લંડનઃ બ્રિટનની ૪૪ વર્ષીય સુપર મોમ સ્યૂ રેડફોર્ડ ફરી સગર્ભા છે અને એપ્રિલ ૨૦૨૦માં તેમના ૨૨મા સંતાનને જન્મ આપશે. દંપતીએ યુટ્યૂબ પર વીડિયો દ્વારા આ જાહેરાત કરી છે. લેન્કેશાયરના મોરકામ્બે આ દંપતી નોએલ અને સ્યૂ રેડફોર્ડે ૨૦૧૮માં તેમના ૨૧મા સંતાનના જન્મ પછી હવે વધુ બાળકને જન્મ આપવાનું જાહેર કર્યું હતું. દંપતી નવમા બાળકની પ્રતીક્ષા કરી રહ્યું હતું ત્યારે નોએલે વેઝેક્ટોમી કરાવી હતી, પરંતુ, વધુ બાળકો થઈ શકે તે માટે રીવર્સ શસ્ત્રક્રિયા પણ કરાવી હતી. રેડફોર્ડ દંપતી પર ચેનલ ફોર દ્વારા ૨૦૧૨માં ‘15 Kids and Counting’ ડોક્યુમેન્ટરી રજૂ થયા પછી તેઓ પ્રસિદ્ધ થયાં હતાં.
રેડફોર્ડ દંપતીનું છેલ્લું સંતાન બોની રાયે છે, જેનો જન્મ નવેમ્બર ૨૦૧૮માં થયો હતો. અન્ય સંતાનોમાં ક્રિસ (૩૦), સોફી (૨૫), કોલે (૨૩), જેક (૨૨), ડેનિયલ (૨૦), લ્યૂક (૧૮), મિલી (૧૭), કેટી (૧૬), જેમ્સ (૧૫), એલી (૧૪), એમી (૧૩), જોશ (૧૨), મેક્સ (૧૧), ટિલ્લી (૯), ઓસ્કાર (૭), કાસ્પર (૬), હેલી (૩), ફોબે (૨), આર્ચી (૧૮ મહિના)નો સમાવેશ થાય છે. તેમનું ૧૭મું બાળક આલ્ફી મૃત હાલતમાં જન્મ્યું હતું. ક્રિસ અને સોફી સિવાયના બાળકો હજુ માતાપિતા સાથે જ રહે છે. આમાંથી ૨૫ વર્ષની સોફીને તો ખુદનાં ત્રણ સંતાન છે.
રેડફોર્ડ દંપતી દર સપ્તાહે ચાઈલ્ડ બેનિફિટ્સ તરીકે માત્ર ૧૭૦ પાઉન્ડ જ ક્લેઈમ કરે છે અને નોએલ રેડફોર્ડના બેકરી બિઝનેસ પર ગુજારો કરે છે. એટલું જ નહીં, ૨૪૦,૦૦૦ પાઉન્ડની કિંમતે ૨૦૦૪માં ખરીદેલા ૧૦ બેડરૂમના ચાર મજલાના ઘર માટે પણ નાણાં ચૂકવે છે. પરિવારે દર સપ્તાહે ખોરાક પાછળ ૩૫૦ પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે અને ઘરને વ્યવસ્થિત રાખવા દરરોજ રાત્રે ત્રણ કલાક ગાળવા પડે છે.
રેડફોર્ડ દંપતીએ પરિવારને ડિનર પર લઈ જવું હોય તો ઓછામાં ઓછાં ૧૫૦ પાઉન્ડ ખર્ચવા પડે છે, સિનેમા જવાનું પણ સ્વાભાવિકપણે જ મોંઘુ પડે છે અને વેકેશન પર જવું હોય તો ઓછામાં ઓછી સાત સૂટકેસ ભરીને લઈ જવી પડે છે. આથી જ સ્યૂ પેકિંગના કામને ‘મિલિટરી ઓપરેશન’ સાથે સરખાવે છે.