લંડનઃ યુકે હોમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા અને આ સપ્તાહથી અમલી નવા વિઝા નિયમો હેઠળ વિદેશી કેર વર્કર પર આશ્રિતોને દેશમાં લાવવા પર પ્રતિબંધ લાગુ કરાશે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે 1 લાખ કેર વર્કરની સાથે 1.20 લાખ આશ્રિતો પણ આવે છે. યુકે સરકાર પાસે સ્પષ્ટ પુરાવા છે કે કેર વર્કર્સને ખોટા બહાના હેઠળ વિઝા ઓફર કરાય છે અને અસ્તિત્વ વિનાની નોકરીઓ માટે હજારો માઇલ દૂરથી લાવવામાં આવે છે.
દરમિયાન, 4 એપ્રિલથી, સ્કિલ્ડ વર્કર વિઝા પર આવનારાઓ માટે જરૂરી લઘુત્તમ પગાર 26,200 પાઉન્ડથી વધીને 38,700 પાઉન્ડ થશે અને 48 ટકાનો વધારો થશે. કૌટુંબિક વિઝા માટેની લઘુત્તમ આવકની જરૂરિયાત 11 એપ્રિલથી 29,000 પાઉન્ડથી શરૂ થઈ 2025ની શરૂઆતમાં વધારીને 38,700 પાઉન્ડ કરવામાં આવશે.
બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે કેર વર્કર્સ સમાજમાં મોટું યોગદાન આપે છે. જરૂરિયાતના સમયે પ્રિયજનોની સંભાળ રાખે છે પરંતુ, સરકાર આ સેવાના દુરુપયોગ અટકાવવા માટે કટિબદ્ધ છે. સોશિયલ સિક્યુરિટી મિનિસ્ટર હેલન વેટલીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભરતી અને વધુ ઇમિગ્રેશન સામાજિક સંભાળની જરૂરિયાતો માટે લાંબા ગાળાના ઉકેલ નથી. અમે સામાજિક સંભાળ કારકિર્દીમાં સુધારો કરીને અમારા સ્વદેશી કાર્યબળને વેગ આપી રહ્યા છીએ. આમાં કેર વર્કર્સ માટે સુવ્યવસ્થિત માળખું તથા નવી લાયકાતો સામેલ છે.