લંડનઃ ઉદાસી, ચિંતા કે એકલતા જેવા રોગોની સારવાર દવાઓ દ્વારા નહીં પણ કવિતાઓ દ્વારા કરવામાં આવે છે. વાત થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ તે સાચું છે. લંડનમાં આવા રોગો માટે પોએટ્રી (કવિતા) ફાર્મસી ખુલ્લી છે. અહીં આવતા લોકો કવિતાના પુસ્તકો વાંચે છે... એકબીજાને સંભળાવે છે અને કવિતા વિશે જ વાત કરે છે. બે મહિના પહેલા વૃદ્ધો માટે ખુલેલી આ પોએટ્રી ફાર્મસીમાં આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. અહીં મોટી સંખ્યામાં યુવાનો પણ આવી રહ્યા છે. ઘણા યુવાનો અહીં કવિતાઓ પણ લખી રહ્યા છે. પોએટ્રી ફાર્મસીના સ્થાપક ડેબ અલ્મા કહે છે - કવિતા એ એક એવી કળા છે જે મનની સર્વોચ્ચ અવસ્થામાં વિકસે છે, પછી તે સ્થિતિ સુખની હોય કે ઉદાસીની કે પછી પીડાની. કવિતા આઘાતમાંથી બહાર કાઢી શકે છે. ફાર્મસીના ટેબલ પર પણ રાખેલી બોટલો પર પણ કવિતાઓ લખેલી છે. ફાર્મસીમાં આવતા લોકો કવિતાઓ સાંભળી-સંભળાવીને પોતાનું રેકોર્ડિંગ કરી રહ્યા છે. લંડન બહારના પણ અહીં મુલાકત લઇ રહ્યાં છે. મનોવૈજ્ઞાનિકો માને છે કે બિમારીઓના પ્રારંભિક તબક્કામાં તે અસરકારક છે.
ફાર્મસીમાં કવિતા ઉપરાંત, ફિલોસોફી અને સાયકોલોજીના પુસ્તકો પણ છે. એકલતા અને તણાવ જેવી માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહેલા યુવાનો અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ફાર્મસીમાં તેઓ કવિતાઓ રચે છે અને એકબીજાને સંભળાવીને સંબંધો બનાવી રહ્યા છે. આનાથી તેમની એકલતા દૂર થઇ રહી છે. તેઓ પોતાની સમસ્યાઓ કવિતાઓના માધ્યમથી એકબીજા સાથે શેર કરવાવા લાગ્યા છે. જેનાથી તેઓ હળવા અનુભવી રહ્યા છે. કવિતાઓ સાંભળીને અને વાંચીને તે એંગ્ઝાઇટીમાંથી પણ બહાર આવવા લાગ્યા છે.