લંડનઃ છેલ્લા એક દાયકામાં પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આ શૈક્ષણિક વર્ષમાં પ્રાઇવેટ સ્કૂલમાં પ્રવેશની સંખ્યામાં 2.7 ટકાનો ઘટાડો જોવાયો છે. 2011 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.
1400 કરતાં વધુ પ્રાઇવેટ સ્કૂલનું પ્રતિનિધિત્વ કરતી પ્રાઇવેટ સ્કૂલ કાઉન્સિલે જણાવ્યું હતું કે, લેબર પાર્ટીએ પ્રાઇવેટ સ્કૂલની ફી પર વેટ લગાવવાની ભલામણ કરી છે તેના કારણે ઘણા વાલીઓ આ વર્ષે પોતાના સંતાનોને પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરતાં ખચકાઇ રહ્યાં છે. આગામી ઓટમમાં આ સંખ્યામાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓના અભાવે કેટલીક પ્રાઇવેટ સ્કૂલ બંધ પણ થઇ શકે છે.
બીજીતરફ કેટલાંક પરિવાર વેટના કારણે ફીમાં થનારા વધારાથી બચવા તેમના સંતાનોને પ્રાઇવેટ એજ્યુકેશન માટે હજારો માઇલ દૂર આવેલી બ્રિટિશ પ્રાઇવેટ સ્કૂલોનો વિકલ્પ વિચારી રહ્યાં છે. વિદેશોમાં આવેલી બ્રિટિશ સ્કૂલોની શાખાઓમાં ઘણો ઓછો ખર્ચ આવે છે. મલેશિયા, ચીન, થાઇલેન્ડ અને મીડલ ઇસ્ટના દેશોમાં છેલ્લા 15 વર્ષથી બ્રિટિશ શાળાઓ ચાલી રહી છે.