લંડનઃ બ્રિટનમાં માતાપિતા તેમના સંતાનોને ધાર્મિક સંસ્કાર આપવામાં નિષ્ફળ જઇ રહ્યાં હોવાથી દેશ તેના પ્રથમ નાસ્તિક યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. એક અભ્યાસમાં રિસર્ચરોએ જણાવ્યું છે કે અગાઉ કરાયેલા અભ્યાસોમાં દેશમાં વધી રહેલી નાસ્તિકતાને ઓછી આંકવામાં આવી હતી કારણે કે સૌથી પહેલાં તો આ શબ્દને વ્યાખ્યાયિત કરવાનું મુશ્કેલ હતું. નાસ્તિક અને કેટલીક હદે આધ્યાત્મિક એવા લોકોમાં આ શબ્દ અથડાતો રહેતો હતો . આ પ્રકારના અભ્યાસોમાં લોકો ઇશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નહોતા પરંતુ તેમના રોજિંદા જીવનમાં નાસ્તિક શબ્દનો ઉપયોગ પણ કરતાં નહોતાં. કારણ કે તેઓ તેમની આસ્થાની ઓળખ અને તેને પામવા માટે વધુ સમય પણ ફાળવતા નહોતા.
કેન્ટ યુનિવર્સિટીના ડો. લોઇસ લી કહે છે કે એ વાત તો લાંબાસમયથી સૌ જાણે છે કે ધાર્મિક ન હોય તેવા માતાપિતા દ્વારા ઉછેર પામતા બાળકોને ધર્મમાં કોઇ રસ હોતો નથી પરંતુ ધાર્મિક હોવા છતાં ધાર્મિક રિતીરિવાજોમાં સક્રિય ન રહેતાં માતાપિતાના બાળકોને પણ ધર્મમાં કોઇ રસ હોતો નથી. વાલીઓ તેમની આસ્થા મુજબનું જીવન જીવતા હોય તે અત્યંત મહત્વનું છે.
લી કહે છે કે યુકે તેના પ્રથમ નાસ્તિકતાના યુગમાં પ્રવેશ કરી રહ્યો છે. 2008ના એક સરવે પ્રમાણે 41.8 ટકા બ્રિટિશ ઇશ્વરમાં આસ્થા ધરાવતા હતા જ્યારે 35.2 ટકાને કોઇ આસ્થા નહોતી. 2018માં સમગ્ર સ્થિતિ જ પલટાઇ ગઇ હતી અને 35.2 ટકા બ્રિટિશ પરમેશ્વરમાં આસ્થા ધરાવતા હતા જ્યારે 42.9 ટકાને ઇશ્વરમાં વિશ્વાસ નહોતો. 2021ની વસતી ગણતરીમાં પણ બ્રિટનમાં ઇશ્વરના અસ્તિત્વને નહીં સ્વીકારનારા લોકોની સંખ્યા 50 ટકાને પાર કરી ગઇ હતી.