લંડનઃ એક સર્વે અનુસાર બ્રિટનમાં ગયા વર્ષથી ચીનવિરોધી વલણમાં વધારો થયો છે. ૪૧ ટકા લોકો ચીનને યુકે માટે જોખમી હોવાનો મત ધરાવે છે. ગયા વર્ષે આ ટકાવારી ૩૦ની હતી. માત્ર ૨૧ ટકાએ ચીનનું વર્તન જવાબદારીપૂર્ણ હોવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. બ્રિટન બ્રેક્ઝિટ પછીની નીતિઓની પ્રાથમિકતાની રુપરેખા ઘડી રહ્યું છે ત્યારે આ સર્વેના તારણો બહાર આવ્યાં છે.
બ્રિટિશ ફોરેન પોલિસી ગ્રૂપ દ્વારા કરાયેલા સર્વેમાં ૪૧ ટકા બ્રિટિશરોએ ચીન યુકે માટે ભારે ધમકીરુપ હોવાનો મત વ્યક્ત કરી તેની સાથે આર્થિક સંબંધોનો પણ વિરોધ કર્યો છે. ગયા વર્ષે માત્ર ૩૦ ટકા લોકો ચીનના વિરોધી હતા. બ્રિટિશ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચીનની ભૂમિકાની ઝીણવટભરી ચકાસણી અને યુકેને 5G ઉપકરણો પૂરા પાડવા મુદ્દે ચીનની ટેલિકોમ કંપની હુઆવેઈ પર પ્રતિબંધ પછી ચીનવિરોધી વલણ વધ્યું છે. એક તરફ, ૨૨ ટકા લોકોએ બ્રિટિશ સરકાર ચીન સાથે કોઈ પ્રકારનો આર્થિક સહયોગ સાધે તેને સમર્થન આપ્યું છે ત્યારે ૧૫ ટકાએ કોઈ પણ આર્થિક સમજૂતીનો વિરોધ કર્યો છે. યુકેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચીન સંકળાય તેને માત્ર ૧૫ ટકાએ ટેકો આપ્યો છે.
ચીન જવાબદારીપૂર્ણ વર્તન કરશે તેવો વિશ્વાસ માત્ર ૨૧ ટકા લોકો ધરાવે છે જે ટકાવારી સમગ્ર વિશ્વમાં સૌથી તળિયે છે. જવાબદારીપૂર્ણ વર્તન બાબતે યુનાઈટેડ સ્ટેટ્સ (૪૩ ટકા), સ્ટેટ્સ (૪૩ ટકા), કેનેડા (૮૯ ટકા), જાપાન (૫૯ ટકા), યુરોપિયન યુનિયન (૬૦ ટકા) અને ભારત માટે ૪૦ ટકા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ચીનના માનવાધિકાર રેકોર્ડને બ્રિટન પડકારી રહ્યું છે તેને ૪૦ ટકા લોકોએ સમર્થન આપ્યું છે. હોંગ કોંગ પર રાજકીય દમન તેમજ ચીનના નોર્થ-વેસ્ટ શિનજિઆંગ પ્રાંતમાં ઉઈઘુર મુસ્લિમોના ફરજિયાત સ્ટરિલાઈઝેશનના મુદ્દે ચીનની આંતરરાષ્ટ્રીય ટીકા થઈ રહી છે. ૩૮ ટકા લોકો ચીન સાથે ઉચ્ચ શિક્ષણ, ક્લાઈમેટ ચેન્જ, રિસર્ચ તેમજ અન્ય વૈશ્વિક પડકારો મુદ્દે સહકારને ટેકો આપી રહ્યા છે. લગભગ ૩૩ ટકા મતદારે ચીનના વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે તેને ટેકો આપ્યો છે જ્યારે ૨૫ ટકાથી વધુ લોકો રિસર્ચ પ્રોજેક્ટ્સ પર ચીન સાથે સહકાર ચાલુ રાખવાના હિમાયતી છે.