લંડનઃ યુકેના ફર્ટિલિટી રેગ્યુલેટર ધ હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રયોલોજી ઓથોરિટી (HFEA) દ્વારા ત્રણ વ્યક્તિના DNA સાથે સંતાનને જન્મ આપવાની વિવાદિત પ્રક્રિયાને લીલી ઝંડી આપવાના ઐતિહાસિક નિર્ણય સાથે ફર્ટિલિટી ક્લિનિક્સ પાસે લાઈસન્સ અરજીઓ સ્વીકારવા જાહેરાત કરાઈ છે. આના પરિણામે, નવા વર્ષમાં માઈટોકોન્ડ્રિયલ રિપ્લેસમેન્ટ થેરાપી (MRT) પ્રક્રિયાથી પ્રથમ બ્રિટિશ બાળકનો જન્મ થવાની શક્યતાઓ વધી છે. હજારો નિઃસંતાન બ્રિટિશ દંપતી આ પ્રક્રિયાથી બાળકના જન્મનો ઉલ્લાસ માણી શકશે. ઉલ્લેખનીય છે કે વિવાદિત થ્રી પેરન્ટ IVF પ્રક્રિયાથી ૨૦૧૭ની પાંચ જાન્યુઆરીએ યુક્રેનના પેરન્ટે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે, જે વિશ્વમાં આ પ્રક્રિયાથી જન્મેલું બીજું બાળક છે.
માઈટોકોન્ડ્રિયલ ખામી ધરાવતી મહિલાઓ આ પ્રક્રિયા થકી બાળકને જન્મ આપી શકશે. ન્યૂકેસલ ફર્ટિલિટી સેન્ટર દ્વારા લાઈસન્સની અરજી કરવાની જાહેરાત કરી દેવાઈ છે. જોકે, દરેક પેશન્ટની સારવાર માટે નવું લાઈસન્સ મેળવવાનું થશે. માઈટોકોન્ડ્રિયલ ખામી ધરાવતી મહિલાના ખામીપૂર્ણ DNAના કારણે તેમના બાળકોમાં પણ જીવલેણ જિનેટિક રોગો આગળ વધવાનું જોખમ રહે છે. માઈટોકોન્ડ્રિયા કોષની અંદર સુક્ષ્મ બેટરી જેવું માળખું છે, જે ટિસ્યુઝને ઊર્જા પૂરી પાડે છે. કોષોમાં સેંકડો માઈટોકોન્ડ્રિયા હોય છે, જે માત્ર માતા તરફથી બાળકોને મળે છે. આશરે ૧૦,૦૦૦માંથી એક નવજાત બાળકને માઈટોકોન્ડ્રિયલ રોગની અસર થાય છે. માઈટોકોન્ડ્રિયાની ખામીના લીધે મગજ, હૃદય, સ્નાયુઓ અને ઊર્જાની જરૂરિયાત ધરાવતા અન્ય ટિસ્યુઓ નિષ્ફળ થવાથી બાળકો નાની વયે મોતનો શિકાર બને છે.
બ્રિટનમાં MRT પ્રક્રિયાથી જન્મનારું બાળક ૨૦૧૭ના અંત પહેલા અવતરી શકે છે પરંતુ, વિશ્વમાં ત્રણ વ્યક્તિથી જન્મનારું બાળક નહિ હોય. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં યુએસના ડોક્ટરોએ મેક્સિકોના ક્લિનિકમાં આ સારવારથી તંદુરસ્ત બાળકના જન્મની જાહેરાત કરી હતી. જોકે, MRT પણ નાના પ્રમાણમાં ખામીપૂર્ણ માઈટોકોન્ડ્રિયા રહી જવાના જોખમો ધરાવે છે. સારવારની આડઅસર નવજાત બાળકને જ નહિ, તેના સંતાનોને પણ નડી શકે છે.
MRT પ્રક્રિયામાં માતાના બીજમાં ખામીપૂર્ણ માઈટોકોન્ડ્રિયાને દાતાના સ્વસ્થ માઈટોકોન્ડ્રિયાથી બદલવામાં આવે છે, જેના પરિણામે આવનારા સંતાનને માતા અને પિતાના ૪૬ રંગસૂત્રનો સંપૂર્ણ સેટ વારસામાં મળે છે. બાળકનો દેખાવ અને અન્ય લાક્ષણિકતાઓ માતા-પિતાના DNAની રહે છે પરંતુ, તેઓ તંદુરસ્ત દાતાના માઈટોકોન્ડ્રિયા ધરાવે છે. બાળક પર દાતાના કોઈ કાનૂની અધિકાર રહેતા નથી.