લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા પ્રમાણે બ્રિટનમાં હાલ વિક્રમજનક 7 મિલિયન ઇમિગ્રન્ટ કામ કરી રહ્યાં છે. દર પાંચમાંથી એક નોકરી ઇમિગ્રન્ટ પાસે છે. આ આંકડામાં 1.4 મિલિયન યુરોપિયન સંઘ સિવાયના દેશોના ઇમિગ્રન્ટ્સનો પણ સમાવેશ થાય છે. કોરોના મહામારી શરૂ થયા બાદ યુરોપિયન યુનિયનના કામદારોની સંખ્યા 2.2 મિલિયનથી ઘટીને 2,30,000 પર આવી ગયા બાદ તેઓ બ્રિટનમાં આવ્યા હતા.
સેન્ટર ફોર માઇગ્રેશન કન્ટ્રોલના રોબર્ટ બેટ્સે જણાવ્યું હતું કે, બિઝનેસો માટે બ્રિટિશ લોકોને પડતા મૂકીને સસ્તા વેતનમાં કામ કરતા વિદેશીઓને નોકરી પર રાખવાનું ઘણું સરળ થઇ ગયું છે. જો આપણે ઉચ્ચ કુશળતા અને ઉચ્ચ વેતન ધરાવતા અર્થતંત્રનું નિર્માણ કરવા માગીએ છીએ તો આ સ્થિતિ બદલવી પડશે.
10 ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર સર કેર સ્ટાર્મર માને છે કે બ્રિટિશ નોકરીઓમાં ઇમિગ્રન્ટ્સનો આંકડો ઘણો ઊંચો છે અને તેને ઘટાડવો જ પડશે. બ્રિટિશ યુવાઓ માટે તાલીમનો અભાવ હોવાના કારણે આપણે માઇગ્રન્ટ્સ પર વધુ આધાર રાખવો પડતો હતો પરંતુ હવે ન્યૂ સ્કીલ્સ ઇંગ્લેન્ડ દ્વારા તાલીમનો અભાવ દૂર કરી શકાશે.
માઇગ્રેશન વોચના આલ્પ મેહમેટે જણાવ્યું હતું કે, 2021માં કોઇપણ મર્યાદા વિના લાગુ કરવામાં આવેલી લૂઝ પોઇન્ટ્સ આધારિત સિસ્ટમના કારણે યુકેમાં 9 મિલિયન જેટલી ફૂલ ટાઇમ નોકરીઓ સસ્તા વિદેશી કામદારો માટે ખુલ્લી થઇ ગઇ હતી. વિદેશી કામદારો માટે હજુ પણ યુકેમાં નોકરીઓ છે અને લેબર સરકાર તે માટે કશું કરી શકે તેમ નથી.