લંડનઃ બ્રિટનમાં ઓક્ટોબર સુધીના ત્રિમાસિક ગાળામાં બેરોજગારી દર લગભગ એક દસકામાં સૌથી તળિયે પહોંચ્યો છે. બેરોજગારી દર નાણાકીય કટોકટી અગાઉના દરોએ પહોંચવાથી અર્થતંત્રની રીકવરીમાં નવું સીમાચિહ્ન રચાતા બ્રિટનના નોકરી બજારની તાકાત જોવા મળી છે. જોકે, ઓક્ટોબર સુધીના ત્રિમાસિક ગાળામાં કુલ વેતનવૃદ્ધિ માત્ર ૨.૪ ટકા હતી
જોકે, વેતનવૃદ્ધિ બાબતે નિરાશા સાંપડી છે અને આ ગાળામાં કમાણીમાં તીવ્ર ઘટાડો જોવા મળતા વ્યાજ દરો લાંબા સમય સુધી ૦.૫ ટકાના વિક્રમી નીચા દરે સ્તિર રહેશે તેવો સંકેત મળે છે. જુલાઈ સુધીના ત્રિમાસિક ગાળામાં બેરોજગારી દર ૫.૫ ટકા હતો તે ઓગસ્ટ-ઓક્ટોબર ગાળામાં ઘટીને ૫.૨ ટકા થયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ જાન્યુઆરી ૨૦૦૬ સુધીના ત્રિમાસિક ગાળા પછી આ સૌથી નીચો અને ૨૦૦૭ના અંત અને ૨૦૦૮ના આરંભના નાણાકીય કટોકટી પહેલાના ગાળાના દરોની સમકક્ષ દર છે.
આંકડા અનુસાર ઓક્ટોબર સુધીના ત્રિમાસિક ગાળામાં વિક્રમી ૩૧.૩ મિલિયન લોકો કામે લાગેલા હતા, જે તેની અગાઉના ત્રણ મહિના કરતા ૨૦૭,૦૦૦ની વૃદ્ધિ સૂચવે છે. તેનાથી વર્કિંગ એજ રોજગારી દર ૭૩.૯ ટકાનો થયો હતો, જે ૧૯૭૧ પછી સૌથી ઊંચો છે. સપ્તાહમાં થયેલા કામકાજના કુલ કલાક પણ સૌથી વધુ એક બિલિયનના આંકડે સૌપ્રથમ વખત પહોંચ્યા હતા. આમ છતાં, ઓક્ટોબર સુધીના ત્રિમાસિક ગાળામાં કુલ વેતનવૃદ્ધિ માત્ર ૨.૪ ટકા રહી હતી, જે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં ત્રણ ટકાની હતી.