લંડનઃ યુવાપેઢીને ધુમ્રપાનની લતથી મુક્ત રાખવા સુનાક સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ધુમ્રપાન પ્રતિબંધ ખરડાએ પ્રથમ અવરોધ પાર કરી લીધો છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સાંસદોના ઉગ્ર વિરોધ છતાં હાઉસ ઓફ કોમન્સે આ ખરડાને પસાર કર્યો હતો. ગયા વર્ષે વડાપ્રધાન રિશી સુનાકે આ ખરડાની જાહેરાત કરી હતી. ખરડામાં કરાયેલી જોગવાઇ અનુસાર 1 જાન્યુઆરી 2009 પછી જન્મેલાને તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ આવી જશે.
જો આ ખરડાને સંસદની મંજૂરી મળી જશે તો બ્રિટનમાં ધુમ્રપાન વિરોધી આકરા કાયદા આવી જશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાયદાથી બ્રિટનમાં પ્રથમ ધુમ્રપાન મુક્ત પેઢીનું સર્જન થશે. આખી બપોરની ચર્ચા બાદ મોડી સાંજે હાઉસ ઓફ કોમન્સમાં આ ખરડાને 383 વિરુદ્ધ 67 મતથી પસાર કરાયો હતો. લેબર પાર્ટી અને સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સાંસદોના વિરોધ છતાં આરોગ્ય નિષ્ણાતો દ્વારા આ ખરડાને ભારે સમર્થન હાંસલ થઇ રહ્યું છે.
આ ખરડામાં સગીરોને વેપિંગ કરતા અટકાવવા, સસ્તા ડિસ્પોઝેબલ વેપ્સના વેચાણ પર પ્રતિબંધ લાદવા અને બાળકોને તમાકુ ઉત્પાદનના વેચાણ પર પ્રતિબંધ જેવી આકરી જોગવાઇઓ કરવામાં આવી હતી.
સરકારે જણાવ્યું હતું કે, ધુમ્રપાનને અપરાધની શ્રેણીમાં લવાશે નહીં. કાયદેસરની ઉંમર બાદ ધુમ્રપાન કરનારાને સિગારેટ ખરીદતા અટકાવાશે નહીં. 1970ના દાયકા બાદ બ્રિટનમાં ધુમ્રપાન કરનારાની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જો કે હજુ કુલ વસતીના 13 ટકા એટલે કે 6.4 મિલિયન લોકો ધુમ્રપાન કરી રહ્યાં છે.