લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે આશ્ચર્યજનક રીતે મોટો જુગાર રમતાં 4 જુલાઇના રોજ સંસદની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી દેશજોગ સંદેશમાં વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટન માટે તેના ભવિષ્યની પસંદગી કરવાની ક્ષણ આવી પહોંચી છે. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં મતદારો દેશનું નેતૃત્વ કરવા માટે કન્ઝર્વેટિવ પાર્ટી પર વિશ્વાસ કરશે.
વડાપ્રધાન સુનાકે તેમની કેબિનેટને જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે. ફુગાવો ઘટી રહ્યો છે અને નેટ માઇગ્રેશનમાં ઘટાડો ટોરીઝ તેમની યોજનાઓને વળગી રહ્યાં છે તેવો સંદેશ મતદારો સુધી પહોંચાડી શકશે. જોકે ચૂંટણીની જાહેરાત અંગે સુનાકના મંત્રીઓમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. એસ્તર મેકવે અને ક્રિસ હીટન-હેરિસે જણાવ્યું હતું કે આર્થિક પ્રવાહોમાં સુધારા છતાં મતદારો હજુ સરકારની કામગીરીથી ખુશ નથી. માઇકલ ગોવે વડાપ્રધાનના નિર્ણયને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, જે સાહસ કરે છે તે જીતે છે. વડાપ્રધાને સાહસ કર્યું છે અને તેઓ વિજયી થશે.
વડાપ્રધાને તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, મને આશા છે કે હું વડાપ્રધાન બન્યો ત્યારથી મેં કરેલી કામગીરી દર્શાવે છે કે અમારી પાસે યોજના છે અને દેશના વિકાસ માટે અમે જરૂરી તમામ સાહસિક પગલાં લેવા તૈયાર છીએ. હું મારી યોજનાઓ અને નીતિઓને વળગી રહ્યો છું અને મતદારો સાથે પ્રમાણિક રહ્યો છું. મુશ્કેલ હોવા છતાં તેમ કરવું જરૂરી છે.
સુનાકે જણાવ્યું હતું કે, હું એવો દાવો કરતો નથી કે કરી શક્તો નથી કે અમે બધુ સમુસુતરું કરી દીધું છે. એવો દાવો કોઇ સરકારે કરવો જોઇએ નહીં પરંતુ આપણે સાથે મળીને જે હાંસલ કર્યું છે અને સાહસિક નિર્ણયો લીધાં છે તેનું મને ગૌરવ છે. આપણે ભવિષ્યમાં શું કરી શકીએ છીએ તે અંગે મને આત્મવિશ્વાસ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ચૂંટણી એવા સમયે યોજાઇ રહી છે જ્યારે શીત યુદ્ધ પછી વિશ્વ સૌથી ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આવી અનિશ્ચિતતામાં ભાવિ સુરક્ષિત કરવા માટે સ્પષ્ટ યોજના અને સાહસિક પગલાંની જરૂર છે. કોની પાસે સ્પષ્ટ યોજના છે તે તમારે આ ચૂંટણીમાં નક્કી કરવાનું છે.
ચૂંટણી મતદારોને સત્તા પરિવર્તનની તક આપશેઃ સર કેર સ્ટાર્મર
લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ચૂંટણી મતદારોને સત્તા પરિવર્તનની તક આપશે. ચૂંટણી જાહેર થઇ ચૂકી છે અને દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. 4 જુલાઇના રોજ તમે વિકલ્પની પસંદગી કરી શકો છો જેથી આપણે સાથે મળીને અંધાધૂંધી અટકાવી શકીએ. આપણે બદલાવ લાવી શકીએ અને બ્રિટનને બદલવા અને પુનનિર્માણ કરવાનું શરૂ કરી શકીએ. સ્ટાર્મરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, બદલાવનો સમય આવી ચૂક્યો છે. ટોરીઝને વધુ પાંચ વર્ષ આપવાનો અર્થ એ છે કે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ, ખાદ્યપદાર્થોની મોંઘવારી અને ગટરના પાણી મિશ્રિત પાણી જેવી સમસ્યાઓ વધુ ગંભીર બનશે. લોકશાહીના પ્રતાપે તમારી પાસે પસંદગીની સત્તા છે. સારા ભવિષ્ય માટે બદલાવની તક. તમારા ભાવિ, તમારા સમાજ અને તમારા દેશને બદલવાની તક. લેબર પાર્ટી આર્થિક અને રાજકીય સ્થિરતા આપશે. બ્રિટનના પુનઃનિર્માણ માટેની લાંબાગાળાની યોજના આપશે.