2 એરિનામાંથી ૧,૦૦૦ લોકોને ખસેડાયા • સ્વાનસીમાં ૩૬,૦૦૦ વિદ્યાર્થીને ઘેર મોકલી દેવાયા • લંડનમાં મિલેનિયમ ડોમને ભારે નુકસાન • પોર્ટ ઓફ ડોવર બંધ કરાતા ડોવર અને કેલે વચ્ચે ફેરી સર્વિસ બંધ કરાઈ • શનિવારે ૮ ઈંચ જેટલો બરફ ખાબક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter