લંડનઃ યુકેમાં લેબર પાર્ટીની સરકાર સત્તામાં આવ્યાને હજુ 6 મહિના પણ પૂરા થયાં નથી ત્યાં સંસદની પુનઃચૂંટણી કરાવવાની માગ બુલંદ બની રહી છે. ફરી ચૂંટણી યોજવાની માગ કરતી ઓનલાઇન પીટિશન લોન્ચ કરાયાના થોડા જ કલાકમાં તેના પર 1,75,000 લોકોએ હસ્તાક્ષર કર્યાં હતાં. અત્યાર સુધીમાં આ પીટિશન પર બે મિલિયન કરતાં વધુ લોકો હસ્તાક્ષર કરી ચૂક્યાં છે.
આ પીટિશનનો પ્રારંભ માઇકલ વેસ્ટવૂડ દ્વારા કરાયો હતો. તેમણે લેબર સરકારના વહીવટ સામે અસંતોષ જાહેર કરતાં પુનઃચૂંટણીની માગ કરી હતી. વેસ્ટવૂડે તેમની પીટિશનમાં આરોપ મૂક્યો છે કે લેબર સરકાર તેના વચનોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. આ પીટિશન પર દર કલાકે 1 લાખથી વધુ લોકો હસ્તાક્ષર કરી રહ્યાં છે.
કન્ઝર્વેટિવ નેતાઓ ઓનલાઇન પીટિશનને મળી રહેલા પ્રતિભાવને જનતાનો આક્રોશ ગણાવી રહ્યાં છે. જોકે સરકારે આ અપીલને નકારી કાઢી છે પરંતુ તેના કારણે વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચાનો પ્રારંભ થઇ શકે છે જે 10 ડાઉનિંગ સ્ટ્રીટ માટે ચિંતાનો વિષય છે.
વેસ્ટવૂડે તેમની પીટિશનમાં જણાવ્યું છે કે જુલાઇથી સત્તામાં આવેલી લેબર સરકાર ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોમાંથી પીછેહઠ કરી રહી છે. વેસ્ટવૂડની આ પીટિશનને અમેરિકાના અબજોપતિ ઇલોન મસ્કનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે.
જોકે વડાપ્રધાન સ્ટાર્મરે પીટિશનને નકારી કાઢતાં જણાવ્યું હતું કે, બજેટમાં લેવાયેલા આકરાં પગલાંના કારણે જનતામાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.